સાબીર ભાભોર, દાહોદ : વહેમની કોઈ દવા નથી અને અને માણસના મગજમાં એકવાર શંકા ઘર કરી જાય તો તે કઈ પણ સમજવા તૈયાર થતો નથી. આવી જ શંકા-કુશંકાની ઘટનામાં ભાઈએ જ ભાઈની હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી પુરા ગામમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દેવગઢબારિયા તાલુકાના ભૂવાલ ખાતે રહેતા પ્રવીણ ગોપસિંહ પટેલને પોતાની પત્નીને કૌટુંબિક ભાઈ બુધાભાઈ પટેલ સાથે આડા સબંધો ચાલતા હોવાનો વ્હેમ મગજમાં ભરાઈ ગયો હતો, જેને પગલે અગાઉ પણ અનેક વખત તકરાર કરી ચુક્યો હતો, પરંતુ તેણે હવે તો હદ પાર કરી દીધી અને કૌટુંબીક ભાઈ બુધાભાઈને રસ્તામાંથી હંમેશા માટે હટાવવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા કરી દીધી.
વિગતે વાત કરીએ તો, આડા સબંધોની શંકામાં પ્રવીણ પટેલે નજીકના ખેતરમાં કામ કરી રહેલા બુધાભાઈ પટેલને ગાળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ આરોપીએ ઘરે જઈ કાકાને જઈને જાણ કરી હતી કે, બુધાભાઇને મારી પત્ની સંગિતા સાથે આડા સબંધો હતા, જેથી તેની હત્યા કરી નાખી છે. ત્યારબાદ ગામના સરપંચ સહિત અગ્રણીઓએ મૃતકના ઘરે જઈ મૃતકના પિતાને આ વાતની જાણ કરતાં પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.