ન્યૂઝ18 ગુજરાતી : ગુરુવારે દાહોદ જિલ્લાના એક અપરિણીત યુવક અને પરિણીત યુવતીને માર મારવાનો વીડિયો સામે આવ્યો હતો. આ મામલે પોલીસે પીડિત યુવકની ફરિયાદના આધારે સાત યુવકો સામે ગુનો દાખલ કર્યો છે. પ્રેમ સંબંધ બાદ અપરિણીત પ્રેમી સાથે ભાગેલી યુવતી ફતેપુરા તાલુકાના એક ગામની હોવાનું તેમજ બે સંતાનોની માતા હોવાનું માલુમ પડ્યું છે. જ્યારે યુવક ઝાદોલ તાલુકાનો હોવાનું સામે આવ્યું છે. એવી પણ વિગતો સાંપડી છે કે યુવકે પરિણીત પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે તેની સગાઈ તોડી નાખી હતી.
શું બન્યું હતું?
યુવક અને યુવતીએ ભાગીને લગ્ન કરવાનો પ્લાન ચોથી જૂનના રોજ બનાવ્યો હતો. જે મુજબ યુવતી નડિયાદ પોતાની સાસુ અને નણંદ પાસે આવી હતી. ચોથી જૂનના રોજ રાત્રે યુવતી નડિયાથી કઠલાલ ચોકડી પહોંચી હતી અને યુવક પણ ત્યાં આવ્યો હતો. નડિયાદથી બંને ભાગીને બે દિવસ સુધી બાલાસીનોર રોકાયા હતા. બાદમાં ત્યાંથી બંને ઈડરના મેસણ ગામે પહોંચ્યા હતા. મેસણ ગામે યુવકનો કાકાનો પરિવાર રહે છે. યુવક અને યુવતી અહીં જ એક ખેતરમાં મજૂરી કામ કરવા લાગ્યા હતા.
કાકાના છોકરાએ જાણ કરી દેતા પકડાયા
યુવક અને યુવતી કોઈને કહ્યા વગર 17 દિવસ સુધી મેસણ ગામે જ રોકાયા હતા અને ખેતમજૂરીનું કામ કરતા હતા. આ દરમિયાન યુવકના કાકાના છોકારાએ યુવતીના પરિવારને ફોન કરીને જાણ કરી દીધી હતી. જે બાદમાં યુવતીનો પતિ અને તેનો ભાઈ મેસણ ગામે પહોચ્યાં હતાં.
કંઈ નહીં કરીએ કહીને માર્યો ઢોર માર
25મી તારીખે યુવતીનો પતિ સમાધાન કરવાનું કહીને પત્નીને તેની સાથે લઈ ગયો હતો. જે બાદમાં યુવતીને તેના માતાપિતાના ઘરે મોકલી દેવામાં આવી હતી. બીજા દિવસે યુવતીના પતિએ વહેલી સવારે ઇડરથી યુવકને ઉઠાવી લીધો હતો અને તેને સુખસર ગામ ખાતે લાવવામાં આવ્યો હતો. યુવતીને પણ તેના માતાપિતાના ઘરેથી અહીં લાવવામાં આવી હતી. બાદમાં ગામલોકો એકઠા થયા હતા અને બંનેને ઢોર માર મારવામાં આવ્યો હતો. યુવકને નગ્ન કરીને માર મરાયો હતો. એટલું જ નહીં યુવતીને તેના ખભે બેસાડીને ગામમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. એક દિવસ સુધી બંનેને ગામમાં જ ગોંધી રાખવામાં આવ્યા હતા.
વર્ષ પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો
મળતી માહિતી પ્રમાણે એક વર્ષ પહેલા યુવક અને યુવતીની મુલાકાત એક લગ્ન પ્રસંગે થઈ હતી. બાદમાં બંને વચ્ચે ફોનમાં વાતચીત શરૂ થઈ હતી. બંને પ્રેમમાં એટલા ગળાડૂબ થયા હતા કે યુવતીને બે સંતાનો હોવાનું જાણવા છતાં યુવક તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર