અમદાવાદ : ચોરી અને અન્ય ગુનાઓમાં પાસા કાપીને બહાર આવેલા આરોપીએ પૂર્વ પત્નીની યાદ આવતા જ તેને ફોન કર્યો હતો. જોકે પત્નીએ વાત ન કરવાનું કહેતા તે પહેલા પ્રેમભરી વાત કરવા લાગ્યો હતો અને તારી સાથે સંબંધ રાખવા માગું છું તેમ છતાં તું મારી વાતચીત કરતી નથી" તેવું કહ્યું હતું. છતાંય મહિલાએ વાત કરવાની મનાઈ કરતા આ શખ્સ આવેશમાં આવી ગયો અને મારી નાખવાની ધમકી આપી હતી.
શહેરના નરોડામાં રહેતી 33 વર્ષીય મહિલાએ તેના પૂર્વ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલા હાલ તેના 15 વર્ષના દીકરા સાથે છેલ્લા ચાર-પાંચ મહિનાથી રહે છે અને એક લોન કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. આ મહિલાના પતિ જે નિકોલ ખાતે રહે છે તેની સાથે એક દોઢ વર્ષ પહેલા છુટાછેડા લીધા હતા અને ત્યારથી જ આ મહિલા તેના દીકરા સાથે અલગ રહે છે.
આ મહિલાનો પતિ ચોરી તથા અન્ય ગુનાના કારણે પાસાની સજા જેલમાં ભોગવી રહ્યો હતો અને ત્રણ માર્ચના રોજ તે જેલમાંથી છૂટી ગયો હતો. બાદમાં પાંચમી માર્ચના રોજ રાત્રે આ મહિલા તેના ઘરે હાજર હતી ત્યારે તેના પૂર્વ પતિએ તેને ફોન કર્યો હતો અને જણાવ્યું કે તે પાસા માંથી છૂટી ગયો છે. બાદમાં "તું કેમ ફોન કરતી નથી હું તારી સાથે સંબંધ રાખવા માગું છું તેમ છતાં તું મારી સાથે વાતચીત કરતી નથી, મેં તારા નામ પર જે લોન લીધી છે તે પૈસા તને પાછા આપી દઇશ" જેવી વાતો તેનો પૂર્વ પતિ કરવા લાગ્યો હતો.
ત્યારે મહિલાએ તેના પૂર્વ પતિને જણાવ્યું કે મારે તમારી સાથે કોઈ સંબંધ રાખવો નથી અને તમારે પૈસા આપવા હોય તો મારા ખાતામાં નાખી દેજો હું તમારી સાથે કોઈ વાત કરવા માગતી નથી. તેમ કહેતા મહિલાના પૂર્વ પતિએ તેને ફોન ઉપર બિભત્સ ગાળો આપી હતી અને ધમકીઓ આપી હતી. મહિલાના પૂર્વ પતિએ તેને ધમકી આપી કે જો મારી સાથે સંબંધ નહીં રાખે તો રસ્તામાં ગમે ત્યાં મળીશ ત્યારે તને જાનથી મારી નાખીશ. જેથી મહિલાએ ફોન કાપી નાખ્યો હતો. બાદમાં પણ અવારનવાર ફોન કરી તેનો પૂર્વ પતિ તેના ગંદી ગાળો આપીને મારી નાખવાની ધમકી આપતો હતો.
ત્રણ ચાર દિવસ પહેલા આ મહિલા નરોડા પાસેથી પસાર થતી હતી તે વખતે તેનો પૂર્વ પતિ તેના મળ્યો હતો અને બિભત્સ શબ્દો બોલી તેને મારી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો. બાદમાં પણ આ મહિલાને રાતમાં અલગ અલગ નંબર પરથી મેસેજ કરીને ગાળો આપતા હતો. આખરે આ મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર