અમદાવાદ : વટવામાં પ્રેમીને કિંમતી વસ્તુઓની ભેટ આપવા (Ahmedabad Crime News) માટે પરિણીતાએ ઘરમાંથી ચોરી કરવાનો મામલો સામે આવ્યો છે. પતિએ ચોરીની ફરિયાદ નોંધાવતા પત્નીનો ભાંડો ફૂટ્યો હતો. 8 લાખ રૂપિયાની ચોરી કેસની તપાસમાં વળાંક આવતા પોલીસે બે મહિલાની ધરપકડ કરીને ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
22 જુલાઈના રોજ નિગમ રોડ પાસે આવેલા રાજપથ બંગલોઝમાં ચોરી થઈ છે તેવો કોલ પોલીસ કન્ટ્રોલ રૂમને મળ્યો હતો. જેના આધારે વટવા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શર કરી હતી. શરૂઆતથી જ પોલીસને પ્રબળ શકયતા હતી જ કે ઘરની જ કોઈ વ્યક્તિ આ ચોરીમાં સંડોવાયેલી છે પરંતુ પોલીસ માત્ર યોગ્ય અને સાયન્ટિફિક પુરાવાઓની રાહ જોઈ રહી હતી. વટવા પોલીસને એ તમામ પુરાવાઓ મળી ગયા હતા. ચોરીમાં ફરિયાદીની પત્નીના ફિગરપ્રિન્ટ મળી આવતા તેની પૂછપરછમા ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ચોરીમા ઘરની વહુ એટલે કે ફરિયાદીની પત્ની જ આરોપી છે તેવું પુરવાર કર્યું હતું. સાથે તેની મદદગારીમાં જે મહિલા સામેલ હતી તે પણ બીજુ કોઈ નહીં પણ મહિલા આરોપી રિદ્ધિની ફોઈ સાસુ રોહિણી નીકળી હતી, જેથી પોલીસે બન્નેની ધરપકડ કરી છે.
તપાસમાં ખુલ્યુ કે ફરિયાદીની પત્નીએ પોતાના બોયફ્રેન્ડને મોંઘો આઈફોન ગિફ્ટ આપવા માટે ચોરી કરી હતી. બોટાદના યુવક સાથે પ્રેમ સંબંધ થયા બાદ રિદ્ધિ તેને ગિફ્ટ આપતી હતી. ફોઈ સાસુનો પ્રેમી પણ દેવાદાર થતા ફોઈને આર્થિક મદદ કરવા માટે ચોરીને અંજામ આપ્યો હતો. જેમા તેણે પણ ચોરીમાં મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે પોતાના જ ઘરમાં આ રીતે ચોરી કરવી તેને લઈને હાલ બન્ને મહિલાઓનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
સમગ્ર ચોરી કેસમાં વટવા પોલીસે સમગ્ર મુદ્દામાલ રિકવર કરી લીધો છે. આરોપી મહિલાને જેની સાથે પ્રેમ સંબંધ હતા તે પુરુષ બોટાદ ખાતે રહે છે. તેને પણ પૂછપરછ માટે વટવા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો છે. આ ચોરી કેસમા તેના પ્રેમીની ભુમિકા સામે આવશે તો પોલીસ તેની પણ ધરપકડ કરીને વધુ તપાસ કરશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર