Home /News /madhya-gujarat /

ડાકોર મંદિરના 1200 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રણછોડરાયની પૂજાનો હક માટે લડી રહી છે બે બહેનો, જાણો શું છે આખો મામલો

ડાકોર મંદિરના 1200 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રણછોડરાયની પૂજાનો હક માટે લડી રહી છે બે બહેનો, જાણો શું છે આખો મામલો

બે બહેનો વર્ષોથી આ કેસમાં લડી રહ્યા છે.

Dakor News: સેવકની બંને દીકરીઓને બે દિવસ દરમિયાન મંદિર ટ્રસ્ટે સેવા પૂજા કરવા ગર્ભગૃહમાં પ્રવેશ ન આપ્યો હતો.

  ડાકોર: ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ ડાકોરનો (Dakor) એક વિવાદ હાલ ઘણો જ ચર્ચામાં છે. ડાકોરમાં રણછોડરાયની પૂજા (two women wants to worship in Dakor Ranchodrai temple ) કરવા માટે બે દિવસથી વારાદારી બહેનો ઇન્દિરાબહેન અને ભગવતીબહેન ગર્ભગૃહની બહાર બેસી રહે છે. પરંતુ તેમને મંદિર ટ્રસ્ટ દ્વારા અંદર પૂજા કરવા માટે જવા દેવામાં આવતા નથી. આ બે બહેનોના પિતા કૃષ્ણલાલ મંદિરના સેવક હતા. 2 અને 3 ઓક્ટોબર તેમના વારાના દિવસો હતા પરંતુ આ બહેનોને મંદિરમાં પૂજા કરવાની પરવાનગી આપવામાં આવી નહી. જેથી તેઓ સાંજ સુધી ગર્ભગૃહની બહાર જ બેસી રહ્યા બાદ ઘરે જતા રહ્યા હતા. જોકે ગઇકાલે એટલે 3 ઓક્ટોબરે તેમણે કહ્યું છે કે, અમે આજે તો જઇએ છીએ પરંતુ 46 દિવસ બાદ ફરી અમારો વારો આવશે એટલે અમે આવીશું. નોંધનીય છે કે, મંદિર ટ્રસ્ટ (Dakor Temple trust) સ્પષ્ટ કહે છે કે, ડાકોર મંદિરના 1200 વર્ષના ઇતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની સેવા પૂજા નથી કરી.

  'કોર્ટમાંથી અમને પૂજા કરવાનો હક મળ્યો છે'

  આ અંગે વારાદારી ઈન્દિરાબેન જણાવ્યું હતું કે, આ વખતે ભલે અમને રણછોડરાયની સેવાનો મોકો ના મળ્યો. પરંતુ હવે 46 દિવસ બાદ અમારા પરિવારનો વારો આવશે ત્યારે ફરી અમે આજ રીતે ભગવાનની પૂજા માટે આવીશું. આ પહેલા પણ આ બહેનોએ જણાવ્યું હતું કે, અમારે મંદિરમાં પૂજા કરવી છે. અમને પણ મંદિરમાં પૂજા કરવાનો હક છે. કોર્ટે અમને આપેલા અધિકારોનું શું. અમે 25 વર્ષ મંદિરમાં સેવા કરી છે. કોર્ટમાંથી અમને પૂજા કરવાનો હક મળ્યો છે. બંને મહિલાએ જણાવ્યું હતું કે તેમના પિતા કુષ્ણલાલા સેવક વંશ અનુસાર પૂજા કરતા હતા. તેમનું નિધન થતાં વંશ પરંપરા મુજબ તેમને પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ.

  સેવકની દીકરીઓ


  બંને બહેનોએ મંદિર ટ્રસ્ટને આપી અરજી

  સેવકની બંને દીકરીઓને બે દિવસ દરમિયાન મંદિર ટ્રસ્ટે સેવા પૂજા કરવા ગર્ભગૃહમાં પ્રવેશ ન આપ્યો હતો. જે અંગે તેઓએ લેખિતમાં મંદિર મેનેજરને અરજી આપી છે. આ અરજીમાં જણાવ્યું છે કે, 46 દિવસ બાદ તેઓ ફરી રણછોડરાયની પૂજા કરવા આવશે. આ વખતે જે રીતે મંદિર કમિટિ દ્વારા લિંગભેદ કરી ફક્ત સ્ત્રી હોવાના કારણે બંને બહેનોને મંદિરમાં સેવા પૂજા કરવા જતા રોકવામાં આવ્યા છે. તે બાબતે મંદિર ઉપર આવનારા દિવસોમાં પગલા ભરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. તેમનો આગામી વારો 19-20 નવેમ્બરના રોજ આવે છે તે સમયે મેનેજર કમિટી પોતાની જીદ છોડી સ્ત્રીઓને સમાન હક આપી સ્કીમના મનઘડંત અર્થઘટનો ન કરે અને મંદિરમાં સેવા પૂજા કરવા જતા રોકે નહી. નહીં તો જે કોઈ કાર્યવાહી થશે તેની જવાબદારી મેનેજરની તેમજ મંદિર કમિટીની રહેશે.

  પૂજા પહેલાં કોર્ટનો આદેશ બતાવો

  જોકે, આ અંગે મંદિર મેનેજમેન્ટનું કહેવું છે કે, કોર્ટનો કોઈ આદેશ હોય તો ભગવાનની સામે જઈને સેવા-પૂજા કરી શકે છે. પૂજા પહેલાં અમને કોર્ટનો આદેશ બતાવવો પડશે. ડાકોરના ઈતિહાસમાં અત્યારસુધીમાં કોઈ મહિલાએ ક્યારેય મંદિરમાં પૂજા કરી નથી.

  આ અંગે સેવક આગેવાન, અશોક આર. પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, સમગ્ર મામલે બંને બહેનોને તેમના કાકાના પરિવાર સાથે વર્ષોથી કેસ ચાલી રહ્યા છે. જો મંદિર તેઓને સેવા પૂજા માટે મંજૂરી આપે તો અમને સેવકોને કોઈ વાંધો નથી. બસ તેઓ કોર્ટના સ્પષ્ટ આદેશ લઈને આવે. ટેમ્પલ કમિટી જે કોઈ નિર્ણય લે તે અંતિમ રહેશે.  શું છે વિવાદ

  સેવાપૂજાના અધિકારની માગણી કરનાર બન્ને બહેનોનો દાવો છે કે, 2018માં આ કેસમાં કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તેથી વારા મુજબ હવે, તેઓ રણછોડરાયની સેવાપૂજા કરી શકે છે. બીજી તરફ મંદિર ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરી દેવાઈ છે કે, જો તેમની પાસે કોર્ટનો આદેશ હોય કે, ‘તેઓ ભગવાન સન્મુખ જઈ સેવા પૂજા કરી શકે છે’ તો જ તેઓને પરવાનગી આપવામાં આવશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Dakor, Dakor temple, ગુજરાત, મહિલા

  આગામી સમાચાર