છોટાઉદેપુરઃ ટ્રક ઘરમાં ઘૂસી જતાં ઊંઘી રહેલા ત્રણ લોકોનાં મોત

 • Share this:
  છોટાઉદેપુરઃ શુક્રવારે વહેલી સવારે છોટાઉદેપુરના મંડલવા ગામ ખાતે એક ટ્રક ઘરમાં ઘૂસી જવાને કારણે ત્રણ લોકોનાં મોત થયા છે. બારીયા રોડ પર આવેલા મંડલવા ગામ ખાતે આ અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં એક મહિલા, એક બાળકી અને એક પુરુષનો સમાવેશ થાય છે. મૃતકોમાં પતિ-પત્ની અને એક પુત્રનો સમાવેશ થાય છે.

  અકસ્માત બાદ રોષે ભરાયેલા ગામ લોકોએ અકસ્માત સર્જનાર ટ્રકમાં તોડફોડ કરી હતી. અકસ્માતથી ત્રણ લોકોનાં મોત નિપજાવનાર ડ્રાઇવર લોકોનો રોષ પારખીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જનાર ટ્રકનો રજીસ્ટ્રેશન નંબર GJ-17-UU 0684 છે. તસવીર પરથી જોઈ શકાય છે કે એક હેવી ટ્રક રસ્તાની બાજુમાં આવેલા ઘરમાં ઘૂસી ગયો છે. 

  અકસ્માતને કારણે વહેલી સવારે મીઠી ઊંઘ માણી રહેલા ત્રણ લોકો હંમેશ માટે પોઢી ગયા છે. અકસ્માત કયા કારણે થયો હતો તે જાણી શકાયું નથી. ડ્રાઇવર પીધેલી હાલતમાં હતો કે પછી તેણે અન્ય કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

  મૃતકના નામ

  સંતોષ રાઠવા
  કૈલાશ રાઠવા
  અવિનાશ રાઠવા

  બોટાદમાં કાર સળગી ઉઠી

  તુરખાથી બોટાદ આવી રહેલી એક કારમાં રસ્તા પર જ અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે કાર સળગીને ખાખ થઈ ગઈ હતી. જોકે, સદનસિબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. નોંધનીય છે કે અવારનવાર ચાલુ કારમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: