સાબિર ભાભોર, દાહોદ : ગુજરાતમાં 23મી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. હાલ રાજ્યમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ માટે નેતાઓ ચૂંટણી સભાઓને સંબોધી રહ્યા છે. ફતેપુરાના ભાજપના ધારાસભ્ય રમેશ કટારાએ તાજેતરમાં સંબોધેલી ચૂંટણી સભામાં વિવાદિત નિવેદન આપ્યું હતું.
આ અંગેનો રમેશ કટારાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, "ભાજપને ઓછા મત મળશે તો કામ નહીં મળે, કોંગ્રેસને અને ભાજપને કેટલા મત મળે છે તે જોવા માટે મોદી સાહેબે કેમેરા લગાડ્યા છે."
વાયરલ વીડિયોમાં રમેશ કટારાએ શું કહ્યું?
વાયરલ થયેલા વીડિયોમાં રમેશ કટારા હાજર લોકોને કહી રહ્યા છે કે, "આ વખતે ભાભોર (જસવંત ભાભોર- ભાજપના ઉમેદવાર) સાહેબનો ફોટો અને કમળનું નિશાન જોઈને નિશાન દબાવવાનું છે. આ વખતે મોદી સાહેબે કેમેરા મૂક્યા છે. કોણ ભાજપને મત આપે છે, કોણ કોંગ્રેસને મત આપે છે. પછી મોદી સાહેબ બેઠાં બેઠાં જોશે કે કોના બૂથમાં કેટલા મત નીકળ્યા. ઓછું કામ મળશે તો પછી કામ ઓછું મળશે."
આ મામલે ન્યૂઝ18 ગુજરાતીએ જ્યારે રમેશ કટારાના સંપર્ક કર્યો ત્યારે તેઓ પોતાના નિવેદન અંગે સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. રમેશ કટારાએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "ચૂંટણી સમયે કોંગ્રેસ વાળા બધાને ફસાવવા પર મોબાઇલ પર સેટિંગ કરતા હોય છે. ચૂંટણીમાં કેમેરા ન લગાડવાના હોય. લોકો જેમને મત આપવાના છે એમને આપશે જ. વાત યાદીની રહી તો કોને કેટલા મત મળ્યા તે યાદી બહાર પડતી હોય છે."
રમેશ કટારાએ પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, "અમુક સંવેદનશીલ બૂથો પર તોફાનો અને મારપીટ થતી હોય છે. આવા બૂથો પર મીડિયાવાળા કેમેરા સાથે હોય છે. કેમેરાવાળી વાતનો મારો કહેવાનો મતલબ આવો હતો."
આ મામલે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા કિરીટ પટેલે જણાવ્યું કે, "ધારાસભ્યએ જો આવું નિવેદન આપ્યું હોય તો આ સમગ્ર ઘટનાની તપાસ થવી જોઈએ. આ આચાર સંહિતાનો ભંગ છે. "
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર