અમદાવાદ : મારે તારી સાથે લગ્ન કરવા છે, એટલે તું મારી સાથે વાત કર. જોકે યુવતીએ લગ્ન કરવાની અને વાત કરવાની ના પડી દેતાં પ્રેમમાં (Love)પાગલ યુવકે યુવતીને પરેશાન કરવાનુ શરૂ કર્યું અને ધમકી આપી કે તું મારી સામે પોલીસ ફરિયાદ (Police complaint) કરવા જઈશ તો હું તારી સાથે ગોતામાં (Gota)થયું હતું તેવું કરીશ. અંતે યુવતીએ કંટાળીને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
અમદાવાદના (Ahmedabad) ગોતા વિસ્તારમાં રહેતી એક યુવતીને ઘરે દૂધ આપવા માટે આવતા યુવકની વર્તણુક શંકાસ્પદ લગતા યુવતીએ દૂધનો વારો બંધ કરાવી દીધો હતો. જોકે યુવતીનો મોબાઈલ નંબર આરોપી યુવક પાસે હોવાથી તેણે યુવતીને ફોન કરીને કહ્યું હતું કે મારે તારી સાથે લગ્ન કરવા છે, એટલે તું મારી સાથે વાત કર. જોકે યુવતીએ લગ્ન કરવાની અને વાત કરવાની ના પાડીને ફોન કે મેસેજ નહીં કરવા માટે જણાવ્યું હતું. છતાં પણ આરોપી વારંવાર ફોન અને મેસેજ કરતો હતો. જેથી યુવતીએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો.
આ પછી યુવતી જ્યારે પણ ઓફિસે જાય ત્યારે આરોપી તેનો પીછો કરતો અને નંબર અનબ્લોક કરવા માટે કહેતો હતો. એટલું જ નહીં યુવતીએ નંબર અનબ્લોક ના કરતા ધમકી આપી હતી કે તું મારી નહીં થાય તો તને કોઈની નહીં થવા દઉં. કોરોના કાળ દરમિયાન ગોતામાં એક પ્રેમી યુવકે યુવતીની માતાને છરી મારી હતી. તેનો દાખલો આપીને કહેતો હતો કે તું મારી સામે પોલીસ ફરિયાદ કરવા જઈશ તો હું તારી સાથે ગોતામાં થયું હતું તેવું કરીશ. જો તું મારી સાથે વાત નહીં કરે તો હું આત્મહત્યા (suicide) કરીશ.
જો કે યુવતીએ આ બાબતે સોલા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા આરોપીએ યુવતીને હેરાન નહીં કરવાની ખાતરી આપતા યુવતીએ પોલીસ ફરિયાદ કરી ન હતી. પરંતુ 17 મી તારીખે ફરીથી આરોપી યુવક યુવતીની ઓફિસ નીચે ઊભો રહીને યુવતી ઘરે જઈ રહી હતી ત્યારે તેનો પીછો કર્યો હતો. જેથી કંટાળીને યુવતીએ આરોપી યુવક સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.