ન્યૂઝ18 ગુજરાતી: લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે છોટાઉદેપુર બેઠક ઉપર ટિકિટને લઈ આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં ભાજપના બે પૂર્વ ધારાસભ્યો , ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય સહિત 10 જેટલા મહત્વના હોદ્દેદારોએ ચાલુ સાંસદ રામસિંહ રાઠવા સામે અસંતોષ વ્યક્ત કરતાં ટિકિટ નહીં આપવા રજૂઆત કરી છે.
આ અંગે મુખ્યમંત્રી અને રાજ્યના પ્રભારીને લખાયલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય ગીતાબેન રાઠવા સહિતના ભાજપના નેતાઓએ પત્ર લખી સાંસદ રામસિંહ રાઠવાની નબળી કામગીરીનો ઉલ્લેખ કરી ટિકીટ ન આપવા રજૂઆત કરી છે.
પત્રમાં લખ્યું છે કે, રામસિંહ રાઠવા છેલ્લી ત્રણ ટર્મથી છોટાઉદેપુરના સાંસદ છે. એમની નબળી કામગીરીને લીધે છોટાઉદેપુર લોકસભા વિસ્તારના કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે અસંતોષ છે. અમે અમારા વિસ્તારમાં વિસ્તારક તરીકે જઈએ છે ત્યારે લોકો અમને એમના વિશે ઘણી ફરિયાદો કરે છે. ગુજરાતમાં જો તમામ 26 બેઠકો જીતવી હોય તો રામસિંહ રાઠવાને આ વખતે ઉમેદવાર તરીકે રિપીટ ન કરશો નહીંતર છોટાઉદેપુર બેઠક ગુમાવવાનો વારો આવશે. એમની સિવાય અન્ય ઉમેદવારો અમને માન્ય છે. જો રામસિંહ રાઠવા સિવાય બીજાને ઉમેદવાર બનાવાશે તો અમે એમને જીતાડવાની તમને ખાતરી આપીએ છીએ.
આ અંગે ડૉ. આચાર્ય ગણી મહારાજે જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે અમે તમામ લોકોએ પત્ર પર સહીઓ કરી મુખ્યમંત્રીને લોકસભા છોટાઉદેપુરની પરિસ્થિતિ અંગે રજૂઆત કરી હતી. જ્યારે મુખ્યમંત્રીએ ખાત્રી આપી છે કે અમે તમારી રજૂઆત ધ્યાન પર લીધી છે અને બહુ સારો ઉકેલ લાવીશું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર