Home /News /madhya-gujarat /Gujarat election 2022: રાજ્યમાં જ્યાં પડે છે સૂર્યનું પહેલું કિરણ, તે ગરબાડા બેઠક પર કોની સત્તાનો થશે ઉદય?
Gujarat election 2022: રાજ્યમાં જ્યાં પડે છે સૂર્યનું પહેલું કિરણ, તે ગરબાડા બેઠક પર કોની સત્તાનો થશે ઉદય?
Gujarat Election 2022, Garbada constituency : 2 દાયકાથી વધુ સમયથી ગરબાડાને તાલુકાનો દરજ્જો મળ્યો છે. આ બેઠક પર છેલ્લા 10 વર્ષ કોંગ્રેસનું એક હથ્થું શાસન છે. ગરબાડા બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ વધારે છે. વર્ષ 2012માં વિભાજન થતા ગરબાડાને વિધાનસભા બેઠકનો દરજ્જો મળ્યો હતો.
Gujarat Election 2022, Garbada constituency : 2 દાયકાથી વધુ સમયથી ગરબાડાને તાલુકાનો દરજ્જો મળ્યો છે. આ બેઠક પર છેલ્લા 10 વર્ષ કોંગ્રેસનું એક હથ્થું શાસન છે. ગરબાડા બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ વધારે છે. વર્ષ 2012માં વિભાજન થતા ગરબાડાને વિધાનસભા બેઠકનો દરજ્જો મળ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેના પ્રચારના પડઘમ ચારેતરફ ગાજી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આવેલી તમામ 182 વિધાનસભા બેઠકના મતદાર સમીકરણો અને ચૂંટણીને અસર કરનારા તમામ ફેક્ટર્સ વિશે અગાઉથી જાણકારી હોવી ખૂબ જરૂરી છે. તેથી આજે અમે તમને આ લેખમાં દાહોદ જિલ્લાની ગરબાડા વિધાનસભા બેઠક (Garbada assembly constituency) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. ત્રણ રાજ્યની ત્રિભેટે આવેલા આદિવાસી બાહુલ્ય ધરાવતો દાહોદ જિલ્લો ગુજરાતનું પૂર્વ પ્રવેશ દ્વાર છે. માળવા અને ગુજરાતની વચ્ચે આવેલો પ્રદેશ હોવાના કારણે "દોહદ" અને ત્યારબાદ દાહોદ નામ પડ્યું છે. જેમાં ગરબાડા વિધાનસભા સીટનો સમાવેશ પણ થાય છે.
ગરબાડા વિધાનસભા ચૂંટણીનો ટૂંકો ઇતિહાસ
ગરબાડા વિધાનસભા ચૂંટણીઓ પર નજર કરવામાં આવે તો અત્યાર સુધી આ બેઠક પર બે ચૂંટણીઓ યોજાઇ છે. જેમાં વર્ષ 2012 અને વર્ષ 2017માં ચૂંટણી જંગ જામ્યો હતો. ગુજરાત રાજ્યની 2017 માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ગરબાડા વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 50.75 નોંધાઈ હતી. 2017માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબેન બારીયા એ ભાજપના મહેન્દ્રભાઇ ભાભોર ને 50.75 વોટના માર્જીનથી હરાવ્યા હતા.
બીજી તરફ જો વર્ષ 2012ની ચૂંટણી અંગે વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર બારિયા ચંદ્રિકાબેને 35774 મતોના જંગી માર્જીન સાથે ભાજપના ઉમેદવાર મોહિન્દ્રાબેન રાઠોડને હરાવ્યા હતા. ગરબાડા વિધાનસભા મત વિસ્તાર દાહોદ લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે. લોકસભાની 2019માં થયેલ ચૂંટણીના ઉમેદવાર જશવંત સિંહ ભાભોર ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર બાબુ કટારાને હરાવી દાહોદ લોકસભા (સાંસદ) સીટ 127596થી જીત્યા હતા.
ગરબાડા વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી
ગરબાડાએ ગુજરાતના દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાનું નગર અને મુખ્ય મથક છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે ગરબાડા ગુજરાતના પૂર્વ છેડે આવેલું છે અને એટલે જ રાજ્યમાં અહીં સૌથી પહેલો સૂર્યોદય થાય છે. રાજ્યનું પહેલું સૂર્યકિરણ ગરબાડા તાલુકાના બાબદેવના મંદિરે પડે છે. અને આ જ ગરબાડાની વિશિષ્ટ ઓળખ છે.
આ ઉપરાંત અહીં જોવા લાયક સ્થળોમાં પાટાડુંગરી ડેમ મહત્વનું ફરવાલાયક સ્થાન ધરાવે છે. ગરબાડા તાલુકાના જેસાવાડાનું બાવકાનું શિવ મંદિર સ્થાપત્યની દ્રષ્ટિએ અલગ જ મહત્વ ધરાવે છે. આ મંદિરની ચારેતરફ કામસૂત્રની કોતરણી જોવા મળે છે. જોકે, વિકાસના અભાવે હાલમાં આ મંદિર જર્જરિત હાલતમાં છે. નવા વર્ષ નિમિત્તે અહીં યોજાતી ગાય ગોહરી પ્રથા ગરબાડાની આગવી ઓળખ છે. જ્યારે જેસવાડામાં યોજાતો ગોયા ગધેડાનો મેળો પણ ખૂબ માણવા અહીં આખો તાલુકો ઉમટી પડે છે. આ વિસ્તારમાં મુખ્ય પ્રજા આદિવાસી હોવાના કારણે અહીં જૂની પરંપરાઓ આજે પણ લોકો દ્વારા ધામધૂમથી નિભાવવામાં આવે છે.
2012માં બની વિધાનસભા બેઠક
2 દાયકાથી વધુ સમયથી ગરબાડાને તાલુકાનો દરજ્જો મળ્યો છે. આ બેઠક પર છેલ્લા 10 વર્ષ કોંગ્રેસનું એક હથ્થું શાસન છે. ગરબાડા બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ વધારે છે. વર્ષ 2012માં વિભાજન થતા ગરબાડાને વિધાનસભા બેઠકનો દરજ્જો મળ્યો હતો. હાલમાં અહીં કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા છેલ્લી 3 ટર્મથી વિજેતા બની રહ્યા છે.
ગરબાડા બેઠકના મતોનું ગણિત
આ વિધાનસભા બેઠક પર અંદાજે કુલ 2,90,000 મતદારો છે. તેના મતવિસ્તારમાં 3 તાલુકાઓનો સમાવેશ થાય છે. જેમાં દાહોદ, ગરબાડા અને ધાનપુરનો સમાવેશ થાય છે. મતવિસ્તારમાં કુલ 105 ગામો આવેલા છે. જેમાં 90 ટકા આદિવાસી સમાજની વસતી છે. એટલે કે અહીં આદિવાસી સમાજ મહત્વનું ફેક્ટર છે.
ત્રણેય તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની સીટો પર નજર કરીએ તો દાહોદ તાલુકાની જીલ્લા પંચાયતની 4, તાલુકા પંચાયતની 18 ગરબાડા તાલુકાની જીલ્લા પંચાયતની 5, તાલુકા પંચાયતની 24 બેઠકો આવેલી છે. જ્યારે ધાનપુર તાલુકાની જીલ્લા પંચાયતની 2, તાલુકા પંચાયતની 10 બેઠકોનો સમાવેશ થાય છે.
ગરબાડા તાલુકા પંચાયત પર ભાજપનું શાસન છે. આ બેઠક પર યોજાયેલી છેલ્લી ચૂંટણીઓ પર નજર કરીએ તો 2007, 2012 તથા 2017માં કોંગ્રેસના ચંદ્રિકાબેન બારિયા સતત વિજયી બની રહ્યા છે. આમ છેલ્લી 3 ટર્મથી કોંગ્રેસનો ગઢ બની રહેલી આ બેઠક ભાજપ માટે કપરું ચઢાણ બની રહી છે.
ગરબાડા બેઠક પર પ્રજાના અનેક પ્રશ્નો
ગરબાડા બેઠક પર અનેક સમસ્યાઓને લઇને પ્રજામાં ભારોભાર રોષ ભભૂકી રહ્યો છે. પીવાના પાણીની સમસ્યા, રોડ રસ્તા અને સફાઇ કામને લઇને લોકોમાં અસંતોષની લાગણી છે. આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓમાં ખેડૂતોને સિંચાઇનું પાણી ન મળતા અનેક હાલાકીઓ પડી રહી છે. આ બેઠક પર મુખ્યત્વે ખેતી આધારિત પ્રજાનો સમાવેશ થાય છે. એટલું જ નહીં યુવાઓ માટે રોજગારીનો પ્રશ્ન પણ છે.
સ્થાનિક કક્ષાએ કોઇ મોટી ઇન્ડસ્ટ્રી ન હોવાના કારણે નોકરી અને રોજીરોટી માટે તેમને અન્ય વિસ્તારમાં જવું પડે છે. અહીં માઇગ્રેશનનું પ્રમાણ વધુ છે. આ સિવાય જાહેર શૌચાલય, પીવાના પાણીની સમસ્યાઓ પણ વિકટ બની રહી છે. સ્થાનિક લોકો મોંઘા ભાવના ટેન્કરો મંગાવીને તરસ છૂપાવવા માટે મજબૂર છે. તો જાહેર માર્ગોની સ્થિતિ પણ અતિ બિસ્માર છે. સૌથી પાયાની જરૂરિયાત અને ભવિષ્યની ચાવી એવી શિક્ષણ વ્યવસ્થા પણ કથળી ચૂકી છે. વિધાનસભામાં શિક્ષાનું સ્તર માત્ર 30 ટકા જ છે. નવું બસ પિકઅપ સ્ટેશન બનાવેલું છે પરંતુ બસો આવતી જ નથી.
તો કરોડોના ખર્ચે બનાવેલી ભૂગર્ભ ગટર યોજના પણ શોભાના ગાઠીયા સમાન છે. આ વિસ્તારમાં એક પણ સરકારી દવાખાનું નથી. જેથી લોકોને મામૂલી સારવાર કે નિદાન માટે પણ દૂર દૂર જવું પડે છે. તો ગેરકાયદે દબાણોના કારણે પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
બે દાયકા કરતા વધુ સમયથી તાલુકાનો દરજ્જો મળ્યો છે છતા ગરબાડામાં વિકાસના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે. પ્રજાને સમસ્યાઓ પણ છે અને ચૂંટણી પણ આવી રહી છે. લોકો સવાલો પૂછે છે અને ધારાસભ્યા દોષનો ટોપલો સરકાર પર ઠાલવી રહ્યા છે. પોતાની સમસ્યાઓ અને પ્રશ્નો જોઇને પ્રજા મત આપે છે, ત્યારે હવે જોવાનું એ રહેશે ગરબાડા બેઠક પર આ વિધાનસભાચૂંટણીમાં કોને વિજય રથની સવારી કરાવશે. જોકે હાલની સ્થિતિને જોતા રાજકીય વિશ્લેષકો માની રહ્યા છેકે આ વર્ષ અહીંની ચૂંટણી રસાકસી ભરી રહેશે. ભાજપ માટે ક્યાંક આશાસ્પદ સંજોગો જોવા મળી રહ્યા છે.
-મોરવા હડફમાં યોજાયેલ પેટા ચૂંટણીની કોંગ્રેસની કારોબારી બેઠકમાં જાહેર મંચ પરથી ગરબાડાના કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતેલા ભાજપના ઉમેદવારોના ઘર પર પથ્થરમારો કરવાનું કહેતા રાજકારણ ગરમાયું હતું.
-ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાનકડા ગામ ટુંકીવાજુના આદિવાસી મતદારોના એક નિર્ણયે રાજકિય ભૂંકપ સર્જી દીધો હતો. આ ગામના વૉર્ડ નંબર છ અને સાતના મતદારોનાં નામ ઊલટસૂલટ થઈ ગયાં છે. મતદારોએ મતદારયાદી સુધારવાની માગ કરી હતી, સુધારો ન કરાતાં વૉર્ડના લોકો ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.