તાજેતરમાં ઇન્ડોનેશિયાના જાકાર્તા ખાતે રમાયેલ ૧૮મી એશિયન ગેમ્સમાં ૪ બાય ૪૦૦ મીટર રીલે દોડમાં ઇન ફોર પ્લેયરમાં ગુજરાતના ડાંગ જિલ્લાની વનબંધુ દિકરી સરિતા ગાયકવાડે ભારતને સુવર્ણચંદ્રક અપાવીને ગુજરત અને દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડન મેડલ વિજેતા ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડનું ખેડા જિલ્લા પ્રશાસન દ્ધારા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ નડિયાદ ખાતે બહુમાન કરવામાં આવ્યું હતું. વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઇ, સાંસદ દેવુંસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ દિપીકાબેન પટેલ, ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડનું બુકે આપી બહુમાન કર્યું હતું.
જિલ્લા પ્રશાસન દ્ધારા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ, નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજાએ બુકે અને મોમેન્ટો આપી સરિતાનું બહુમાન કર્યું હતું. ગુજરાત વિધાનસભાના દંડક પંકજ દેસાઇએ કુ.સરિતા ગાયકવાડને પોતાના પગારમાંથી રૂા.એક લાખનો ચેક અર્પણ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કુ.સરિતા ગાયકવાડે આજથી બે વર્ષ અગાઉ નડિયાદ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે કોચ અજીમાન કે. એસ. તથા મનસુખ તાવલીયાના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી હતી.
નડિયાદ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના બગીચામાં ખીલેલ ફુલની સુવાસ આજે ગુજરાત રાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વમાં ફેલાઇ છે.
વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઇએ કુ.સરિતા ગાયકવાડની સિધ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે, રમતવીર મનમાં નક્કી કરે તે સિધ્ધિ પ્રાપ્ત કરીને જ રહે છે. તેમણે નડિયાદ નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ તરીકે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ માટે જમીનની ફાળવણી કરી હતી તેમ જણાવતા ઉમેર્યું હતું કે, આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાંથી અદ્યતન તાલીમ મેળવી વિવિધ રમતોમાં ખેલાડીઓ રાજય અને રાષ્ટ્ર કક્ષાએ પોતાનું નામ રોશન કર્યું છે.
સાંસદ દેવુંસિંહ ચૌહાણે સમગ્ર ખેડા જિલ્લાના નાગરિકો વતી સરિતા ગાયકવાડને અભિનંદન પાઠવી જણાવ્યું કે, ગુજરાતના અન્ય રમતવીરો માટે સરિતા ગાયકવાડ પ્રેરણારૂપ બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર દ્ધારા એશિયન ગેમ્સમાં રિલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધારનાર સરિતા ગાયકવાડને ખેલ પ્રતિભા પુરસ્કાર અંતર્ગત રૂા.એક કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.
સરિતા ગાયકવાડની સિધ્ધિને બિરદાવી રાજય સરકારે સરિતા ગાયકવાડને રાજયના પોષણ અભિયાન માટે એમ્બેસેડર જાહેર કરવામાં આવી છે.
સન્માનનો પ્રત્યુત્તર આપતા સરિતા ગાયકવાડે જણાવ્યું કે, મે મૂળ ખો-ખો ના પ્લેયર તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને ખેલ મહાકુંભમાં દોડની રમતમાં વ્યક્તિગત રીતે ભાગ લઇ નસીબ અજમાવ્યું હતું. તેણીએ આ તમામ સફળતાનો યશ રાજય સરકારના ખેલ મહાકુંભને આપ્યો હતો.