સાબીર ભાભોર, દાહોદ : જિલ્લા સહિત રાજ્યભરમાં રસી મુકાવવાને લઈ લોકો આગળ આવતા, રસીના ડોઝ એક બાજુ ઓછા પડી રહ્યા છે, ત્યારે જિલ્લામાં આરોગ્ય વિભાગના રસી મામલે છ્બરડા સામે આવી રહ્યા છે. મૃત વ્યક્તિના પરિવારજનોને રસીકરણ થયાનો મેસેજ મળી રહ્યા છે, તો અનેક લોકોને રસીનો ડોઝ ન લીધો હોવા છતા રસીકરણ થઈ ગયાનો મેસેજ આવી રહ્યો છે.
એક તરફ દાહોદ જિલ્લામાં 18 થી 44ની વય જુથના લોકો માટે રસીકરણ શરૂ નથી થયું, અનેક લોકો રસી માટે રાહ જોઈ રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ મૃતકોને રસીકરણ કરવામાં વ્યસ્ત દેખાઈ રહ્યું છે.
દાહોદ શહેરમાં રહેતા નરેશ ભાઈ દેસાઇના પિતા નટવરલાલ દેસાઇનું 2011માં 93 વર્ષે અવસાન થયું હતું, જે સમયે કોરોનાનું કોઈ નામ-નિશાન નહોતું અત્યારે તેમના મૃત્યુને 10 વર્ષ થયા ત્યારે ગતરોજ તેમના પુત્રના મોબાઈલ ઉપર તેમણે વેક્સિનેસનનો બીજો ડોઝ મુકાયાનો મેસેજ આવતા સ્તબ્ધ થઈ ગયા હતા.
બીજા કિસ્સામાં લીમડીના 72 વર્ષીય મધુબેન શર્માએ રસીનો પ્રથમ ડોઝ 2 માર્ચે લીધો હતો અને 15 એપ્રિલના રોજ તેઓનું નિધન થયું હતું, ત્યારે મૃત્યુના દોઢ મહિના પછી તેમના પુત્રના મોબાઈલ ઉપર રસીનો બીજો ડોઝ લીધાનો મેસેજ આવ્યો છે.
આવી જ રીતે લીમડીના એક મહિલાએ બીજો ડોઝ ન લીધો હોવા છતા બીજો ડોઝ આપ્યાનો મેસેજ આવતા અચંબામાં પડી ગયા છે, આવી રીતે આડેધડ રસીકરણના મેસેજથી અનેક શંકાઓ ઊભી થઈ રહી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, આરોગ્ય વિભાગની આ બેદરકારી છે કે, પછી રસીકરણમાં પણ કોઈ કૌભાંડ થઈ રહ્યું છે?
Published by:Kiran Mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર