અલ્લારખા પઠાણ, છોટાઉદેપુર : આર્મીમેને પત્ની અને બે નવજાત બાળકોની હત્યા કરી તેમના મૃતદેહ ઘરની પાછળ ખાડો કરીને દાટી દીધા હતાં. જેમાં આર્મી જવાનની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી દીધી હતી. ચાર દિવસનાં રિમાન્ડમાં તેણે ટ્રિપલ મર્ડરનો ઘટસ્ફોટ કરતાં પોલીસે પાંચ વર્ષ પછી ખાડામાં દાટેલા મૃતદેહોના નરકંકાલ બહાર કાઢતા ચકચાર મચી ગઇ છે.
આ મામલે માહિતી એવી છે કે છોટાઉદેપુરના ઉમરવા ગામમાં રહેતા અને ખેતીમકામ કરતા કલ્યાણસિંહ રાઠવાની પુત્રી શકુંતલાએ પાંચ વર્ષ પહેલા આર્મીમાં ફરજ બજાવતા વિક્રમ અલસીંગ રાઠવા (રહે.ભીલપુર ગામ, જિલ્લા છોટાઉદેપુર ) સાથે લવમેરેજ કર્યું હતું. લગ્નનાં થોડા સમયમાં જ તેમની વચ્ચે ઝગડા થવા લાગ્યા હતાં. વિખવાદ વચ્ચે શકુંતલા ગર્ભવતી બની હતી તેમ છતાં તેનો પતિ તેની પર ત્રાસ ગુજારતો હતો. તેણે પતિ વિરુધ્ધ ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે પછી શકુંતલા પતિના ત્રાસથી કંટાળીને વડોદરા નારી સંરક્ષણ ગૃહમાં રહેવા ગઈ હતી.
થોડા સમય પછી શકુંતલાએ સયાજી હોસ્પિટલમાં જોડિયા પુત્રોને જન્મ આપ્યો હતો. પત્નીએ નોંધાવેલી ફરિયાદના કારણે 2016માં મુદ્દત હોવાથી વિક્રમ,તેની માતા અને પિતા સાથે કોર્ટમાં આવ્યો હતો. કોર્ટમાં હાજરી આપ્યા બાદ તે સયાજી હોસ્પિટલમાં પત્નીને મળવા ગયો હતો જયાં તેણે શકુંતલાના પિતાને બોલાવ્યા હતા. તેણે પત્ની અને બંને સંતાનોને પોતાની સાથે લઈ જવાની ઈચ્છા દર્શાવી હતી. નારીગૃહ દ્વારા તેને ત્રણેયનો કબજો સોંપાયો હતો. જે પછી શકુંતલા અને તેના બે બાળકો ભેદી સંજોગોમાં ગુમ થયા હતાં. જે બાદ શકુતંલાનાં પતિએ જમાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની સીઆઈડીએ તપાસ શરૂ કરી હતી.
જ્મ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતો વિક્રમ આવ્યો હોવાની જાણ થતાં પોલીસે તેની અટકાયત કરીને પુછપરછ કરી હતી. પુછપરછમાં તેણે પત્ની અને બંને નવજાત સંતાનોની હત્યા કરી ત્રણેય મૃતદેહો ઘર પાસે ખાડામાં દાટી દીધાનો ઘટસ્ફોટ કર્યો હતો. પોલીસે તેના ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
તપાસમાં સામે આવ્યું હતું કે વિક્રમે તેના ઘરની પાછળ ટાંકી મુકી છે તેની નીચે ખાડો ખોદીને ત્રણેય લાશો દાટી દીધી છે. પોલીસે જેસીબી મશીનથી ટાંકી હટાવીને આશરે નવ ફૂટ ખાડો ખોદી તપાસ કરી હતી જેમાં પત્ની અને બંને સંતાનોના નરકંકાલ મળી આવ્યાં હતાં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર