અમદાવાદ: શહેરના દરિયાપુર વિસ્તારમાં એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પત્ની સાથે ઝઘડો કરી પતિએ તેને પિયર મોકલી દીધી હતી. ત્યારબાદ પતિએ પત્નીની જાણ બહાર બીજા લગ્ન કરી લીધા હતા અને બીજી પત્ની સાથે રહેવા લાગ્યો હતો. આ અંગે પહેલી પત્નીને જાણ થતા તે પોતાના સંતાનને લઇ સાસરે પહોંચી હતી. ત્યારે બીજી પત્ની સહિતના સાસરીયાએ ઝઘડો કરી તેને ધમકી આપી કાઢી મુકી હતી. જેથી આ અંગે પત્નીએ પતિ, પતિની બીજી પત્ની સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના રામોલ વિસ્તારમાં રહેતી 31 વર્ષીય યુવતીએ દરીયાપુર વિસ્તારમાં રહેતા યુવક સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે તેના સાસરીએ રહેવા ગઇ હતી. લગ્ન સમયે યુવતીના પિતાએ સોના ચાંદીની વસ્તુઓ સહિત 1 લાખ રોકડ પણ આપ્યા હતા. ત્યારબાદ યુવતીએ દિકરાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ સાસરીયા અવાર નવાર મહેણાં ટોણાં મારી ત્રાસ આપવા લાગ્યા હતા અને વધુ દહેજની માંગણી કરી રહ્યાં હતા. આ દરમિયાન સાસરીયા યુવતીના પતિને ચઢામણી કરતા પતિ પત્ની સાથે ઝઘડો કરી મારા મારી કરતો હતો.
આ પણ વાંચો -
અમદાવાદમાં Corona બેકાબુ: ચા-કિટલી બાદ ફરી એકવાર પાન-ગલ્લાઓ બંધ કરવા AMCનો આદેશ
સતત સાસરીયાનો ત્રાસ વધતા યુવતીએ આ મામલે તેના માતા-પિતાને જાણ કરી હતી. ઉપરાંત દરિયાપુર પોલીસ મથકમાં સાસરીયા સામે અરજી કરી હતી. જો કે, તે વખતે સમાધાન કરી લીધુ હતુ. વર્ષ 2018માં સાસરીયા પાછા ત્રાસ આપવા લાગ્યા હતા અને દહેજની માંગણી કરતા હતા. ત્યારે યુવતીએ જણાવ્યું હતું કે, મારા પિતાની આર્થિક સ્થિતિ સારી નથી. તેથી તેઓ પૈસા આપી શકે તેમ નથી. જો કે, સાસરીયાએ કંઇ જ સાંભળ્યું ન હતુ અને યુવતીને ઘરમાંથી કાઢી મુકી કહ્યું કે, જ્યારે દહેજ આપીશ ત્યારે જ પરત રાખીશું. જેથી યુવતી પિયર જતી રહી હતી.
આ દરમિયાન યુવકને પરિવારજનોએ પત્નીની જાણ બહાર બીજા લગ્ન કરાવી દીધા હતા. પત્નીને પતિના બીજા લગ્ન વિશે જાણ થતા તે પોતાની સંતાનને લઇ સાસરે આવી હતી. ત્યારે પતિની બીજી પત્ની, નણંદ, જેઠાણી સહિના લોકોએ ઝઘડો કરી ધમકી આપી હતી કે, હવે અહીંયા આવીશ તો જાનથી મારી નાંખીશું. જેથી કંટાળી મહિલાએ પતિ સહિતના સાસરીયા સામે દરિયાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.