અમદાવાદઃ ગુજરાત (Gujarat) રાજ્યમાં સૌથી વધુ કોરોના (coronavirus) કેસ અમદાવાદ (Ahmedabad) ધરાવે છે. અમદાવાદના 48 વોર્ડમાં કયા વિસ્તારમાં કઈ સોસાયટીમાં કેસ આવ્યા છે તે જાણવા દરરોજ અમદાવાદીઓ ઉત્સુક હોય છે પરંતુ છેલ્લાં 17 મેથી કોઈપણ માહિતી મળતી નથી. કોરોના વાયરસના કેસ હજુ પણ બેકાબુ છે એવામાં કોર્પોરેશન (AMC) દ્રારા ટેસ્ટિંગના આંકડાઓ આપવામાં આવતાં હતા તે પણ હવે બંધ કરી દેવામાં આવ્યા છે. આ અંગે કોંગ્રેસના નેતા અહેમદ પટેલ દ્રારા પણ રાજ્યમાં ટેસ્ટીંગમાં ઉત્તરોત્તર ઘટાડા મુદ્દે સવાલ ઉભા કરવામાં આવ્યા હતા. બરોબર એ જ દિવસથી યાદી બંધ થઈ જતાં સરકાર સામે સવાલો ઉભા સ્વાભાવિક છે.
AMC એ 16 મે થી કોરોના દર્દીઓની યાદી આપવાની બંધ કરી
અમદાવાદમાં કોરોના વાયરસના કેસ આજે 8808 જેટલાં નોંધાયા છે. દેશમાં સૌથી વધુ કેસ ધરાવતા શહેરોમાં અમદાવાદ ટોચના સ્થાને છે ત્યારે નાગરિકોને આસપાસનાં કોરોના પોઝિટિવ કેસની જાણકારી મળી રહે તે માટે કૉર્પોરેશન દ્વારા અધિકારિક રીતે યાદી જાહેર કરવામાં આવતી હતી. કૉર્પોરેશન દ્વારા દરરોજ જાહેર કરવામાં આવતી યાદી મીડિયાને પણ આપવામાં આવતી હતી. જોકે હવે AMC દ્વારા આપવામાં આવતી આ યાદી આપવાની બંધ કરી દેવામાં આવી છે. 16મી મેનાં દિવસથી જ કૉર્પોરેશને આ યાદી આપવાની બંધ કરી દીધી છે. AMC એ આવો નિર્ણય કેમ લીધો છે તેના પર કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
શું ટેસ્ટિંગના આંકડા પાછળની માયાજાળ કોને મહેરબાન ?
16મી મેના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગમાં આવતા સતત ઘટાડા મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ સીએમ વિજય રૂપાણી અને અહેમદ પટેલ વચ્ચે ટ્વીટર વોર છેડાઈ ગયું હતું. આંકડાંઓની રમતમાં પટેલ અને રૂપાણીએ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતા. કોંગ્રેસે આંકડાંઓ સાથે દાવો કર્યો કે ગુજરાતમાં ટેસ્ટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તે જ દિવસે સીએમ અને AMC કમિશનર વચ્ચે વીડિયો કોન્ફરન્સ દ્રારા બેઠક યોજાઈ હતી અને તે જ દિવસથી આ યાદી આવવાની પણ બંધ થઇ ગઈ તેવું માનવામાં આવી રહ્યું છે.
હવે પ્રેસ રીલીઝમાં મર્યાદિત માહિતી
પુર્વ અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાના કાર્યકાળ દરમિયાન AMC દ્વારા દરરોજ સવાર સાંજ એક પ્રેસ રીલીઝ બહાર પાડવામાં આવતી હતી, એક સવારે અને એક સાંજે. કુલ ત્રણ પેજની આ પ્રેસ રીલીઝમાં બીજા પેજ પર શહેરમાં સાજા થયેલા કોરોના દર્દી અને લેબ ટેસ્ટની સંખ્યાના આંકડાં આપવામાં આવતા હતાં. હવે આ આંકડાંઓના કારણે જો કોઈ પણ વ્યક્તિ દરરોજ ધ્યાન રાખે તો ખૂબ સરળતા ટેસ્ટિંગની સંખ્યા ગણી શકે છે અને આંકડાંઓની સરખામણી પણ કરી શકે. આ સિવાય આ પ્રેસ રીલીઝમાં કેટેગરી મુજબ પોઝિટિવ કેસ, એક્ટિવ કેસ, હોસ્પિટલ સુવિધાની માહિતી પણ આપવામાં આવતી હતી. જે હવે માત્ર એક પેજમાં ટૂંકાવીને મર્યાદિત માહિતી સાથે આપવામાં આવે છે.
ટેસ્ટિંગના આંકડાંઓ AMC છુપાઈ રહ્યા હોવાની ચર્ચા
17મી મેના રોજ આ પ્રેસ રીલીઝ પણ આપવામાં ન આવી. અને 18મી મેના રોજ જે યાદી આપવામાં આવી તેમાં ટેસ્ટિંગ ડેટા, વોર્ડવાઈઝ ડેટા સહીત કોઈ પણ માહિતી મીડિયાને આપવામાં આવી નહીં. આટલું જ નહીં અમદાવાદા મહાનગરપાલિકાની વેબસાઈટ પર પણ હવે આ ટેસ્ટની કોઈ જ જાણકારી આપવામાં આવતી નથી. વેબસાઈટ વર્તમાનમાં 16મી મેના રોજ અપડેટ કરવામાં આવેલ આંકડાંઓ જ દર્શાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ચર્ચાનો માહોલ બન્યો છે કે AMC ટેસ્ટિંગ અને અન્ય માહિતી નથી આપતું તેની પાછળ કોનો ઈશારો જવાબદાર છે.