દાહોદ: ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવા જતા યુવક કપાયો, સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ

ખોટી ઉતાવળ ભારે પડી.

Dahod railway station CCTV: દાહોદ રેલવે સ્ટેશન પર એક મુસાફરને ખોટો ઉતાવળ ભારે પડી, ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવા જતાં બેલેન્સ ગુમાવ્યો અને ટ્રેન નીચે કપાયો.

 • Share this:
  દાહોદ: ખોટી ઉતાવળ ભારે પડી શકે છે. ઉતાવળમાં અકસ્માત (Accident) થયાના અનેક બનાવ સામે આવતા રહે છે. હવે દાહોદ રેલવે સ્ટેશન (Dahod railway station) પરનો એક મામલો સામે આવ્યો છે. જેમાં ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવાની ખોટી ઉતાવળ કરનાર યુવકે જીવ ગુમાવ્યો છે. ટ્રેનની ઝડપ વધારે હતી ત્યારે યુવકે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં તે સીધો જ પાટા પર પડી ગયો હતો અને ટ્રેન નીચે કપાયો હતો. આ આખો બનાવ દાહોદ રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી (CCTV footage) કેમેરામાં કેદ થઈ ગયો છે.

  આ અંગે મળતી માહિતી પ્રમાણે દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર- 2 પર અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવા જતા એક યુવક કપાયો હતો. હરિદ્વાર-બાંદ્રા ટ્રેન (Haridwar-Bandra train) પ્લેટફોર્મ નંબર-2 પર આવી હતી. ટ્રેન હજુ ઊભી રહી ન હતી ત્યારે તેમાં સવાર એક યુવકે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેનની ઝડપ વધારે હોવાથી યુવક ફંગોળાઈને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પડી ગયો હતો અને તેના શરીર પરથી ટ્રેન પસાર થઈ ગઈ હતી.  બનાવ બાદ રેલવે પોલીસ (Railway police) ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને મૃતક યુવકની ઓળખ કરવા સહિતની વિધિ શરૂ કરી હતી. સામે આવેલા દ્રશ્યોમાં જોવા મળ્યું હતું કે યુવકના શરીરના અનેક ટુકડા થઈ ગયા હતા. આખી ટ્રેન માથેથી પસાર થઈ ગઈ હોવાથી યુવકના શરીરના ટુકડા પાટા પર પથરાયા હતા. યુવકનો થેલો અને તેના ખિસ્સામાં રહેલું પર્સ સહિતનો સામાન પાટા પર પડેલો જોઈ શકાતો હતો.  આ આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેમાં એવું પણ જોઈ શકાય છે કે યુવક ટ્રેન નીચે આવી ગયા બાદ એક વ્યક્તિ તેને બચાવવા માટે દોડી રહ્યો છે. જોકે, વ્યક્તિ ત્યાં પહોંચી ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું.  ઉલ્લેખનીય છે કે ટ્રેનમાં ચડતી વખતે કે ઉતરતી વખતે પાટા પર પડી ગયેલા લોકોને બચાવવા માટે ફરજ પરના પોલીસકર્મીઓ દોડી આવતા હોય છે. અનેક કિસ્સામાં પોલીસકર્મીઓની સતર્કતાને કારણે અનેક મુસાફરોનો જીવ બચ્યો છે. બદનસિબે આ કિસ્સામાં ટ્રેન ખૂબ સ્પીડમાં હતી, અને યુવક અચાનક જ પ્લેટફોર્મ અને પાટા વચ્ચે આવી ગયો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: