ખેડા: ગોઝારા અકસ્માતમાં કાળ ચાર મિત્રોને ભરખી ગયો, રણુજાથી દર્શન કરી પરત ફરતાં નડ્યો અકસ્માત

અકસ્માતમાં કારના ફૂરચા નીકળી ગયા હતા.

Kheda news: કપડવંજના મોડાસા રોડ પર કાવઠ પાસે આઈસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં કારમાં સવાર ચાર મિત્રોનાં ઘટના સ્થળે જ મોત થયા.

 • Share this:
  જનક જાગીરદાર, ખેડા: ખેડા જિલ્લા (Kheda district)ના કપડવંજ મોડાસા રોડ (Kapadvanj-Modasa Road) પર આજે (1 ઓક્ટોબર, 2021) વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત (Road accident) સર્જાયો છે. જેમાં ચાર મિત્રોને કાળ ભરખી ગયો છે. આઈસર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં રણુજાથી દર્શન કરી પરત ફરતા હોમગાર્ડ મિત્રોને અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં ચારેય મિત્રોનાં મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડાયો છે. આ બનાવ સંદર્ભે કપડવંજ ગ્રામ્ય પોલીસે (Kapadvanj Rural police) ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

  કપડવંજ ગ્રામ્ય પોલીસની હદમાં આવતાં કપડવંજ-મોડાસા રોડ (Kapadvanj-Modasa Road) પર કાવઠ પાસે શુક્રવારની વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીંયાથી પસાર થતી કેળા ભરેલી આઈસર ટ્રક (નં. RJ06GB 1433) અને કાર (નં. GJ07DA 8318) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહન સામસામી ધડાકાભેર અથડાતા કારનો લોચો વળી ગયો હતો. અકસ્માત બાદ આઈસર ટ્રક ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.

  કારમાં સવાર પાંચ હોમગાર્ડ મિત્રો પૈકી ચારને શરીરે ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. જ્યારે દિલીપભાઈ અભયસિંહ સોલંકી (ઉ. વ. 29) નામના વ્યક્તિને તુરંત સારવાર અર્થે ખસેડાયો છે. સ્થાનિકોનાં મતે ઉપરોક્ત બંને વાહનો ખૂબ સ્પીડમાં હતા અને ઓવરટેકની સ્પીડમાં અકસ્માત સર્જાયો હતો.  પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓ કપડવંજ હોમગાર્ડ યુનિટમાં સર્વિસ કરે છે. જેમાં બે વ્યક્તિઓ મોટા રામપુરા અને એક ગરોડ અને એક વાઘાવતનો રહેવાસી છે. ઇજાગ્રસ્ત સાથે આ તમામ મિત્રો હોવાથી તમામ લોકો રણુજા દર્શને ગયા હતા. જ્યાંથી પરત ફરતાં કપડવંજ પંથક પાસે જ અકસ્માત નડ્યો છે. મૃતક લોકોને કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. અહીં પીએમ કરી તેમના પરિવારને મૃતદેહ સોંપાવામાં આવ્યાં હતાં. કપડવંજ ગ્રામ્ય પોલીસના પીઆઈ જે. કે. રાણાના જણાવ્યા પ્રમાણે પોલીસ આ બનાવમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ કરી રહી છે.

  મૃતકોનાં નામ:

  -રમેશભાઈ મોતીભાઈ ઝાલા (ઉં. વ. 55)
  -મહેશભાઈ રયજીભાઈ ઝાલા (ઉં.વ. 48)
  -નરેન્દ્રભાઈ નાનાભાઈ રાઠોડ (ઉં. વ. 35)
  -શૈલેષ કેદરસિંહ રાઠોડ (ઉં. વ. 33)
  Published by:Vinod Zankhaliya
  First published: