આજે લોકરક્ષક દળની પરીક્ષા યોજાઈ હતી, જેમાં મોટો છબરડો સામે આવ્યો છે. દાહોદના લીમડી ગામે પરીક્ષા આપી રહેલી એક વિદ્યાર્થિની પેપર અડધુ કોરૂ નીકળ્યું છે. જેને કારણે વિદ્યાર્થિની અડધુ પેપર જ લખી શકી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે એલઆરડીની પરીક્ષા લેવામાં આવી હતી. એક વિદ્યાર્થીની દાહોદના લીમડી ગામે બીપી અગ્રવાલ સ્કૂલમાં પરીક્ષા આપી રહી હતી. તે સમયે તેના પેપરમાં એકથી 23 પ્રશ્ન તો સળંગ આવ્યા, ત્યાર બાદ સીધો 81 નંબરનો પ્રશ્ન આવ્યો. એટલે કે, વચ્ચેના 58 પ્રશ્નો હતા જ નહી. જેને પગલે પરીક્ષાર્થી મુંઝવણમાં મુકાઈ ગઈ હતી, અને તેની પરીક્ષા બગડી છે.
આ મુદ્દે વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, હું પરીક્ષાનું પેપર લખી રહી હતી, તે સમયે 23મા પ્રશ્ન બાદ પેપરમાં સીધો 81મો પ્રશ્ન હતો, આ મુદ્દે મે ક્લાસના ટીચરને જાણ કરી તેમણે સંચાલકને જાણ કરી, પરંતુ તેમણે કહી દીધુ કે, તમારા પેપરમાં જેટલા પ્રશ્ન છે તેનો જવાબ લખો અમારાથી હવે કશુ નહી થાય, અમે પેપર નહી બદલી આપી શકીએ.
આ મુદ્દે સ્કુલ સંચાલકોએ જણાવ્યું કે, એક વિદ્યાર્થિનીના પેપરમાં 1થી 23 પ્રશ્ન બાદ સીધો 81મો પ્રશ્ન હતો, વચ્ચેના 58 જેટલા પ્રશ્નો હતા નહી, તેવી અમને જાણ કરવામાં આવી હતી, પરંતુ આ જાણ 35 મીનીટ બાદ વિદ્યાર્થિની દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થિની જાણ કરી ત્યાં સુધીમાં અન્ય પેપર સીલ કરી પાછા મોકલી દેવામાં આવ્યા હતા.
સંચાલકે વધુમાં જણાવ્યું કે, સ્કૂલ તથા બોર્ડના અધિકારી દ્વારા નિર્ણય લીધા બાદ વિદ્યાર્થિનીને પેપર નહી બદલી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, કારણ કે, નિયમ અનુસાર, પેપર વિતરણ બાદ 15 મીનિટ પેપર ચકાસણી માટે આપવામાં આવે છે, આ પંદર મિનીટમાં પેપર તપાસી વિદ્યાર્થીએ કોઈ ક્ષતી હોય તો જાણ કરવાની હોય છે, પરંતુ વિદ્યાર્થિનીએ 35 મીનિટ બાદ પેપરમાં ભૂલ હોવાની જાણ કરી, ત્યાં સુધીમાં પેપર સીલ કરી મોકલી દેવામાં આવ્યા હતા, જેથી પેપર બદલીને આપી શકાયું ન હતું.
એટલે કે, સરકારના નિયમો, અને બોર્ડના છબરડાને લઈ એક વિદ્યાર્થિની માત્ર અધુરી પેપર લખી શકી છે. વિદ્યાર્થિનીનો સમય, પૈસા, અને મહેનત બધુ જ સરકારી છબરડાને કારણે બગડ્યું છે. વિદ્યાર્થીએ આ મુદ્દે લેખિતમાં પણ ફરીયાદ આપી છે. હવે જોવાનું એ રહેશે કે, બોર્ડ આ મુદ્દે શું નિર્ણય કરે છે.
તમને જણાવી દઈએ કે, જે પ્રકારે પેપર લીકની દુઃખદ ઘટના બની હતી ત્યારબાદ આજે ફરી પેપર લેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આજે લગભગ 876000 ઉમેદવારોએ પરીક્ષા આપી છે. જોકે, પેપર લીકનો ગુજરાત પોલીસે તપાસ કરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે, પેપર લીકના સૂત્રધારો પકડાઇ ચૂક્યા છે. પ્રિન્ટિંગ પ્રેસની ભૂલ ન થાય તે માટે આ વખતે ખાસ પગલા લેવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને સ્ટ્રોંગ રૂપ ટ્રાન્સપોર્ટેશન સહિતની બાબતો પર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તો પણ પેપરમાં આવો છબરડો સામે આવતા તંત્રની બેદરકારીનો ભોગ વધુ એક વિદ્યાર્થિની બની છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર