આણંદ : ભરતસિંહ સોલંકી અને ભાજપ બંને માટે ખરાખરીનો જંગ!

News18 Gujarati
Updated: April 4, 2019, 3:12 PM IST
આણંદ : ભરતસિંહ સોલંકી અને ભાજપ બંને માટે ખરાખરીનો જંગ!
ભરતસિંહ સોલંકી, મિતેષ પટેલ

ભાજપના મોવડી મંડળે આણંદ બેઠક માટે મિતેશભાઈ આર.પટેલ (બકાભાઈ)ના નામની જાહેરાત કરતા આણંદ જિલ્લામાં ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસનાં ભરતસિંહ સોલંકી અને ભાજપનાં મિતેષ પટેલ વચ્ચે જંગ જામશે. આ બેઠક પર ભાજપે નો-રિપીટ થિયરી અપનાવીને ઉદ્યોગપતિ મિતેશ પટેલને ટિકિટ આપીને દિલીપ પટેલનું પત્તું કાપી નાખતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આણંદ તાલુકાના વાસદ ગામના વતની મિતેશભાઈ પટેલ ઉદ્યોગપતિ છે અને કેટલાક વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે. જોકે તેમણે અત્યાર સુધી વિધાનસભા કે લોકસભાની એકપણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી નથી. કોંગ્રેસના મજબૂત ઉમેદવાર એવા ભરતસિંહ સામે ભાજપે જાહેર કરેલા નવા નિશાળીયા ગણાતા ઉદ્યોગપતિ મિતેશ પટેલ (બકાભાઈ) કેટલી ટક્કર આપશે તે આવનારો સમય જ બતાવશે.

ભાજપના મોવડી મંડળે આણંદ બેઠક માટે મિતેશભાઈ આર.પટેલ (બકાભાઈ)ના નામની જાહેરાત કરતા આણંદ જિલ્લામાં ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે. એક તરફ મિતેશભાઈ આર.પટેલનું નામ જાહેર થતાં જ કેટલાક ભાજપી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે કેટલાક ભાજપી કાર્યકરોમાં આંતરિક અસંતોષ પણ વ્યાપ્યો હતો. જેની અસર મતદાન ઉપર પણ થવાની શક્યતા નકારી શકાય નહી. અત્રે ઉલ્લેખનીય છે કે દિલીપ મણીભાઈ પટેલ અગાઉ ૧૯૯૫, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૧૨માં ભાજપ તરફ થી આણંદ વિધાનસભાની ચૂંટણી લડયા હતા. જેમાં તેમનો વિજય થયો હતો. આ સાથે આણંદ લોકસભાની બેઠક ઉપર વર્ષ ૨૦૧૪માં તેઓએ કોંગ્રેસના પીઢ નેતા ભરતસિંહ સોલંકીને ૬૩ હજાર ઉપરાંત મતોથી માત આપી હોવા છતાં વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તેઓના નામની અવગણના થતા નવા જૂનીના એંધાણ સર્જાયા છે.

આ પણ વાંચો : રાજકોટ : જે લેઉવા પાટીદારોની મીઠપ મેળવશે એ કડવો પાટીદાર જીતશે!

ન્યૂઝ18 ક્રિએટિવ


ઉલ્લેખનીય છે કે, આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસનો વર્ષોથી દબદબો રહ્યો છે. આણંદ લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા બેઠક પૈકી 5 પર કોંગ્રેસનાં ધારાસભ્યો ચૂંટાયેલા છે જ્યારે બે પર ભાજપનાં; સાથે સાથે જિલ્લા પંચાયત પણ કોંગ્રેસ પાસે છે અને 8માંથી 6 તાલુકા પંચાયત પણ કોંગ્રેસ પાસે છે. આમ જો 2017ની ચૂંટણીનાં પરિણામ જોવા જઈએ તો કોંગ્રેસનું પલડું ભારે છે. ભરતસિંહ સોલંકી જૂનો ચહેરો છે બીજી તરફ ભાજપ પાસે નવો ચહેરો છે.

આ પણ વાંચો : કચ્છ : સૌથી મોટી લોકસભા બેઠક, 1991 બાદ આ બેઠક પર BJPનો કબજો!શું છે મુખ્ય સમસ્યાઓ?

1995માં ખેડા જિલ્લાથી અલગ થઇ નવો જિલ્લો બન્યા છતાં આણંદ જિલ્લો હજુ પણ સરકારી હોસ્પિટલથી વંચિત છે. આરોગ્યવિષયક સેવાઓ, રસ્તા, સફાઈ, ઉદ્યોગોને લગતા પ્રશ્નો તથા સિંચાઈને લગતી સમસ્યાઓ અહીંની મુખ્ય સમસ્યાઓ છે.

જાતિગત સમીકરણો:

આણંદ બેઠક પર છેલ્લા પાંચ વર્ષમા 1.79 લાખ મતદારોનો વધારો થતા હાલ 16.52 લાખ મતદારો નોંધાયા છે. અહીં ક્ષત્રિય, પટેલ, સહિત ઇતર જ્ઞાતિનાં મતદારો છે તેમજ કેટલીક વિધાનસભામાં મુસ્લિમ મતદારોની મહત્વની ભુમિકા રહે છે. 2014ની લોકસભાની ચુંટણીમાં અલગ માહોલ હતો જેને કારણે પાટીદાર ઉમેદવારોનો વિજય થયો હતો, પરંતુ અત્યાર સુધીની ચુંટણીઓમાં જોઈએ તો ત્રણ વખત જ આ બેઠક પર પાટીદાર નેતાઓ વિજય બન્યા છે. જ્યારે 13 વખત ક્ષત્રિય જ્ઞાતિનાં ઉમેદવારો વિજય બન્યા છે. આ વખતે પણ ભાજપે પાટીદાર ચહેરો મેદાનમાં ઉતાર્યો છે.

વર્તમાન સાંસદનું રિપોર્ટ કાર્ડ:

દિલીપ પટેલનો વિવાદિત ઇતિહાસ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ ક્ષેત્રના વિકાસ માટેની ઉદાસીનતા લોકોને ખૂંચી રહી છે.

કોની વચ્ચે છે જંગ?

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી અને ભાજપના ઉદ્યોગપતિ પાટીદાર નેતા મિતેષ પટેલ ઉર્ફ બકાભાઈ વચ્ચે આ રાજકીય લડાઈ જામશે.

અનુમાન:

દિલીપ પટેલના સમર્થકોની નારાજગી વચ્ચે જો કોંગ્રેસ ક્ષત્રિય મતદારોને એકજુથ કરી શકવામાં સફળ રહે તો આ બેઠક ઉપર કોંગ્રેસને ફાયદો થઇ શકે તેમ છે. જો કે 10 એપ્રિલે આ સમીકરણોને લઈને જ વડાપ્રધાન મોદી અહીંના વલ્લભ વિદ્યાનગર ખાતેથી ચૂંટણી સભાને સંબોધવાના છે, જે બાબત ઘણી સૂચક છે.
First published: April 4, 2019, 2:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading