રાજ્યમાં દીપડાની વસતી દિવસેને દિવસે વધી રહી છે. જંગલ વિસ્તાર નજીકના ગામોમાં દીપડાનો ભય હંમેશા ખેડૂતોને સતાવતો રહે છે. વારંવાર દીપડા ગામમાં રહેણાંક વિસ્તારમાં શીકારની શોધમાં ઘુસી આવે છે, અને માણસ પર હુમલો કરી ભુખ સંતોષવાની કોશિસ કરતા રહે છે. આવી જ વધુ એક ઘટના છોટાઉદેપુરમાં સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુરના પાવી જેતપુર રેન્જના કલારાણી બીટમાં છેલ્લા કેટલાએ સમયથી આદમખોર દીપડાનો આતંક વધી ગયો છે. આજે બાંડી ગામમાં આદમખોર દીપડાએ વધુ એક બાળકીને શિકાર બનાવી છે.
આદમખોર દીપડાએ ઘરની બહાર રમી રહેલી 8 વર્ષની બાળકી પર ઘાત લગાવી હુમલો કર્યો છે. આ દરમ્યાન બાળકીના પિતાએ તુરંત બાળકીને બચાવવા દીપડા પર હુમલો કરી તેનો પીછો કર્યો, તો દીપડો બાળકીને મુકીને જંગલમાં ભાગી ગયો. પરંતુ ત્યાં સુધીમાં તો દીપડાએ બાળકીને ફંફોળી કાઢી હતી.
ઘાયલ દીકરીને લઈ પિતા તત્કાલિન હોસ્પિટલ પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે બોડેલી હોસ્પિટલ લઈ જવામાં આવીંતુ તેની હાલત ગંભીર જણાતા તેને વડોદરા SSG હોસ્પિટલમાં રિફર કરવામાં આવી પરંતુ રસ્તામાં જ બાળકીએ પોતાના પ્રાણ પંખેરૂ છોડી દીધા.
આ ઘટનાની જાણ વન વિભાગને થતા, વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને આખી ઘટનાની તપાસ શરૂ કરી, આદમખોર દીપડાને પાંજરે પુરવા પ્રયાસો હાથ ધર્યા છે.
ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુરના પાવી જેતપુર વિસ્તારમાં આદમખોર દીપડા દ્વારા હુમલો કરવાની આ પહેલી ઘટના નથી. છેલ્લા કેટલાએ સમયથી દીપડાની વસ્તીમાં વધારો થતા દીપડા શિકારની શોધમાં જંગલના નજીકના ગામોમાં ઘુસી આવે છે માનવ વસ્તી પર હુમલો કરે છે. હમણાં થોડા સમય પહેલા પણ રાયપુર પંથકમાં દિપડાએ ભારે આતંક મચાવ્યો હતો. ભાનપુરી સીમમાં શનિવારે રાત્રે ત્રાટકેલા દિપડાએ બાઈક પર સવાર બે યુવાનો પર હુમલો કર્યો હતો. તેના એક દિવસ પહેલા પણ દિપડાએ ચાર માસના બાળક સાથે જઈ રહેલા દંપત્તિ પર હુમલો કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર