સાબિર ભાભોર, દાહોદ : ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાએ જાહેર સભાને સંબોધતા ભાજપને મત નહીં આપો તો કામ નહીં મળે તેવી ધમકી આપી હતી. આ અંગેનો વીડિયો સોશિયમ મીડિયામાં વાયરલ થયો હતો. આ સંદર્ભે મંગળવારે દાહોદ ચૂંટણી અધિકારીએ ધારાસભ્યને નોટિસ પાઠવીને 24 કલાકમાં જવાબ રજૂ કરવાનું કહ્યું છે.
ચૂંટણી અધિકારીએ શું કહ્યું?
આ મામલે મીડિયાને સંબોધતા દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, "લોક પ્રતિનિધિ અધિનિયમ 1951ની કલમ 123 ખ સંદર્ભે ધારાસભ્યને નોટિસ આપી છે. 16મી એપ્રિલના રોજ આપેલી નોટિસનો જવાબ આપવા માટે ધારાસભ્યને 24 કલાકનો સમય આપ્યો છે. તા. 17મી એપ્રિલની સાંજ સુધીમાં ધારાસભ્યોએ પોતાનો જવાબ આપવો પડશે. જે બાદમાં આ જવાબ ભારતના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે. તે બાદમાં જે સૂચના મળશે તે પ્રમાણેની આગળની કાર્યવાહી કરવામાં આવશે."
મીડિયાના માધ્યમથી જિલ્લા ચૂંટણી અધિકારીએ ખુલાસો કરતા કહ્યું હતું કે, બૂથ પર જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવતા હોય છે તેનો ઉપયોગ ફક્ત વેબ કાસ્ટિંગ માટે થાય છે. ધારાસભ્યએ પોતાના ભાષણમાં જે પ્રકારનો દાવો કર્યો હતો તે વાહિયાત છે. અમે તેને રદિયો આપીએ છીએ."
વાયરલ વીડિયોમાં રમેશ કટારાએ શું કહ્યું?
વાયરલ થયેલા વીડિયોમાં રમેશ કટારા હાજર લોકોને કહી રહ્યા છે કે, "આ વખતે ભાભોર (જસવંત ભાભોર- ભાજપના ઉમેદવાર) સાહેબનો ફોટો અને કમળનું નિશાન જોઈને નિશાન દબાવવાનું છે. આ વખતે મોદી સાહેબે કેમેરા મૂક્યા છે. કોણ ભાજપને મત આપે છે, કોણ કોંગ્રેસને મત આપે છે. પછી મોદી સાહેબ બેઠાં બેઠાં જોશે કે કોના બૂથમાં કેટલા મત નીકળ્યા. ઓછું કામ મળશે તો પછી કામ ઓછું મળશે."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર