'મને સપનામાં ઢબુડી જેવી ઢીંગલી આવી હતી,' પોલીસ પૂછપરછમાં ધનજીએ કર્યા અનેક ઘટસ્ફોટ

News18 Gujarati
Updated: September 12, 2019, 11:36 AM IST
'મને સપનામાં ઢબુડી જેવી ઢીંગલી આવી હતી,' પોલીસ પૂછપરછમાં ધનજીએ કર્યા અનેક ઘટસ્ફોટ
ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ

ઢબુડી માએ (Dhabudi Ma) કહ્યું, 'હું હંમેશા લોકોને કહું છું કે તમારા કુળદેવી પર શ્રધ્ધા રાખો, માતા પિતાની સેવા કરો અને કર્મ કરો.'

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : ગાંધીનગર નજીક પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીના અનુસંધાને ગઇકાલે એટલે બુધવારે રાતે 11.45 કલાકે ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ હાજર થયો હતો. પોલીસે બપોર બાદ આપેલા બીજા સમન્સ બાદ તેણે પોલીસ સ્ટેશનમાં જવાબ આપ્યાં હતાં. જોકે તેને નિવેદનો લઇને પોલીસે જવા દીધો હતો. આ અંગે ન્યૂઝ18 ગુજરાતીએ ગાંધીનગરનાં ડીવાયએસપી એમ.કે. રાણા સાથે વાત કરી હતી.

'હું ભીખાભાઇને ઓળખતો નથી'

આ વાતચીતમાં ડીવાયએસપી એમ.કે. રાણાએ જણાવ્યું કે, ' પેથાપુર પોલીસે ધનજી ઓડની 3 કલાકની સઘન પૂછપરછ કરવામાં આવીને તેના નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં. તેણે જણાવ્યું હતું કે જે અરજદાર ભીખાભાઇ છે તેને હું ઓળખતો નથી. હું ક્યારેય તેમને મળ્યો નથી. મેં ક્યારેય દવા બંધ નથી કરાઇ. હું હંમેશા લોકોને કહું છું કે તમારા કુળદેવી પર શ્રધ્ધા રાખો, માતા પિતાની સેવા કરો અને કર્મ કરો.'

Video : 'ઢબુડી મા'એ પોતાની બદનામી પાછળ ફક્ત બે વ્યક્તિ હોવાનું જણાવ્યું

'કઇ રીતે ઢબુડી મા નામ પડ્યું? '

ડીવાયએસપીએ વધુમાં જણાવતા કહ્યું કે, 'ધનજી જણાવ્યું હતું કે 2017માં જોગણીમા પાસે દીકરીની માંગણી કરી હતી. તે દરમિયાન તેને સપનામાં ઢબુડી જેવી ઢીંગલી દેખાઇ હતી. ત્યારથી ભક્તિમાં રસ જાગ્યો. જે બાદ તેનું નામ ઢબુડી પડ્યું. ધીરે ધીરે તેનામાં લોકોની શ્રધ્ધા વધતી ગઇ, લોકોનાં કામ થવા લાગ્યાં એટલે બધા આવવા લાગ્યાં. 2017થી જ તેના ભક્તોએ યુટ્યુબમાં પણ વીડિયો બનાવ્યાં હતાં.'ધનજી પાસે કેટલી મિલકત

ધનજીને જ્યારે તેની મિલકત અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, 'રૂપાલમાં અમારૂં બાપદાદાનું મકાન છે. તે સિવાય રૂપાલની દેના બેંક અને એક્સિસ બેંકમાં મારું, મારી પત્ની અને દીકરાનું ખાતું છે. આ ઉપરાંત ભક્તો જે પૈસા આપે છે તેના માટે 'મોમાઇ ભક્ત મંડળ'નું ટ્ર્સ્ટ બનાવ્યું છે તેના ખાતામાં જ જમા થાય છે. મેં ક્યારેય ભક્તો પાસેથી કોઇ પૈસા લીધા નથી. ગાદી કરવાનાં પૈસા લેતો નથી. ભક્તો જ્યાં બોલાવે છે ત્યાં જવ છું.' તેણે વધુમાં જણાવ્યું કે, હું પહેલા રૂપાલમાં મજૂરી કરતો હતો પછી રિક્ષા ચલાવતો હતો.'

'ઉજ્જૈન દર્શન કરવા ગયો હતો'

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે આટલા દિવસ કેમ ભૂગર્ભમાં જતા રહ્યો હતો તો તેના જવાબમાં જણાવ્યું કે, 'હું પરિવાર સાથે ઉજ્જૈન દર્શન કરવા ગયો હતો. પરંતુ હું કાયદાને માનું છું એટલે અમે આગોતરા અરજી કરી હતી અને એટલે જ આજે હું આવ્યો છું.'

આ પણ વાંચો : 'ઢબુડી મા'નાં કાળા કરતૂતોનું કૌભાંડ રૂ. 300 કરોડથી વધારે : વિજ્ઞાન જાથા

હવે ભીખાભાઇ પાસેથી પુરાવા મંગાશે

ધનજી ઓડનાં નિવેદનો બાદ પોલીસે જણાવ્યું કે હવે અરજદાર ભીખાભાઇ પાસેથી વિશેષ પુરાવાની માંગ થશે. આ અંગે વધુ તપાસ થશે. ભીખાભાઇ સિવાય ધનજી સામે કોઇપણ ફરિયાદ થઇ નથી.

શું હતો મામલો ?

ગઢડાના રહીશ ભીખાભાઇએ પેથાપુર પોલીસસ્ટેશનમાં ધનજી ઓડ સામે અરજી કરી હતી કે, તે અંધશ્રદ્ધા ફેલાવે છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે, અરજદારના પુત્રને કેન્સર હોવાથી ત્રણ વર્ષ પહેલાં તેઓ ધનજી ઓડ પાસે ગયા હતા અને ધનજીના કહેવાથી દવા બંધ કરી દેતા પુત્રનું મોત થયું હતું. આ અરજી બાદ તાજેતરમાં જ ગાંધીનગર સેશન્સ કોર્ટે ધનજી ઓડની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસની તપાસ ચાલુ હોવાથી કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી હતી.

First published: September 12, 2019
વધુ વાંચો
अगली ख़बर