ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેવામાં રાજ્યની તમામ પાર્ટીઓ તૈયારીઓ શરૂ કરી દીધી છે. છોટાઉદેપુર જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે, તે એક સમયે વડોદરાનો ભાગ હતો જો કે વર્ષ 2013માં તેને અલગ કરી અલગ જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો. છોટાઉદેપુર આ જિલ્લાનું વડુ મથક છે, જે છોટાઉદેપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે. આ સાથે જ ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી છોટાઉદેપુર 137 નંબરની વિધાનસભા બેઠક છે.
આ બેઠક એસટી વર્ગ માટે અનામત રાખવામાં આવી છે. આ મતક્ષેત્રમાં કુલ 241232 મતદારો છે જેમાંથી 124316 પુરૂષ, 116914 મહિલા અને 2 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. અહીં ખનિજ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે. છોટાઉદેપુર નગર છોટાઉદેપુર રજવાડાનું પાટનગર હતું, જેની સ્થાપના ચાંપાનેરના પતઇ રાવલના વંશજ રાવલ ઉદયસિંહજીએ 1743માં કરી હતી. આ બીજા દરજ્જાનું રજવાડું હતું અને 10 માર્ચ 1948ના રોજ ભારતીય સંઘમાં ભળી ગયું હતું.
છોટાઉદેપુર બેઠકમાં (chhota udaipur assembly constituency) આવતા ગામો
1.છોટા ઉદેપુર તાલુકો
જાતિગત સમીકરણ
રાજકીય સમીકરણ
આ બેઠક પર સૌથી વધુ વખત મોહનસિંહ રાઠવાનો વિજય થયો છે. મોહનસિંહ રાઠવા 1972-74ની ચોથી વિધાનસભા, 1975-80ની પાંચમી વિધાનસભા, 1980-85ની છઠ્ઠી વિધાનસભા, 1985-90ની સાતમી વિધાનસભા, 1990-95ની આઠમી વિધાનસભા, 1995-97ની નવમી વિધાનસભા, 1998-2002ની દશમી વિધાનસભા, 2007-2012ની બારમી વિધાનસભા, 2012-2017ની તેરમી વિધાનસભા, 2017-2022ની ચૌદમી વિધાનસભા સુધી સતત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.
જોકે, વર્ષ 1975ની વિધાનસભાની ચૂંટણીમાં તત્કાલીન મુખ્યપ્રધાન સ્વ. ચીમનભાઈ પટેલને હરાવીને ખાસ પ્રખ્યાત બન્યા હતા. જ્યારે અગિયારમી વિધાનસભા 2002ની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા.
હાર-જીતના સમીકરણો
વર્ષ | જીતેલા ઉમેદવારના નામ | પક્ષ |
2017 | મોહનસિંહ રાઠવા | આઈએનસી |
2012 | મોહનસિંહ રાઠવા | આઈએનસી |
2007 | રાઠવા ગુલસિંહ | બીજેપી |
2002 | રાઠવા શંકરભાઈ | બીજેપી |
1998 | રાઠવા સુખરામભાઈ | આઈએનસી |
1995 | રાઠવા સુખરામભાઈ | આઈએનસી |
1990 | રાઠવા સુખરામભાઈ | આઈએનસી |
1985 | રાઠવા સુખરામભાઈ | આઈએનસી |
1980 | રાઠવા કરસનભાઈ | આઈએનસી |
1975 | રાઠવા રમણભાઈ | એનસીઓ |
1972 | રાઠવા કરસનભાઈ | આઈએનસી |
1967 | બી જી તડવી | આઈએનસી |
1962 | ભટ્ટ બિપીનચંદ્ર | એસડબલ્યુએ |
મોહનસિંહ રાઠવાની મોટી જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે છોટા ઉદેપુરના ધારાસભ્ય અને ગુજરાતના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય મોહન સિંહ રાઠવાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે યુવાનોને તક આપવાની વાત પણ કરી છે.
ગુજરાતના છોટા ઉદેપુરના સૌથી વરિષ્ઠ અને વર્તમાન ધારાસભ્ય મોહન સિંહ રાઠવાએ જાહેરાત કરી છે કે તેઓ હજુ ચૂંટણી નહીં લડે અને નવ યુવાનોને તક મળવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું સતત 11 વખત ચૂંટણી લડ્યો હતો જેમાંથી 10 વખત હું જીત્યો છું અને જેતપુર પાવી, બોડેલી અને છોટા ઉદેપુર તાલુકાના મતદારોએ સૌથી વધુ વખત જીતીને મને ગુજરાત વિધાનસભામાં મોકલ્યો છે. હું હવે 76 વર્ષનો છું.
તેમણે કહ્યું કે, હવે એવા યુવા નેતાઓની જરૂર છે જે ગામડે ગામડે જઈ શકે, લોકો માટે દોડી શકે. તેમણે કહ્યું કે, છોટા ઉદેપુર તાલુકાના 3 ગામોમાં નાના બાળકોને પ્રાથમિક શાળામાં જવા માટે કોઈ રસ્તો નથી, મેં આ અંગે વિધાનસભામાં અનેક વખત માંગણી કરી છે. પરંતુ હવે જ્યારે નવા યુવા ઉમેદવારો તૈયાર છે અને બાકીના પ્રશ્નોના ઉકેલ સાથે આવ્યા છે, ત્યારે મને લાગે છે કે યુવાનોને તક આપવી જોઈએ.
પિતાનું નામ આગળ વધારવા પુત્રોની તૈયારી
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી શહેરમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે મોહન સિંહ રાઠવા ચૂંટણી નહીં લડે અને અંતે મોહન સિંહ પોતે મીડિયા સામે આવ્યા અને કહ્યું કે તેઓ ચૂંટણી નહીં લડે.
બીજી તરફ મોહનસિંહ રાઠવાના વચલા પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા ગામડાઓમાં લગ્ન, ભજનમાં હાજરી આપીને મતદારોના સતત સંપર્કમાં જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યસભા સાંસદના પુત્ર સંગ્રામસિંહ રાઠવા પણ છે. નારણ રાઠવા અને છોટા ઉદેપુર નગરપાલિકા પ્રમુખ જેઓ કોંગ્રેસના છે તેઓ દાવો કરી રહ્યા છે.
હવે છોટા ઉદેપુર વિધાનસભાની ટિકિટ કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની રહી છે. કારણ કે છોટા ઉદેપુરના કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓના પુત્ર છોટા ઉદેપુર વિધાનસભાની ચૂંટણી લડવા માંગે છે.
શું માને છે રાજકીય વિશ્લેષકો
રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા ચુંટણી લડે તો વિરોધીઓ માટે વિધાનસભા જીતવા માટે કપરા ચડાણ છે. કારણ કે રાજેન્દ્રસિંહ રાઠવા હુબેહુબ મોહનસિંહ રાઠવા જેવો માયાળુ, મિલનસાર સ્વભાવ, લોક સંપર્ક સાધી પ્રજાના પ્રશ્નો માટે સતત પ્રયત્નશીલ રહે છે.
રાજકીય વિશ્લેષકોના મત મુજબ રાજેન્દ્રસિંહનો લોકસંપર્ક છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં સતત રહે છે અને લોકો પણ ઈચ્છે છે કે રાજેન્દ્રસિંહ વિધાનસભા લડે અને અમારા પ્રશ્નો વિધાનસભામા ઉઠાવે.
સમસ્યાઓ
છોટાઉદેપુર બેઠકને આમ તો અલ્પ વિકસિત માનવામાં આવે છે. આ વિધાનસભા ક્ષેત્રમાં વિકાસના કામો ઘણા ઓછા થયા હોવાની વાતો પણ અવારનવાર સાંભળવા મળતા હોય છે. એવામાં અહીંની સમસ્યાઓની વાત કરીએ તો આ બેઠક પર હાલ પીવાના પાણીની સમસ્યા પ્રવર્તી રહી છે.
આ સિવાય રોડ રસ્તાઓની હાલત પણ ખરાબ છે. સ્થાનિક લોકો ખરાબ રોડ રસ્તાઓની સ્થિતીને લઈને હાલાકી ભોગવી રહ્યાં છે. આ વિધાનસભા ક્ષેત્રમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને નવી સંસ્થાઓ ખોલવા માટેની માંગ પણ ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહી છે. આ સાથે જ બેરોજગારી અહીંનો સળગતો મુદ્દો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections