અમદાવાદ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝ ( WHO) દ્વારા સમગ્ર વિશ્વ કોવિડ -19 મેનેજમેન્ટ માટે અપનાવવામાં આવી રહેલી શ્રેષ્ઠ પદ્ધતિઓની ઓળખ કરવાની કામગીરી ચાલી રહેલ છે. તેના ભાગ રૂપે અમદાવાદ મોડલ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન અધિક સચિવ ડો રાજીવ કુમાર ગૃપ્તા તેમજ એએમસી કમિશનર મુકેશ કુમાર દ્વારા વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથનને વીડિયો કોન્ફરન્સ દ્વારા આપવામાં આવ્યું હતુ.
ડૉ.સ્વામીનાથને જણાવ્યું હતું કે વિવિધ પગલાઓ જેવા કે ધન્વતંરી રથ, 104 સેવા, કોરોના ઘર સેવા, સંજીવની વાન તેમજ ખાનગી હોસ્પિટલોની ભાગીદારીએ ખુબ જ ઉપયોગી અને પ્રોત્સાહક અનુભવો રહ્યા છે. જે અન્ય શહેરોમાં પણ અપનાવી શકાય તેવા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ટુંક સમયમાં જ અમદાવાદ મોડલ વિશે ભારતના તથા વિશ્વના અન્ય શહેરોને જાણકારી પુરી પાડવા તેમજ કોવિડ મેનેજમેન્ટ અંગેની શ્રેષ્ઠ કામગીરી / પદ્ધતિઓનો અભ્યાસ કરવા એક પ્લેટફોર્મ પુરુ પાડવામા આવનાર છે.
આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના નવા 1153 કેસ નોંધાયા, 24 કલાકમાં 833 દર્દીઓ સાજા થયા
આરોગ્ય સેતુ એપ દ્વારા પુરી પાડવામાં આવતી માહિતીનો ઉપયોગ કરીને તેના આધારે અમદાવાદ શહેરમાં સર્વેલન્સ અને ટેસ્ટીંગ માટે અપનાવેલ પદ્ધતિની ડો સ્વામીનાથને વિશેષ સરાહના કરી છે. તેમણે આ ટેકનોલોજીને ખુબ જ ઉપયોગી હોવાની સાથે તેના માટે ખુબ ઉચ્ચ કક્ષાની માનવીય સર્મપિતતા જરૂરી હોવાનું જણાવ્યું છે. યુ કે , જર્મની જેવા અન્ય દેશોમાં કરવામાં આવે છે તે મુજબ વિદ્યાર્થીઓ તથા ગ્રેજ્યુએટ યુવા વર્ગની કોન્ટેક્ટ ટ્રેસર તરીકેની એક મોટી ફોજ ઉભી કરવા ઉપર પણ તેમણે ભાર મુક્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતમાં અને સમગ્ર વિશ્વમાં અનુભવોના આદાન પ્રદાન થકી આ વિષયમાં વધુ જાણકારી મેળવાના જરૂરિયાત અંગે પણ નિર્દેશ કરવામાં આવ્યો છે.
Published by:Ashish Goyal
First published:July 31, 2020, 21:38 pm