બીએપીએસના વડા મહંત સ્વામીની તબિયત નાદુરસ્ત

News18 Gujarati
Updated: July 19, 2018, 7:20 PM IST
બીએપીએસના વડા મહંત સ્વામીની તબિયત નાદુરસ્ત

  • Share this:
અમદાવાદ : બીએપીએસના વડા મહંત સ્વામીની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર વહેતા થતા હરિભક્તોમાં ચિંતા ઉભી થઈ છે. જો કે ઋતુપરિવર્તન અને વિચરણને કારણે શારીરિક નબળાઈને લીધે તેમને તાવ તથા શરદી-કફ થયો હોવાની વાત માહિતગાર સૂત્રો દ્વારા સામે આવી છે. મહંત સ્વામી હાલ આણંદ ખાતે છે અને આરામ ફરમાવી રહ્યા છે. તેમની નાદુરસ્ત તબિયતના નિદાન માટે અમદાવાદથી તબીબોની ટીમ આણંદ પહોંચતા તર્કવિતકો થવા લાગ્યા હતા. તબીબીઓએ તેમને આરામ કરવાની સલાહ આપી છે અને સાંજના સમયે વિચરણ ન કરવાનો આગ્રહ કર્યો છે.

આ સમગ્ર બાબત વિષે 'બીએપીએસ સંસ્થા" દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

પ્રાપ્તમાહિતી મુજબ, સ્વામીનારાયણ સંસ્થા બીએપીએસના વડા મહંત સ્વામી હાલમાં આણંદની મુલાકાતે છે. મહંત સ્વામી ગુરૂપૂર્ણીમાની ઉજવણી માટે આણંદ ખાતે આવ્યા છે. આ બધા વચ્ચે સમાચાર વહેતા થયા કે, મહંત સ્વામીની તબિયત નાદુરસ્ત છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા હરીભક્તોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. નિત્ય દર્શન માટે આવતા હરીભક્તો પણ ચિંતાતુર થઈ ગયા હતા.

જોકે સંસ્થા દ્વારા મહંત સ્વામીની તબિયત અંગે કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો, પરંતુ મહંત સ્વામીની આણંદમાં અંદરખાને સારવાર ચાલી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ન્યૂઝ18 પણ મહંત સ્વામીની તબિયત અંગે પુષ્ટી કરતુ નથી.

ઉલ્લેખનીય છે કે, પ્રમુખસ્વામી મહારાજ અક્ષરધામગમન બાદ BAPSની જવાબદારી હવે ‘મહંત સ્વામી’ના શિરે આવી છે. પરમ પૂજ્ય યોગીજી મહારાજ અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના કૃપાપાત્ર વરિષ્ઠ સંતોમાંના તેઓ એક છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞા અનુસાર તેઓ દેશ-વિદેશમાં વિચરણ કરીને સત્સંગ-પ્રસારનું કાર્ય કરી રહ્યા છે અને હવે તેઓ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ અને ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુ પરંપરાના છઠ્ઠા ગુરુદેવ તરીકે મહંત સ્વામી બિરાજમાન થયા છે. તમને જણાવી દઈએ કે, મુંબઇ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ ખાતે તેઓને ‘મહંત’ તરીકે નિયુક્ત કર્યા ત્યારથી તેઓ મહંત સ્વામીના નામથી લોકપ્રિય બન્યા હતા.
First published: July 19, 2018
વધુ વાંચો
अगली ख़बर