Home /News /madhya-gujarat /

Say Cheese! અમૂલનું કરોડોનું 'ચીઝ' કૌભાંડ બહાર આવ્યું

Say Cheese! અમૂલનું કરોડોનું 'ચીઝ' કૌભાંડ બહાર આવ્યું

  સહકારી ક્ષેત્રના પાયા હચમચી જાય તેવા એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. 200 લીટર દૂધથી વેચાણની શરૂઆત કરનારા અમૂલ આજે 30 હજાર કરોડ કરતા પણ વધુનો બિઝનેસ કરે છે. પણ આ બિઝનેસ પાછળ એક એવી હકીકત છૂપાયેલી છે જે દૂધના સફેદ બિઝનેસ પર કાળા ડાઘ લગાવે છે. તાજેતરમાં અમૂલના ચેરમેનના રાજીનામા પાછળ એક મોટું કૌભાંડ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. કરોડો રૂપિયાના આ કૌભાંડમાં કેરળની એક કંપની પાસેથી બારોબરા ચીઝની ખરીદી કરવામાં આવી હતી. આ કૌભાંડની તપાસમાંથી બચવા માટે જ એમડીની રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું.

  આખરે શું છે આ કૌભાંડ?

  31મી માર્ચના રોજ ખેડા જિલ્લા સહકારી સંઘના મેનેજિંગ ડિરેક્ટર કે. રત્નમે રાજીનામું ધરી દીધું હતું. અચાનક રાજીનામાં પાછળ શું કારણ છે તેની ચર્ચા ખૂબ થઈ હતી. અનેક તર્ક વિતર્ક પણ થયા. સૌથી પહેલા ખેડા જિલ્લા દૂધ સહકારી ઉત્પાદન સંઘના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેમના પર કરોડોનાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આ જ કારણ હતું કે ભ્રષ્ટાચારની તપાસથી બચવા માટે કે રત્નમનું રાજીનાનું લઈ લેવામાં આવ્યું હતું.

  કે. રત્નમની ડિરેક્ટર તરીકે વરણી જ ખોટી

  ન્યૂઝ 18 ગુજરાતની તપાસમાં સામે આવ્યું કે, કે.રત્નમની ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકેની વરણી જ ખોટી રીતે થઈ હતી. તેમની પાસે કોઈ ઉચ્ચ ડિગ્રી ન હતી. એટલું જ નહીં તેઓ હોમ સાયન્સમાં ગ્રેજ્યુએટ હતા. આને કારણે તે સંઘના પેટા નિયમો અંતર્ગત ડિરેક્ટર પદ પર રહેવા માટે એકેય રીતે યોગ્ય ન હતા. MDનું પદ મેળવવા માટે એન્જિનિયર કે ટેક્નોલોજીસ્ટ જેવી ઉચ્ચ ડિગ્રી હોવી અનિવાર્ય છે. એટલું જ નહીં કે. રત્નમની નિમણૂક માટે સ્પેશિયલ કેસમાં પેટા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. કે. રત્નમની 2014માં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ હતી.

  મંજૂરી વગર થયા કામ

  2012 થી 2016 સુધીના ઓડિટ રિપોર્ટમાં એ વાતનો ઘટસ્ફોટ થયો છે કે અંદાજે 800 કરોડના કામ સરકારની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર થયા હતા. 2012માં ખેડા જિલ્લા સહકારી સંઘમાં ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. એ વખતે ચેરમેન પદ પર રામસિંહ પરમાર હતા. કહેવાય છે કે રામસિંહ પરમાર નહોતા ઈચ્છતા કે રાજ્ય સરકાર તેના કોઈ પ્રતિનિધિની નિમણૂક કરે. આ માટે તેઓ હાઈકોર્ટ પહોંચ્યા હતા.

  2014માં કે. રત્નમ મેનેજિંગ ડિરેક્ટર બનતા શરૂ થયું કૌભાંડ

  2014માં કે. રત્નમ મનેજિંગ ડિરેક્ટર બન્યા હતા. એમડી બન્યા બાદ તેમણે પહેલું કામ કેરળની મિલ્કી મિક્સ કંપનીને ચીઝ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. અંદાજે 8700 મેટ્રિક ટન ચીઝની ખરીદી કરવામાં આવી હતી. અંદાજ પ્રમાણે રત્નમે તેના ત્રણ વર્ષના કાર્યકાળમાં રૂ. 265 કરોડની ચીઝની ખરીદી આ કંપની પાસેથી કરી. અહીં સવાલ એ ઉભો થાય છે કે અમૂલ પાસે ખુદનો 1200 મેટ્રિક ટનનો પ્લાન્ટ હોવા છતાં બીજી કંપની પાસેથી ચીઝની ખરીદી શા માટે કરવામાં આવી? અમૂલ ખાત્રજ ખાતે આવેલા તેના પ્લાન્ટમાં 600 થી 700 કિલો ચીઝનું ઉત્પાદન કરે છે. કે. રત્નમે આ કંપની પાસેથી ચીઝની ખરીદી કરી એટલું જ નહીં પરંતુ તેણે ચીઝને ફોર્મ્યુલા પણ ખાનગી કંપનીને આપી દીધી હતી.

  કો-ઓપરેટિવ સંસ્થાઓ પાસેથી ખરીદવાનું હોય છે ચીઝ

  જો કોઈ ખાસ કેસમાં અમૂલને વધુ ચીઝની જરૂર પડે તો તેણે સૌપ્રથમ કો-ઓપરેટીવ સંસ્થાઓ પાસેથી તે ખરીદવાનું હોય છે. પરંતુ આ કેસમાં આવું થયું ન હતું. છેલ્લા દોઢ બે વર્ષથી સંઘથી સંલગ્ન બનાસ અને સાબર ડેરીમાં પણ ચીઝનું ઉત્પાદન થઈ રહ્યું છે, છતાં ખાનગી કંપનીઓ પાસેથી કેમ ચીઝ ખરીદાયું તે એક પ્રશ્ન છે. બીજી નવાઇ પમાડે તેવી વાત એ હતી કે આ ચીઝ ખરીદી માટે કોઈ જ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ન હતું. બારોબાર જ કેરળની મિલ્કી મિક્સ કંપનીને ચીઝનો ઓર્ડર આપી દેવાયો હતો. એટલું જ નહીં ચેડાર ચીઝ ખરીદવા માટે આ કંપનીને બજાર કરતા પ્રતિ કિલોએ રૂ. 40થી 50 વધારે ચુકવાયા હતા.

  ચીઝ જ નહીં ચોકલેટ પ્લાન્ટનું પણ મોટું કૌભાંડ

  અમૂલ માટે ગુજરાત રાજ્ય સહકારી મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સ્વતંત્ર રૂપથી દેશભરમાં કાર્ય કરે છે. જેના તાબા હેઠળ 16 જેટલા જિલ્લા સહકારી દૂધ સંઘો આવે છે. આ સંઘ તેના 6 લાખ સભાસદોનો બનેલો છે. આ સંઘમાં ચીઝ બાદ ચોકલેટનું પણ એક કૌભાંડ સામે આવ્યું છે. મોગર ખાતે અગાઉથી ચોકલેટનો પ્લાન્ટ હતો. પરંતુ ખેડા જિલ્લા સહકારી સંઘના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ચોકલેટ પ્લાન્ટના નવીનીકરણ માટે રૂ. 50 કરોડ મંજૂર કર્યા હતા. જેનું કામ 2016માં શરૂ થયું હતું. કહેવાય છે કે આ પ્લાન્ટ પર અત્યારસુધીમાં 185 કરોડ રૂપિયા ખર્ચાઈ ચુક્યા છે. કરોડોના ખર્ચ પાછળ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કોઈ મંજૂરી પણ લેવામાં આવી નથી.

  શું છે અમૂલનો ઇતિહાસ?

  72 વર્ષ પહેલા આણંદ જિલ્લાના ત્રિભુવન કશીભાઈ પટેલે અમૂલનો પાયો નાંખ્યો હતો. એ વખતે તેમનો ઉદ્દેશ ખેડૂતોના હિતનો હતો. જોકે આ વાત અલગ છે કે 72 વર્ષ બાદ હવે હિતના બદલે અહિત થયું છે. જોકે, આ માટે અનેક લોકો જવાબદાર છે.

  સફેદ ચીઝ પાછળ તમારા કાળા ધંધા ન હોય તો સામે આવવું જોઈએ. અને જો કૌભાંડ થયું હોય તો કૌભાંડીને સજા કરવી જોઈએ. આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ થવી જોઈએ. -કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી


  અમૂલ એ એક સહકાર શિરોમણી સંસ્થા છે પરંતુ ભાજપના હાથમાં આવ્યા પછી અહીં પણ ભ્રષ્ટાચાર વધ્યો છે. કે. રત્નમ નામના એમડી સહિતના લોકોની સહભાગીમાં પોતાના સગાને ત્યાંથી કરોડો રૂપિયાનું ચીઝ મગાવ્યું અને
  આ મામલે ભારે મોટું કૌભાંડ થયું છે. આ મુદ્દે સરકાર પણ ચૂપ છે. ભાજપ દ્વારા આ સફેદ દૂધના બીઝનેસને કાળો કારોબાર કરી મૂક્યો છે. આ મુદ્દે તપાસ થવી જોઈએ. - વીરજી ઠુંમર, ધારાસભ્ય, લાઠી/બાબરા


  સ્ટોરીઃ ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Cheese, અમૂલ, કૌંભાંડ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन