છોટાઉદેપુરમાં એક વૃદ્ધા પર અમાનુષી અત્યાચારનો બનાવ સામે આવ્યો છે. વૃદ્ધા પર અત્યાચાર ગુજારનાર ખુદ તેની દીકરી અને તેની દીકરીનો દીકરો હોવાનું માલુમ પડ્યું છે. આ અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો છોટાઉદેપુરના વેલપુર ગામનો હોવાની માહિતી મળી છે. વૃદ્ધાના પરિવારના સંપર્ક કરવમાં આવ્યા બાદ તેમણે દાવો કર્યો હતો કે વૃદ્ધા માનસિક રીતે બીમાર છે. જ્યારે વૃદ્ધાની દીકરીએ બચાવ કરતા જણાવ્યું હતું કે જમવાનું બનાવવા બાબતે તકરાર થઈ હતી.
વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે?
વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા અને એક યુવક એક વૃદ્ધા પર અત્યાચાર કરી રહ્યાં છે. એક ઘરમાં જમીન પર પડેલા વૃદ્ધાને યુવક અને મહિલા દોરડાથી બાંધીને ખેંચી રહ્યાં છે. બંને વૃદ્ધા સાથે ગાળાગાળી પણ કરી રહ્યા છે. એક સમયે યુવક વૃદ્ધાનં ઊંચકીને ઘરની બહાર ફેંકી દે છે.
સગી દીકરીએ માતાને લાતો મારી
વીડિયોમાં જોઈ શકાય છે કે સગી દીકરી તેની માતાને પગથી લાતો મારી રહી છે. દીકરી જમીન પર પડેલી માતાને ગડદાપાટુનો માર મારી રહી છે. માતાના ગળામાં દોરડું બાંધીને તેને ઢસડતી પણ નજરે પડી રહી છે. એટલું જ નહીં વીડિયોમાં દીકરી તેની માતાને ઘરની બહાર નીકળી જવાનું કહેતી સાંભળવા મળે છે. વીડિયોનાં અંતમાં મહિલાનો દીકરો વૃદ્ધાને ઊંચકીને ઘરની બહાર ફેંકી દેતો નજરે પડે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર