ચૂંટણી કમિશન અનુસાર, ઝાલોદ બેઠક પર કુલ 261,591 મતદારો નોંધાયા છે. જેમાં 131845 પુરુષ મતદાર, 129739 મહિલા મતદાર અને અન્ય 7 મતદારોનો સમાવેશ થાય છે.
ઝાલોદ બેઠક પર અનુસુચિત જનજાતિનો પ્રભુત્વ
ઝાલોદ પ્રદેશ મહત્તમ અનુસુચિત જનજાતિની વસ્તી ધરાવે છે, અહીં ભાજપના અનેક પ્રયાસો છતાં આજ સુધી માત્ર 2002માં એક જ વાર ભાજપ આ બેઠક જીતી શક્યું છે, જયારે કટારા ભુરાભાઇ કોંગ્રેસના મજબૂત નેતા મછાર દીતાભાઈને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવાર કટારા ભાવેશભાઈ ભાજપ ના ભુરીયા મહેશભાને આશરે 25000 મતથી હરાવીને ઝાલોદના ધારાસભ્ય બન્યા હતા.
દાહોદ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા સમાવિષ્ટ છે, જે પૈકી સંતરામપુર, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢબારીયાનો સમાવેશ થાય છે. દાહોદ લોકસભામાં સમાવિષ્ટ આ વિધાનસભા બેઠક પૈકી માત્ર દેવગઢબારીયા બેઠકને બાદ કરતાં તમામ બેઠકો એસ.ટી.ઉમેવાદર માટે અનામત છે.
દાહોદ,ગરબાડા,ઝાલોદ વિધાનસભા પર કોંગ્રેસનો પંજો 32 વર્ષથી યથાવત છે. ઝાલોદ નગરપાલિકામાં ભાજપની એન્ટ્રી થવાના કારણે 2017માં ઝાલોદમાં કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સમસ્યા ઉભી થઇ હતી, પરંતુ તે છતાં કોંગ્રેસના જ ઉમેદવાર ચૂંટાઈને અવવાથી કોંગ્રેસનું સાશન યથાવત રહ્યું હતું.
ઝાલોદ બેઠક પરના વિવાદ
ઝાલોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ હોવા છતાં અહીં કોંગ્રેસમાં સંકલનનો ભારે અભાવ જોવા મળ્યો હતો. 2017ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ઝાલોદમાં કોગ્રેસના ધારાસભ્યના તમામ દાવેદારોએ રનીંગ ધારાસભ્ય ડો. મિતેષ ગરાસિયાનો સામુહિક રીતે વિરોધ કર્યો હતો. કુલ 13 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવાની સાથે કોગ્રેસના ધારાસભ્યએ મતવિસ્તારમાં વિકાસ કાર્યો કર્યા નથી, તેમજ કાર્યકરો સાથે સંકલનમાં રહેતા ન હોવાનો આક્ષેપ કરતાં વિવાદ ઉભો થયો હતો.
કોગ્રેસ પાર્ટીમાંથી ઝાલોદ બેઠક પર દાવેદારી કરનારા તમામ લોકોએ સામુહિક રીતે ઝાલોદ તાલુકા કોગ્રેસ સમિતીના પ્રમુખ અમરસીંગભાઈને લેખીત રજુઆત કરીને ધારાસભ્ય ડો. મિતેષ ગરાસિયાને પુન: ટિકિટ ન ફાળવવાની લેખીત રજુઆત કરી હતી. જેના પગલે પછીથી ગરાસિયા મિતેશભાઈને ટિકિટ ન મળીને કટારા ભાવેશને ટિકિટ મળી હતી.
હિરેન પટેલની હત્યાનો ખુલાસો
ઝાલોદ પાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની હત્યામાં પૂછપરછમાં પૂર્વ સાંસદ બાબુ કટારા અને ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાના ઈશારે હિરેન પટેલની હત્યા કરાઇ હોવાનું બહાર આવતા દાહોદ એલસીબી દ્વારા અમિત કટારાની ધરપકડ કરતા રાજકારણ ગરમાયુ હતું.
જેમાં બાબુભાઇ કટારા, ધારાસભ્ય ભાવેશ કટારા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશ ડાંગી દ્વારા કોંગી કાર્યકર્તાઓ સાથે નગરમાં રેલી કાઢીને આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, હિરેન પટેલ હત્યા કેસમાં સાચી દિશામાં તપાસ કરવાની જગ્યાએ પંચાયતની ચૂંટણી આવતી હોવાથી રાજકીય કિન્નાખોરી રાખીને કોંગ્રેસને બદનામ કરવામાં માટે આ થયું હૉવાની વાત કરી હતી.
વિધાનસભામાં ભીલીસ્તાનની માંગણી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવતા વર્ષથી ચાલી આવતી અલગ ભીલીસ્તાનની માંગણીએ પણ અવાજ ઉઠાવ્યો છે. આ માંગણી મુખ્યત્વે બીટીપી એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. જેના ગુજરાતમાં બે વિધાનસભા ધારાસભ્ય છે. ડેડીયાપાડા બેઠકના મહેશ વસાવા અને ઝગડીયા બેઠક ના દબંગ નેતા છોટુભાઈ વસાવા, જેમણે હાલ આપ સાથે હાથ મિલાવી લીધો છે.
ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે આપનું ગઠબંધન, કોંગ્રેસ-બીજેપીના નેતાઓના આંટા-ફેરા
આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ગઠબંધન થયા બાદ પરિવર્તન યાત્રા 2જી જૂને ઝાલોદમાં આવી પહોંચી હતી. જેમાં આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા સાથે બીટીપી ગુજરાત પ્રમુખ રમેશ વસાવા અને ઝાલોદ આપ પ્રમુખ અનિલ ગરાસિયા તેમજ દાહોદના આપ અને બીટીપીના અગ્રણી નેતા જોડાયા હતા. આપની રણનીતિ મુજબ આદિવાસી બેઠકો જે ને તે ગુજરાત વિધાનસભામાં પ્રવેશવા ટાર્ગેટ કરી રહ્યું છે.
એ જ રીતે કોંગ્રેસે પણ મિશન 2022 ની શરૂઆત દાહોદમાં આદિવાસી સંમેલનથી કરી હતી. મે 2022માં રાહુલ ગાંધીએ દાહોદમાં ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલી યોજી હતી, જેમાં આદિવાસીઓના અનેક સળગતા મુદ્દાઓ, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. આ અગાઉ 21 એપ્રિલના રોજ મધ્ય ગુજરાતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાહોદ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ મધ્ય ગુજરાતનો કાર્યક્રમ એ આદિવાસી સમાજને ધ્યાનમાં રાખી યોજવામાં આવ્યો હતો.
આ જોતા દાહોદની 6 આદિવાસી બેઠકો ત્રણે પક્ષ માટે ખુબ મહત્વની જણાય છે. જેમાં ઝાલોદ બેઠક મહત્વની છે.
ભાજપ લગાવી રહી છે એડિચૌટીનું જોર
હમણાં જ ભાજપ ઝાલોદ નગરની કારોબારી અને ઝોન બેઠક જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયાર તેમજ મહામંત્રી નરેન્દ્રભાઇ સોની અને અન્ય પ્રભારીઓ સાથે યોજાઈ હતી. ઝાલોદ વિધાનસભાના દેપાડાબુથના પ્રમુખ અને સભ્યો સાથે મળીને ઝાલોદ ભાજપના પ્રભારી દેવેન્દ્રસિંહ પરમારે આવનારી વિધાનસભા ચૂંટણીઓ માટે માર્ગદર્શન આપ્યું હતું. અહીં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
ઝાલોદમાં તાલુકાના સરહદી વિસ્તારો જેમ કે ગરાડું ગામમાં પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતો હોવાની બૂમો સંભળાય છે. ત્યારે ઝાલોદ તાલુકાની પાંચ જિલ્લા પંચાયત સીટમાં નલ સે જળ યોજના હેઠળ ખાતમુહુર્ત કાર્યક્રમ ચણાસર ખાતે યોજવામાં આવ્યો હતો. નલ સે જલ યોજનાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ જસવંતસિંહ ભાભોર, પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા હાજર રહ્યા હતા.
વળી દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપે અભૂતપૂર્વ વિજયી દેખાવ કર્યો હતો, તેથી હવે આવનારી વિધાનસભા ચૂંટણી માટે પણ ભાજપે કમર કસી લીધી છે.