Video નડીયાદ: કેનેડાથી આવેલા જમાઈ પર સાસરીપક્ષે ગુંડાઓ મોકલી હુમલો કરાવ્યો, દાદીએ બતાવી બહાદુરી

સીસીટીવી (ફોટો)

કોરોના પોઝિટિવ થતા તબીયત લથડી હતી, જેની જાણ દીકરાને થતા દીકરો કેનેડાથી પિતાની ખબર કાઢવા માટે નડીયાદ આવ્યો હતો.

  • Share this:
    જનક જાગીરદાર, ખેડા : નડીયાદમાં કેનેડાથી આવેલા એક યુવકના પરિવાર પર હુમલો અને ઘરમાં તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે. અમદાવાદથી ગુંડાઓ મોકલી સાસરી પક્ષ દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે, આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર અને હુમલો કરાવનાર 10 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, નડીયાદ શહેરના પીપલગ ચોકડી પાસે સમય એલિગન્સમાં રહેતો અને હાલમાં કેનેડા સ્થાયી સ્થયેલ હિમાંશુ પોતાના પિતાની તબીયત ખરાબ થતા બે-ચાર દિવસ પહેલા જ કેનેડાથી વતન નડીયાદ આવ્યો હતો. આ સમયે શુક્રવારે અચાનક 10 જેટલા લોકો તેમના ઘરે તીક્ષ્ણ હથિયારો સાથે ઘુસી આ્યા હતા, અને તોડફોડ શરૂ કરી હુમલો કર્યો હતો. આ મામલે પરિવારે જેમ તેમ કરી પોતાનો જીવ બચાવ્યો હતો. આ મામલે નડીયાદ શહેર પોલીસે ગુનો નોંધી હુમલા ખોરની તપાસ શરૂ કરી દીધી છે.

    વિગતે ઘટનાની વાત કરીએ તો, હિમાંશુના પિતા રાજુભાઈ પટેલ નડિયાદમાં એપીએમસીમાં વેપારી છે, તેમને કોરોના પોઝિટિવ થતા તબીયત લથડી હતી, જેની જાણ દીકરાને થતા દીકરો કેનેડાથી પિતાની ખબર કાઢવા માટે નડીયાદ આવ્યો હતો. આ સમયે તે જ્યારે પરિવાર સાથે ઘરે હતો ત્યારે શુક્રવારે 10 લોકો ધોકા, સળીયા જેવા તિક્ષ્ણ હથિયાર સાથે ઘરે આવી પહોંચ્યા હતા. અને બહાર પાર્ક કરેલી ગાડીમાં તોડફોડ કરી ઘરના કાચ પણ તોડી નાખ્યા હતા. આ જોઈ પરિવાર ગભરાઈ ગયો હતો, અને તેમણે બચવા માટે પોતાને ઘરમાં બંધ કરી દીધા હતા. આ સમયે ઘરના મોભી દાદીએ પણ ગુંડાઓ સામે બાથ ભીડી ગુંડાઓને ઘરની બહાર ખદેડ્યા હતા અને પરિવારનો જીવ બચાવવાની કોશિશ કરી હતી.

    આ મામલે પોલીસ ફરિયાદમાં પરિવારે જણાવ્યું છે કે, બે દિવસ પહેલા હિમાંશુનો કૌટુંબીક સાળો તેજસ બારોટ ઘરે આવ્યો હતો, તેણે સાસરીપક્ષને જાણ કરી કે હિમાંશુ કેનેડાથી આવ્યો છે. ત્યારબાદ સાસરીપક્ષે જ અમદાવાદથી ભાડુઆતી ગુંડાઓ મોકલી અમારા પરિવાર પર હુમલો કરાવ્યો છે. આ મામલે ફરિયાદના આધારે પોલીસે તેજસ બારોટ, દિપક ત્રિવેદી અને અન્ય અજાણ્યા 10 જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    તમને જણાવી દઈએ કે, હિમાંશુ થોડા વર્ષ પહેલા અભ્યાસ માટે કેનેડા ગયો હતો, ત્યાં અમદાવાદની સોનું ત્રિવેદી નામની યુવતી સાથે તેને પ્રેમ થયો ત્યારબાદ બંનેએ પરિવારની મંજૂરી સાથે 2018માં કાયદેસર રીતે લગ્ન કર્યા હતા. ત્યારબાદ ફરી કેનેડા સ્થાયી થઈ ગયા હતા. આ સમયે બંને વચ્ચે અણબનાવ રહેતા આખરે બંનેએ છૂટા થઈ જવાનો નિર્ણય લઈ કાયદેસર રીતે કેનેડામાં છૂટાછેડા લઈ લીધા હતા. આ મામલે સાસરીપક્ષે તેનો બદલો લેવા માટે જમાઈ હિમાંશુ કેનેડાથી આવતા તેની પર હુમલો કરાવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આરોપી દિપક ત્રિવેદી યુવતીના પિતા છે, જ્યારે તેજસ બારોડ કૌટુંબીક સાળો હોવાનું સામે આવી રહ્યું છે. હુમલા સમયે આ બંને લોકો પણ ગુંડાઓની ટોળકી સાથે લોખંડનો સળીયો વગેરે હથિયારો સાથે આવ્યા હતા. જોકે, પરિવારે સમયસૂચકતા વાપરતા જીવલેણ હુમલાની ઘટના બનતા બચી ગઈ છે.
    Published by:kiran mehta
    First published: