Home /News /madhya-gujarat /

ફૂટપાથ પર પાઠશાળા ચલાવે છે ડૉ.ઉમાબેન, સ્ટ્રીટલાઈટના અજવાળે ભણીને ગોલ્ડ મેડલ મેળવ્યો, હવે ગરીબ બાળકોને આપે છે શિક્ષણ

ફૂટપાથ પર પાઠશાળા ચલાવે છે ડૉ.ઉમાબેન, સ્ટ્રીટલાઈટના અજવાળે ભણીને ગોલ્ડ મેડલ મેળવ્યો, હવે ગરીબ બાળકોને આપે છે શિક્ષણ

ગરીબ બાળકોને ફૂટપાથ પર ભણાવતા ડૉ. ઉમા શર્મા

આણંદના સરદાર પટેલ રાજમાર્ગ પર શિક્ષણથી વંચિત બાળકો અને શ્રમજીવીઓના બાળકોને શિક્ષણની જ્યોત જગાવતા ડૉ.ઉમાબેન

  (અમદાવાદથી પંકજ શર્માનો રિપોર્ટ ): બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સરકાર સર્વ શિક્ષા અભિયાન, કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ સહિતના વિવિધ અભિયાનો ચલાવે છે. તેમ છતાં પણ શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં બાળકો હજુ પણ શિક્ષણથી વંચિત રહી જાય છે..ઘણા સામાજિક સંગઠનો અને સંસ્થાઓ સરકારના આવા અભિયાનને સહયોગી થવા માટે આગળ આવી પોતાની રીતે શિક્ષણની જ્યોત જગાવતા હોય છે. પણ અહી વાત છે એક એવી મહિલાની કે જે પોતે ગરીબ પરિવારમાંથી આવે છે. સ્ટ્રીટલાઈટમાં ભણીને ગોલ્ડ મેડલ મેળવે છે..અને આજે ગરીબ બાળકોને ફુટપાથ પર શિક્ષણ આપી સેવાની જ્યોત જગાવી છે. વાત છે આણંદમાં રહેતા અને વલ્લભ વિદ્યાનગરમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ.ઉમાબેન શર્માની. તેઓ આણંદમાં ગરીબ અને રસ્તા પર રહેતા બાળકોને પણ ભણાવીને તેમનું જીવન ઉજળું કરી રહી છે..આણંદ અને આસપાસના વિસ્તારમાં ભિક્ષુક વૃત્તિ કરતા બાળકો અને શ્રમજીવી પરિવારના બાળકોને શિક્ષિત કરવા એક અનોખુ અભિયાન ચલાવી રહ્યા છે.  ન્યુઝ18 ગુજરાતી સાથેના સંવાદમાં ડૉ.ઉમાબેન શર્મા જણાવે છે કે આણંદમાં મારા રોજિંદા ક્રમ મુજબ એક દિવસ હું સવારે મોર્નિંગ વૉકમાં નીકળી હતી ત્યારે નાના ગરીબ બાળકો ક્યાંકથી ચૉક લઈને રોડ પર કંઈક લખતા જોયા હતા..બે-ત્રણ દિવસ સતત આ બાળકો રોડ પર લખતા જોતા જ હું આ બાળકોને મળવા પહોંચ. મેં બાળકોને પુછ્યુ કે તમને ભણવુ ખૂબ ગમે છે? બાળકોનો જવાબ હતો કે હા, અમારે ભણવુ છે. પછી મેં એમને પુછ્યુ કે જો તમને હું દરરોજ ભણાવુ તો તમે ભણશો ખરા?? તો બાળકોએ હા પાડી દીધી. બસ પછી મે આ બાળકોને ભણાવવાની નેમ લીધી. શરુઆતમાં ત્રણથી ચાર વિદ્યાર્થીઓ હતા. આજે 65થી વધુ બાળકોને ભણાવુ છું.  ફુટપાથ પર પાઠશાળાની શરુઆત કેવી રીતે કરી તે અંગેના જવાબમાં ડૉ.ઉમાબેન શર્મા જણાવે છે કે મેં વર્ષ 2018થી આ ફુટપાથ પર પાઠશાળાની શરુઆત કરી છે..પાંચ વર્ષથી લઈને 15 વર્ષ સુધીના બાળકો ભણવા આવે છે..આણંદ શહેરના સરદાર પટેલ રાજમાર્ગ પર આવેલા ફુટપાથ પર આ ફુટપાથ સ્કુલ ચલાવુ છું..જેમાં હાલમાં 65થી વધુ બાળકો અભ્યાસ કરવા આવે છે..આ એવા બાળકો છે કે જેઓ ઝૂંપડામાં રહે છે અથવા તો અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે. જેથી આ બાળકો શાળાએ ભણવા જતા નથી. આ બાળકો શિક્ષણથી વંચિત હતા. જેથી અક્ષરજ્ઞાન આપવાનો પાયો આ ઉંમરથી જ જો ના નાખીએ તો આવા બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જતુ હોય છે..જેથી નિઃસ્વાર્થભાવે હું આ બાળકોને શિક્ષિત કરવાના સંકલ્પ સાથે શરુઆત કરી. ધીરે ધીરે બાળકો પણ વધવા લાગ્યા. બાળકોને અભ્યાસમાં રુચિ પણ વધતી જોવા મળી. ગણિત અને અંગ્રેજી સહિતના વિષયોનું પ્રાથમિક જ્ઞાન આપી રહી છું. આગળ હજુ પણ બાળકોની સંખ્યા વધશે તો હું બહોળી ક્ષમતાથી આવા બાળકોને મદદરુપ બનીશ.


  ડૉ.ઉમાબેન શર્માને આ સેવાને આગળ વધારવાનો વિચાર પોતાના ભૂતકાળ અંગે વિચારતા આવ્યો હતો. ઉમાબેન ગરીબ પરિવારમાંથી આવે છે..પોતાના ભણતર વિશે જણાવે છે કે અમદાવાદના ગીતા મંદિર પાસે ભૂતની આંબલીમાં આવેલા ગેરેજમાં તેમનું બાળપણ વિત્યુ હતુ.પિતા ગેરેજમાં કામ કરતા હતા. અને તેઓ સ્ટ્રીટલાઈટના અજવાળે શિક્ષણ મેળવતા હતા. પિતાજીના ગેરેજમાં આવતા ઘણા લોકો એવી વાતો કરતા કે અશિક્ષિત લોકોના બાળકો અભણના જ રહે છે..આ સાંભળી મેં ઉચ્ચ ભણતર માટેનો સંકલ્પ મનમાં લીધો હતો. 24 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલા અને બહોળો અનુભવ ધરાવતા ડૉ.ઉમાબેન શર્માએ ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએ ગોલ્ડમેડાલીસ્ટ થયા છે. MA, PHD, MHRM કર્યુ છે.તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે..તેમના જ્ઞાનોપાસના, ભાષાનું તત્વજ્ઞાન, જ્ઞાન મિમાંશા, ભારતીય દર્શનમાં સંશયવાદ જેવા પુસ્તકો પબ્લીશ થઈ ચૂક્યા છે. એટલુ જ નહી તેમણે 10 થી વધુ આર્ટિકલ્સ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લખ્યા છે.  પોતાના ભાવિ આયોજનો અંગે ડૉ.ઉમાબેનનો ઉદ્દેશ્ય છે કે આ સ્કુલ ફુટપાથ સુધી સીમીત ન રહે પણ એવુ શિક્ષણ આપવુ છે કે આ બાળકો આગળ જઈ નોકરી કરતા થાય.ઉજ્જવળ કારકીર્દી બનાવતા થાય. આગળ વધવાના સપના જોતા થાય. બાળકોને તેમની મંજિલ સુધી પહોંચાડવાની નેમ છે તેઓ જણાવે છે કે આપણે સમાજમાં રહીએ છીએ તે સમાજને કંઈક આપવુ જોઈએ દરેક માતા-પિતાએ પોતાના બાળકો સાથે સ્નેહભર્યો સંવાદ કરવો જોઈએ. તેમની જરુરિયાત અને તેમના સર્વાંગી વિકાસ અંગે પૃચ્છા કરવી જોઈએ. આજના આધુનિક , ભૌતિક અને સુવિધાના જમાનામાં પૈસા જ બધુ નથી હોતું. માણસને હૂંફની જરુરિયાત છે. જેથી માનવતા ધર્મ પણ નિભાવવો જોઈએ. આણંદવાસીઓ ઉમાબેનની સેવાભાવનાને ખૂબ બિરદાવી રહ્યા છે અને રસ્તે જતા વાહનચાલકો જ્યારે આ ફુટપાથ પર પાઠશાળાને જુએ છે ત્યારે એ વાત ચોક્કસ યાદ કરે છે કે માનવતા હજુ જીવે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Anand News, News in Gujarati

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन