અમદાવાદ : અગિયાર દિવસના જેલવાસ બાદ મુક્ત થયેલા યુવરાજસિંહ જાડેજા (yuvrajsinh jadeja) મીડિયા સમક્ષ આવ્યા છે. યુવા નેતા યુવરાજસિંહે લાખો યુવાઓને સંગઠિત થવાનું આહવાન કર્યું છે. તેઓએ યુવાઓને સંબોધતા કહ્યું કે, મારા અગિયાર દિવસના જેલવાસ અને ગુજરાતના વિધાર્થીઓ (Gujarat Student leader) ના અત્યાર સુધીનાં સંઘર્ષ અને પરીણામોના આધાર પર, ગુજરાતના બેરોજગાર યુવાનો (Gujarat Unemployed Youth) ના મંતવ્યોથી ગુજરાતના યુવાનોના હક્ક, અધિકાર અને ન્યાય માટે લડવા યુવાનોના નવા સંગઠન “યુવા નવનિર્માણ સેના” (Yuva Navnirman Sena) બનાવવાનું હું આહવાન કરું છું. સાથે યુવાઓના પ્રશ્નોને વાચા આપવા ચુંટણી લડવાની તૈયારી છે જે માટે તેઓએ કહ્યું કે છેલ્લો નિર્ણય મારો રહેશે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા 11 દિવસથી જેલમાં બંધ હતા
સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં લોકપ્રિય એવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાબરમતી જેલમાં બંધ હતા. ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના સમર્થનમાં યુવરાજસિંહ પહોચ્યા હતા. વિરોધ વધુ ઉગ્ર બને તેવી સંભાવનાને પગલે યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી બાદમાં તેમની ધરપકડ થઈ હતી. હવે અગિયાર દિવસ ના જેલવાસ બાદ યુવરાજસિંહ જામીન પર મુક્ત થયા છે. જેલમાંથી આવ્યા બાદ મીડિયાના માધ્યમથી લાખો યુવાઓને સંબોધન કર્યું.
યુવાનો માટે નવું સંગઠન બનાવવાનું કર્યું આહવાન
યુવરાજસિંહે ગુજરાતના યુવાનોના હક્ક, અધિકાર અને ન્યાય માટે લડવા યુવાનોનું નવું સંગઠન “યુવા નવનિર્માણ સેના” બનાવવાનું આહવાન કર્યું. યુવા નવનિર્માણ સેના રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષા પર શિક્ષિત યુવાનોના હક, અધિકાર અને ન્યાય માટે બિનરાજકીય લડત આપતા સંગઠન તરીકે કામ કરશે. દરેક સમાજના યુવાનો એક મંચ પર રહી રાષ્ટ્રહિતમાં ભારતને સાચા અર્થમાં વિશ્વગુરુ બનાવવા એક પણ યુવાન શિક્ષા પ્રાપ્તિ વગર રહી ન જાય અને શિક્ષિત બેરોજગાર યુવાનોને પોતાના હક્કની નોકરી મળે તે માટે આ સંગઠન કાર્ય કરશે.
સંગઠન આ રીતે કરશે કામ
આ સંગઠન પહેલા વિનંતીથી કોઇ પણ સરકાર સમક્ષ પોતાની રજુઆત કરશે ત્યારબાદ આવેદન પત્ર આપી પોતાનો હક માંગશે અને તેમ છતાં પણ જો કોઈ પરીણામ નહી મળે તો વિરોધ પ્રદર્શન કરીને પણ શિક્ષિત યુવાનોનો અવાજ બની ન્યાય અપાવશે.
તેમણે એમ પણ ઉમેર્યુ કે, અમારું સંગઠન બીન રાજકીય સંગઠન હશે અને તમામ રાજકીય પક્ષોને સાથે રાખી કામ કરીશુ. સાથે તેઓએ ચૂંટણી જંગમાં જંપલાવવાનો ઈશારો પણ કર્યો. યુવાઓના પ્રશ્નોને વાચા આપવા ચુંટણી લડવા તૈયારી છે જે માટે તેઓએ કહ્યું કે છેલ્લો નિર્ણય મારો રહેશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર