જનક જાગીરદાર ખેડા : ખેડા જિલ્લાના કઠલાલ કપડવંજ રોડ પર ગોઝારા બનેલા અકસ્માતમાં 5ને કાળ ભરખી જવાની ઘટનાની સાહી હજી સુકાઇ પણ નથી ને ત્યાં આજે નડિયાદના ડભાણ પાસેના અમદાવાદ-મુંબઈ (Accident on Ahmedabad Mumbai Highway Dabhan Nadiad) હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે. આ વિચિત્ર બનેલ અકસ્માતમાં બે નિર્દોષ વ્યક્તિઓએ (Two died in an Accident Near Nadiad) જીવ ગુમાવ્યા છે. જેમાં એક યુવકનું તો ના કોઈ પરિચય કે ન કોઈ સ્વાર્થ ફક્ત માનવતા દાખવી મદદે આવતાં અકસ્માતમાં મોત મળ્યું છે. આઈ 10 કાર (નં. GJ 01 KP 3960) લઈને નીકળેલ અમદાવાદના પરિવારની કારને અમદાવાદ-મુંબઈ હાઈવે પર નડિયાદના ડભાણ પાસે સોમવારે 11:30 વાગ્યાની આસપાસ કારનું પાછળનું ટાયર ફાટવાની ઘટના બની હતી. આથી કાર ચાલકે રોડની સાઈડમાં કાર અટકાવી હતી. આ દરમિયાન કાર ચાલક અને કારમાં સવાર અન્ય એક વ્યક્તિ ટાયર પંક્ચર કરાવવા ગયા હતા.
જ્યારે કારમાં સવાર બે લોકો ગાડી બહાર ઊભા હતા આ સમયે અહીંયાથી પસાર થતાં એક બાઈક ચાલક ઊભેલી કાર નજીક મદદે આવ્યો હતો. માનવતા દાખવી ઉપરોક્ત યુવકે મદદ કરવાના ઈરાદે ઊભો હતો અને ઉપરોક્ત કારમાં સવાર મહિલા અને યુવતી બન્ને પણ રોડની સાઈડમાં ઊભા હતા.
પકી અપ ડાલું કાળ બનીને ત્રાટકી
આ દરમિયાન પાછળથી પુરપાટે આવતી પીકઅપ ડાલુ (નં. GJ 31 T 2316)એ ઉપરોક્ત ત્રણેય લોકોને અડફેટે લીધા હતા. અડફેટે લીધા બાદ કચડી નાખતાં ત્રણ પૈકી મદદે આવેલ યુવકનું અને એક યુવતીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. જ્યારે એક મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને સ્થાનિકોએ એમ્બ્યુલન્સ મારફતે તુરંત સારવાર અર્થે ખસેડ્યા છે. આ બનાવ સંદર્ભે સ્થાનિકોએ નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી દીધી છે.
પરિવાર પીપળાવ આશાપુરા મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા
પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ આ પરિવાર પીપળાવ આશાપુરા મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા અને તે વેળાએ જ અકસ્માત સર્જાયો છે. તો ઘટના બાદ ટક્કર મારનાર પીકઅપ ડાલુ વાહન મૂકી ફરાર થઈ ગયો છે.
બન્નેના મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં હતા
આ ગમખ્વાર અકસ્માતમાં બન્નેના ઘટના સ્થળે મૃતદેહો લોહીથી લથપથ હાલતમાં હતા. કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો જોવા મળતાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. અમદાવાદના દ્વિવેદી પરિવાર પર આફતોના આભ તૂટી પડતાં પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે. ક્રીના બેન પોતે જ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા
પોલીસસૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ક્રીનાબેન પોતે ડ્રાઈવીંગ કરતા હતા અને ટાયર ફાટતાં પંક્ચર કરાવવા જય દ્વિવેદી ગયા હતા.