અમદાવાદ : શહેરના (Ahmedabad)ઓઢવ વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સગીરાને (Sagira)બાથમાં ભીડવાની કોશિશ કરી હતી. સગીરા ગભરાઈને ઘરે ભાગી આવતા આરોપી તેનો પીછો કરીને ઘરે આવ્યો અને બીભત્સ ગાળો બોલીનેને સગીરાના માતા પિતા સાથે મારામારી પણ કરી હતી. આ બાબતની જાણ પોલીસને (Ahmedabad Police)કરતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતી એક મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં (Odhav Police Station)પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે 10મી એપ્રિલે મોડી સાંજે તે ઘરે હાજર હતાં. તે દરમિયાન તેની સગીર વયની દીકરી સોસાયટીની બહાર આવેલ દુકાનમાં આઇસ્ક્રીમ લેવા માટે ગઈ હતી. જ્યારે સગીરા આઇસ્ક્રીમ લઈને ઘરે પહોંચી ત્યારે સોસાયટીમાં જ રહેતો એક યુવક તેની પાછળ પાછળ ઘરે આવી પહોંચ્યો હતો. જેથી ફરિયાદીએ તેને ઘરમાં કેમ આવેલ છે તેવું કહેતાં જ આરોપી યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી મહિલાને બિભત્સ ગાળો બોલી એક લાફો મારી દીધો હતો. ત્યારબાદ તેની દીકરીને પણ લાફો મારીને આરોપી ઘરની બહાર નીકળી ગયો હતો.
આ દરમિયાન સગીરાના પિતા પણ ત્યાં આવી પહોંચતા આરોપીએ તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. આરોપીનો ભાઈ તેમજ તેનો મિત્ર પણ ત્યાં આવ્યો હતો. બાદમાં આ ત્રણેય જણાએ ભેગા થઇને સગીરાના પિતાને ગડદાપાટુનો માર માર્યો હતો. જોકે પોલીસને જાણ કરતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. સગીરા જ્યારે આઈસ્ક્રીમ લેવા માટે ગઈ હતી ત્યારે તેની સામે આવીને આરોપીએ એકદમ જ તેને બાથમાં લેવા માટેની કોશિશ કરી હતી. પરંતુ સગીરા ગભરાઈને ઘરે ભાગી આવી હતી.
વાડજ - આરોપી રસ્તો રોકી જાતીય માંગણીઓ કરે છે
શહેરના વાડજ વિસ્તારમાં પણ છેડતીની ઘટના સામે આવી છે. 21 વર્ષીય યુવતી સીજી રોડ પર ઇમ્પોર્ટ એક્સપોર્ટ કંપનીમાં નોકરી કરે છે. આ યુવતી જ્યારે જ્યારે ઘરેથી કોઈ કામ માટે નીકળે કે નોકરીએ જવા નીકળે ત્યારે એક યુવક તેનો પીછો કરે છે. તેની સામે આવીને ઉભો રહી રસ્તો રોકતો હતો. આ યુવક અન્ય કોઈ નહિ પણ આ જ વિસ્તારમાં રહેતો ઋષભ ઉર્ફે કબૂતર ગોસ્વામી છે. આ યુવક યુવતી પાસે જાતીય માંગણીઓ કરી તેની છેડતી કરે અને યુવતી આ પ્રકારની હેરાન ગતિ ન કરવા કહે તો મરી જવાની ધમકી આપી યુવતી અને તેના માતા પિતાનું નામ લખી આપઘાત કરવાની ધમકી આપતો હતો. સમગ્ર બાબતે યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આરોપી રોમિયો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર