ખેડા: અમૂલ ડેરીના વાઇસ ચેરમેનની ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી. હવે અમુલ ડેરીના વાઇસ ચેરમેન પદે કોંગ્રેસના ધારાસભ્યા રાજેન્દ્ર પરમારનો વિજય થયો છે. નોંધનીય છે કે, વર્ષ 2020માં અમુલમાં સરકાર દ્વારા મુકાયેલા સરકારી પ્રતિનિધિઓના મતના વિવાદ બાદ કાનૂની કાર્યવાહીને કારણે મત ગણતરી સ્થગિત કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ હવે સ્થગિત કરાયેલી મત ગણતરી કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, રાજેન્દ્રસિંહ પરમારને 9 મત મળ્યા છે. જ્યારે રાજેશ પાઠકને 6 મત મળ્યા છે. જેથી રાજેન્દ્રસિંહ પરમારનો 3 મતે વિજય થયો છે. છેલ્લી ત્રણ ટર્મથી વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાઇ રહ્યા છે. 2020માં ચેરમેન વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઇ હતી. સરકારી પ્રતિનિધિની નિમણૂકથી મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.
આણંદ અમૂલની વર્ષ 2020માં યોજાયેલ સામાન્ય ચૂંટણી બાદ સરકારે અમૂલના વહીવટી માળખામાં ત્રણ સરકારી પ્રતિનિધિની નિમણૂંક કરી હતી.જેને લઇ કાયદાકીય વિવાદ ઉભો થયો હતો .જોકે લાંબી લડાઇ બાદ હાઇકોર્ટે સરકારે નિમણૂંક કરાયેલા ત્રણેય પ્રતિનિધિનું પ્રતિનિધિત્વ રદ્દ કરી નાંખ્યું છે અને તેમણે વાઇસ ચેરમેનની ચૂંટણી માટે આપેલા મત સિવાય ચૂંટાયેલા સભ્યોએ આપેલા મતની ગણતરી કરવા આદેશ કર્યો છે. જે સંદર્ભે મંગળવારના રોજ ચૂંટણી અધિકારીની હાજરીમાં મતગણતરી કરવામાં આવશે.
આણંદ અમૂલ ડેરીના 10 હજાર કરોડના ટર્નઓવર પર અંકુશ મેળવવા માટે છેલ્લા દસકાથી રાજકીય લડાઇ ચાલી રહી છે. આ લડાઇ વચ્ચે સરકાર દ્વારા પોતાના ત્રણ પ્રતિનિધિની નિમણૂંક કરવામાં આવી હતી. આ પ્રતિનિધિઓ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મતદાન કરવા સુધીનો મામલો પહોંચ્યો હતો. વર્ષ 2020માં આણંદ અમૂલ ડેરીના વહીવટી માળખાના 13 સભ્યોની ચૂંટણી થઇ હતી. જે ચૂંટણી બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચેરમેન તરીકે રામસિંહ પરમાર બિનહરીફ ચૂંટાયાં હતાં.
જોકે, વાઇસ ચેરમેનની ચૂંટણીમાં બોરસદના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને બાલાસિનોરના ભાજપના આગેવાન રાજેશ પાઠક (પપ્પુ પાઠક) વચ્ચે કાંટાની ટક્કર હતી. જેમાં ચૂંટાયેલા 13 સભ્યો, રજીસ્ટ્રાર સહિત 15 વ્યક્તિ ઉપરાંત સરકારના ત્રણ પ્રતિનિધિ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર