ગુજરાતની 'ડગરી ગાય' ને મળશે એક નવી દેશી ગાયની ઓળખ

News18 Gujarati
Updated: May 10, 2019, 12:40 PM IST
ગુજરાતની 'ડગરી ગાય' ને મળશે એક નવી દેશી ગાયની ઓળખ
આદિવાસી વિસ્તારમાં જોવા મળતી ડગીર ગાય

આ ગાયને દૂધ માટે નહીં પણ તેનાં આખલા (બુલ) માટે પાળે છે અને આ આખલાથી બ્રિડીંગ પણ કરે છે અને ખેતીમાં પણ તેનો ઉપયોગ કરે છે.

  • Share this:
વિજયસિંહ પરમાર

ગુજરાતમાં પશુપાલન કરતા લોકો અને જૈવ વિવિધતા જાળવવા માટે કામ કરતા લોકો માટે ટુંક સમયમાં જ એક સમાચાર આવશે. ગુજરાતમાં જોવા મળતી દેશી ગાયની વધુ એક જાતને અધિકૃત માન્યતા મળશે અને આ દેશી ગાયનાં લાબાંગાળાનાં સરંક્ષણ માટે નીતિ ઘડવામાં ઉપયોગી થશે.

આણંદ કૃષિ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ થોડા મહિનાઓ પહેલા જ ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમાં જોવા મળતી દેશી ગાયની જાત ‘ડગરી ગાય’ વિશેની માહિતી વૈજ્ઞાનિક પદ્ધતિથી એકત્ર કરી હતી. આ ડગરી ગાયના લક્ષણો અન્ય ગાયોની સરખામણીમાં અલગ અને તેથી આ ડગરી ગાયને એક અલગ દેશી ગાય તરીકેની વિશેષ અને અધિકૃત ઓળખ મળે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીનાં પશુ જનીનકીય અને પશુ પ્રજનનશાસ્ત્ર વિભાગ (વેટરનરી કોલેજ)નાં ડો. એ.સી. પટેલ, ડો. આર.એસ. જોષી, અને ડો. ડી.એન. રાંકનાં જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ઓછી જાણીતી ઘરેલું પશુધનની ઓળખ અને લાક્ષણિક્તા પર ગુજરાત સરકારની પહેલ પર 2015-16માં સહજીવ ટ્રસ્ટ (ભુજ) અને વેટરનરી કોલેજ (આણંદ કૃષિ યુનિવર્સિટી) દ્વારા સયુંક્તપણે પશુધનની અપરિચિત નસ્લોનું આનુંવંશિક અને બાહ્ય લાક્ષણિક્તાનું માલેખન હાથ ધરવામાં આવ્યું હતું અને રાજ્યનાં પશુપાલન વિભાગ મારફત નવી નસ્લોની માન્યતા માટે કરનાલ ખાતે આવેલી નેશનલ બ્યુરો ઓફ એનિમલ જિનેટીક્સ રિસોર્સીસ(NBAGR)ને દરખાસ્તો કરવામાં આવી હતી. આ જ કાર્ય અતંર્ગત ડગરી ગાયને અલગ માન્યતા મળે તે માટે પ્રપોઝલ મોકલી દેવામાં આવી હતી.

ડગરી ગાયને દેશી ઓલાદ તરીરે માન્યતા મળે તેની પ્રક્રિયા હાથ ધરાઇછે.


કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ગુજરાતમાં આદિવાસી તથા પહાડી વિસ્તારનાં જિલ્લાઓ જેવા કે દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટાઉદેપુર અને નર્મદામાં એક નાદા કદની (ઠિંગણી) ગાયની પર્વતીય ઓલાદ જોવા મળે છે જને સ્થાનિક લોકો ‘ડગરી ગાય’ તરીકે ઓળખે છે.
“આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વાકા ડગરી ગાય વિશેની બ્રિડ પ્રોફાઇલ તૈયારી કરીને કરનાલ ખાતે આવેલી નેશનલ બ્યુરો ઓફ એનિમલ જિનેટીક્સ રિસોર્સીસ(NBAGR) ગુજરાત રાજ્યનાં પશુપાલન વિભાગ દ્વારા મોકલી આપવામાં આવી હતી અને આ પછી આ સંસ્થાનાં વૈજ્ઞાનિકો દ્વારા ડગરી ગાય જે વિસ્તારોમાં જોવા મળે છે તેની વિસ્તોરની એપ્રિલ મહિનામાં મુલાકાત પણ લીધી હતી આ ગાય વિશેની વિગતો મેળવી હતી,”ડો. ડી.એન. રાંકે ન્યૂઝ18 ગુજરાતીને માહિતી આપતા જણાવ્યું.

“અમને આશા છે કે, ટૂંક સમયમાં, આ ડગરી ગાયને એક વિશેષ ઓલાદ (ઇન્ડિજિનસ) તરીકેની માન્યતા મળશે. એક વખત આ ગાયની ઓલાદને અધિકૃત માન્યતા મળ્યા પછી તેનાં સંરક્ષણમાં આપણે આગળ વધી શકીશું અને આપણી દેશી ઓલાદોને જાળવવામાં આ કાર્ય મહત્વનું સાબિત થશે,” આણંદ કૃષિ યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર ડો. એન.સી.પટેલે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું.

કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ ડગરી ગાય અન્ય ગાયોની ઓલાદો કરતા જૂદી પડે છે અને બાહ્ય લક્ષણોમાં આ ગાય મુખ્યત્વે બે રંગની જોવા મળે છે. (1) આ ગાય તદ્દ્ન સફેદ અથવા સફેદ કલર સાથે આગળ-પાછળનાં ભાગનાં પગ ભુખરા રંગનાં હોય છે અને (2) રતાશ રંગની પણ બહુ અલ્પસંખ્યામાં જોવા મળે છે. આ ગાયનાં શીંગડા પાતળા, ઉપરની તરફ વળેલા અને શીંગડાની ટોર તિક્ષ્ણ હોય છે.

ડગરી ગાયને દૂધ માટે નહીં પણ તેના આખલા (બુલ) માટે લોકો પાળે છે. બુલથી ખેતી પણ કરે છે.


આ ગાયનાં કાન સીધા અને ખુલ્લા હોય છે. આ ગાયનુ મુખ્ય લક્ષણ ટુંકા પાતળા પગ, શરીરની લંબાઇ તેની ઊંચાઇ કરતા વધુ હોય છે. આ ગોય મારકણી હોય છે આ જાતનાં નરનું વજન 223 કિલો જ્યારા માદાનું વજન 170 કિલોગ્રામ હોય છે. આ ગાયોનું દૂધ ઉત્પાદન ઘણું ઓછું હોય છે. અંદાજિત વેતરદિઠ 300-400 કિલોગ્રામ જેટલું હોય છે. પરંતુ આ ગાયનાં બળદો પહાડી વિસ્તારમાં કદમાં નાના હોવાથી ખેતીની કામગીરી માટે બીજી નસ્લોનાં બળકોની સરખામણીએ વધારે કાર્યદક્ષ હોવાથી વધુ પ્રચલિત છે. આ ઉપરાંત. આ ઓલાદની ગાયો મુખ્યત્વે ચરિયાણ પર નિર્ભર હોવાથી તેને ખુબ જ ઓછા ઘાસાચારની જરૂરિયાત રહેતી હોવાથી આ વિસ્તારોમાં અનુકુલિત થયેલી છે.

ભારતમાં કુલ 43 ગાયોની જાતો, 15 ભેંસોની જાતો, 34 બકરાની જાતો. 43 ઘેટાની જાતો, 7 ઘોડાની જાતો, 9 ઊંટોની જાતો તથા 11 અન્યુ પશુઓની જાતો મળીને કુલ 163 નસલો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અંતર્ગત રાષ્ટ્રીય પશુ આનુવશિંક સંશાધન બ્યુરો, (કરનાલ) દ્વારા અધિકૃત થયેલી છે. ગુજરાત રાજ્ય પશુધનની જૈવ વિવિધતાથી સમૃદ્ધ છે અને ભારતની પશુઓની કુલ નસ્લોમાં ગુજરાત પ્રથમ ક્રમે આવે છે. દેશમાં કુલ 163 પશુધન નસ્લોમાંથી 22 નસ્લો ગુજરાતમાં છે. ગુજરાતની કાંકરેજ અને ગીર ગાય સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.

સુત્રોએ જણાવ્યું કે, આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાતી સંશોધનનાં આયોજન અને પરિણામોની ચર્ચા અંગેની વર્ષ 2015-16ની વાર્ષિક બેઠકમાં સંશોધન નિયામક ડો. કે.બી. કથીરીયાની અધ્યક્ષતામાં ગાયની પર્વતીય ઓલાદ ‘ડગરી ગાય’ અંગે સંશોધન કાર્યવાહી કરવાનુ નક્કી થયું હતું. જે અતંર્ગત વર્ષ 2016-17માં આ ડગરી ગાયનું આનુવંશિક અને બાહ્ય લાક્ષણિક્તાનું પાત્રાલેખન આણંદ કૃષિ યુનિવર્સિટીની વેટરનરી કોલેજ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને આ ઓલાદ વિશેની એક બ્રિડ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી હતી.

દૂધ કરતાં આખલા માટે વધારે ઉપયોગ

ડો. ડી.એન. રાંકે જણાવ્યું કે, સામાન્ય રીતે ગાયનો ઉપયોગ લોકો દૂધ માટે કરતા હોય છે પણ આ આદિવાસી વિસ્તારોમાં લોકો આ ગાયને દૂધ માટે નહીં પણ તેનાં આખલા (બુલ) માટે પાળે છે અને આ આખલાથી બ્રિડીંગ પણ કરે છે અને ખેતીમાં પણ તેનો ઉપયોગ કરે છે. આ ગાયને એક અલગ ઓલાદ તરીકેની માન્યતા મળી ગયા પછી તેની જાળવણી અને તેની સુધારણા માટે પગલા ભરી શકાશે. અમે જોયુ છે કે, કેટલીક ગાયો દિવસનાં 4 લીટર દૂધ પણ આપે છે. વળી, આ નસ્લની શુદ્ધ ઓલાદ જળવાઇ રહે તે માટે પણ વૈજ્ઞાનિક ઢબે કામ કરી શકાય.
First published: May 10, 2019, 12:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading