Home /News /madhya-gujarat /

આણંદ BMW વિવાદ: કન્યાને લીધા વગર જ પરત ફરનારા વરરાજાનો આક્ષેપ, 'અમારા વડીલોને માર માર્યો હતો'

આણંદ BMW વિવાદ: કન્યાને લીધા વગર જ પરત ફરનારા વરરાજાનો આક્ષેપ, 'અમારા વડીલોને માર માર્યો હતો'

આ વાત આખા રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

Gujarat Viral news: પરંતુ તે લોકોએ કહ્યુ કે, અહીંથી જતા રહો નહીં તો બધાના માથા ફાટી જશે. તમારી અમને કાંઇ જરૂર નથી. અમે છોકરીનું બીજે લગ્ન કરાવી દઇશું.

    આણંદ: નાપાડ વાંટામાં થયેલા લગ્ન (Anand marriage) હાલ આખા રાજ્યમાં ઘણાં જ ચર્ચાસ્પદ છે. જેમાં ધામધૂમથી લગ્ન કરવા આવેલા વરરાજા વિદાય સમયે તેમની બીએમડબલ્યૂ કાર મંડપ સુધી ન આવતા ગુસ્સે થયા હતા. જે બાદ લગ્ન બાદ વિદાય સમયે જ કન્યાને લીધા વગર જતા રહ્યા હતા. આ વાત આખા રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. પરંતુ હવે વરરાજા ધ્રુવેશ પઠિયારે આ અંગે અલગ જ આક્ષેપ કર્યો છે.

    બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો

    આણંદના નાપાડ વાંટા ગામે બે દિવસ પહેલા યોજાયેલા લગ્ન ચર્ચાનો વિષય બન્યું છે. મળતી માહિતી પ્રમાણે, બીએમડબલ્યૂ કાર લઇને લગ્ન કરવા આવેલા વરરાજાએ તમામ વિધિ પૂર્ણ થયા બાદ કન્યા વિદાય સમયે મંડપ સુધી કાર આવે તેવો આગ્રહ કર્યો હતો. વિદાય સમયે મંડપે જવાનો રસ્તો સાંકડો કે ઉબળખાબળ હોવાથી વરરાજાની કાર પહોંચી શકે તેમ ન હતી. જેને કારણે સ્થાનિકો અને વરપક્ષ વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ વરરાજા નવવધૂને લીધા વિના જ જાન લઈ પરત ફર્યો હતો. ત્યારે આ અંગે વરરાજાએ જ અલગ જ આક્ષેપ કર્યો છે.

    વરરાજાએ કર્યા આક્ષેપ

    આ અંગે વરરાજાએ આક્ષેપ કરતા કહ્યુ છે કે, અમે લગ્ન કરવા માટે નાપાડ વાંટા ગયા હતા. પરંતુ ત્યાં એ લોકોએ અમે આવ્યા ત્યારથી અમને બધી રીતે હેરાન કર્યા હતા. અમને એ લોકોએ ડીજે વગાડવા દીધું ન હતુ કે અમને દારૂખાનું ફોડવા પણ ન દીધુ. લગ્ન પત્યાં પછી અમારી સાથે આવેલા લોકો જતા રહ્યાં અમે ખાલી ઘર ઘરનાં જ લોકો ત્યાં હતા. ત્યારે એ લોકોએ અમારા વડીલો સાથે મારામારી કરી હતી. તે બાદ અમે ત્યાંથી નીકળતા હતા ત્યારે મારી બહેને કહ્યું કે, છોકરી અમને આપી દો એટલે અમે જઇએ. પરંતુ તે લોકોએ કહ્યુ કે, અહીંથી જતા રહો નહીં તો બધાના માથા ફાટી જશે. તમારી અમને કાંઇ જરૂર નથી. અમે છોકરીનું બીજે લગ્ન કરાવી દઇશું.

    'અમને છોકરીવાળા બદનામ કરે છે'

    બીએમડબલ્યૂ કારના વિવાદ અંગે વરરાજાએ કહ્યુ કે, અમે આવ્યા ત્યારે પણ ગાડી બહાર જ મૂકી હતી. કારણ કે, ત્યાંનો રસ્તો જ એવો હતો કે ત્યાં ગાડી ન આવી શકે. એટલે હું આવ્યો ત્યારે પણ મારા મિત્રની બાઇક પર જ આવ્યો હતો. તેના વીડિયો પુરાવા પણ મારી પાસે છે. ત્યાંથી છૂટું થતા અમે સીધા રૂરલ પોલીસ સ્ટેશન જઇને જ ફરિયાદ નોંધાવી હતી. અમને ન્યાય તો મળવો જ જોઇએ. અત્યારે છોકરીઓ માટે કાયદા એવા છે કે, જેનાથી છોકરાઓને જ ભોગવું પડે છે. છોકરાઓ સામે તો કોઇ જોતું જ નથી. આ લોકો સોશિયલ મીડિયા પર ખોટી વાતો કરીને મારી અને મારા પરિવારની બદનામી કરી રહ્યા છે.

    યુવતીના ભાઇએ કર્યો આ આક્ષેપ

    જોકે, આ સામે યુવતીના ભાઇએ જણાવ્યુ છે કે, એ લોકોની બીએમડબલ્યૂ કાર માટે રસ્તો ન મળતા તે લોકોએ બધા સાથે માથાકૂટ કરી હતી. તેના કારણે જ તેઓ પાછા જતા રહ્યા હતા. માત્ર એટલો જ વિવાદ છે. અમે તેમના પરિવાર સાથે કોઇ મારામારી નથી કરી તે લોકો ખોટા આક્ષેપો કરીને અમને બદનામ કરી રહ્યા છે.

    આ અંગે આણંદ રૂરલ પોલીસ, બી. ડી. જાડેજાના જણાવ્યા પ્રમાણે, બે દિવસ પહેલા લગ્નમાં ગાડી લઇ જવા બબાતે છોકરા અને છોકરી પક્ષ વચ્ચે માથાકૂટ થયેલી. જે બાદ છોકરા પક્ષવાળા ચાલ્યા ગયા હતા. તે અનુસંધાનમાં છોકરા પક્ષે એક અરજી આપી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: આણંદ, ખેડા, લગ્ન

    આગામી સમાચાર