ચૂંટાયેલા સાંસદો-પ્રધાનો પાસે ગાંધીજીની આવી હતી અપેક્ષાઓ

News18 Gujarati
Updated: June 14, 2019, 3:46 PM IST
ચૂંટાયેલા સાંસદો-પ્રધાનો પાસે ગાંધીજીની આવી હતી અપેક્ષાઓ
ગાંધીજીની અપેક્ષાઓ

"પ્રધાનોએ લોકોને મળવું જ જોઈએ. તેમના સદભાવ ઉપર જ તેમની હસ્તીનો આધાર છે."

  • Share this:
 સાંસદસભ્યોના પક્ષે થઈ રહેલી પ્રજાનાં કાર્યોની સતત ઉપેક્ષાને પ્રજાની અપેક્ષા સુધી પહોંચાડવી હોય તો ગાંધીજીનાં કેટલાંક લખાણો ઉપયોગી થાય એમ છે. આ લખાણ હરિપ્રસાદ વ્યાસે સંપાદિત કરેલાં પુસ્તક 'ગાંધીજીની અપેક્ષા'[લોકપ્રતિનિધિઓ પાસે રાષ્ટ્રપિતાએ રાખેલી અપેક્ષા]માં ક્રમવાર જોવા મળે છે. આ પુસ્તક હાલ ગુજરાતી ભાષામાં તો ઉપલબ્ધ નથી [હિન્દીમાં गांधीजी की अपेक्षा અને અંગ્રેજીમાં Gandhiji’s Expectationsના નામે ઉપલબ્ધ છે] પણ તેમાંથી કેટલાંક સંપાદિત થયેલાં લખાણ આજેય પ્રસ્તુત છે. કેટલીક વાતો તો પ્રજાના પ્રતિનિધિઓ માટે દીવાદાંડી સમાન બને એમ છે. ...

આપણે લાંબા વખતથી એમ માનવાને ટેવાયા છીએ કે પ્રજાને સત્તા કેવળ ધારાસભાઓ મારફતે મળે છે. આ માન્યતાને હું આપણી એક ગંભીર ભૂલ માનતો આવ્યો છું. એ ભ્રમનું કારણ કાં તો આપણી જડતા છે, કાં તો અંગ્રેજોના રીતરિવાજોએ આપણા પર જે ભૂરકી નાખી છે તે છે. બ્રિટિશ લોકોના ઇતિહાસના ઉપરચોટિંયા અભ્યાસ પરથી આપણે એવું સમજ્યા છીએ કે, રાજ્યતંત્રની ટોચે આવેલી પાર્લમેન્ટોમાંથી સત્તા ઝમીને પ્રજાની અંદર ઊતરે છે. સાચી વાત એ છે કે, સત્તા લોકોમાં વસે છે, લોકોની હોય છે, અને લોકો પોતાના પ્રતિનિધિઓ તરીકે વખતોવખત જેમને પસંદ કરે છે તેમને તેટલા વખત પૂરતી તેની સોંપણ કરે છે. અ

રે, લોકોથી સ્વતંત્ર એવી પાર્લમેન્ટોની સત્તા તો શું, હસ્તીયે હોતી નથી. છેલ્લાં એકવીસથીયે વધારે વર્ષોથી આટલી સીધીસાદી વાત લોકોને ગળે ઉતારવાને હું મથ્યા કરું છું. સત્તાનો અસલ ભંડાર તો સત્યાગ્રહ અથવા સવિનયભંગની તાકાત છે. એક આખી પ્રજા પોતાની ધારાસભાના કાયદાઓ પ્રમાણે ચાલવાનો ઇનકાર કરે છે, અને એવા સવિનયભંગનાં પરિણામો વેઠવાને તૈયાર થાય તો શું થાય તેની કલ્પના કરો! એવી પ્રજા સરકારના ધારાસભાના ને વહીવટી તંત્રને આખું ને આખું થંભાવી દેશે. સરકારનું પોલીસનું ને લશ્કરનું બળ, ગમે તેવી જબરી હોય તોપણ લઘુમતીને દબાવવા પૂરતું જ કામ આવે છે. પણ આવી પડે તે બધું સહન કરવાને જે આખી પ્રજા તૈયાર હોય તેના દૃઢ સંકલ્પને નમાવવા કોઈ પોલીસની કે લશ્કરની જબરજસ્તી કામ આવતી નથી.

...ધારાસભાઓમાં બેસનારા સભ્યોને મળતો પગાર અને ભથ્થાં, તે લોકો દેશનું જે કામ કરે છે, તેના પ્રમાણમાં અત્યંત વધારે પડતાં છે. જે દેશ દુનિયામાં સૌથી ગરીબ છે, તેની સામાન્ય આવક સાથે જરાયે મેેળ ન ખાય એવા પગારો ને ભથ્થાંના એ દર અંગ્રેજી નમૂનાને ધોરણે મુકરર થયેલા છે. તેથી ... હું એવું સૂચવું છું કે, પ્રધાનોએ પોતપોતાની ધારાસભાની સંમતિ મેળવી, જરૂરિયાતો નજરમાં રાખી, એ બધા દર ઉતારી નાખવા, અને દરમિયાન સભ્યે, પોતે જે પક્ષનો હોય તેને પોતાને મળતી આખી રકમ આપી દઈ પક્ષ જે ઠરાવી આપે તેટલું જ લેવાનું રાખવું; અને એમ ન બની શકે, તો પોતાનું અંત: કરણ કહે તે મુજબ કેવળ પોતાને માટે તેમ જ પોતાના કુટુંબને માટે વાજબી લાગે તેટલું જ રાખી, બાકીની રકમ રચનાત્મક કાર્યક્રમના એકાદ અંગના અમલમાં અથવા એવી જ કોઈ જાહેર સેવાની પ્રવૃત્તિમાં વાપરવી. જે પગાર અને ભથ્થાંની રકમ લેવાની છૂટ છે, તે લેવી જ પડે એવી સ્થિતિ હોય એ ખરું, પણ તેથી જરૂર હોય તેથી વધારે વાપરી ખાવાની જબરજસ્તી થોડી જ છે? સાધ્ય સારું હોય તો ગમે તેવું સાધન ચાલે, એ મુદ્દો આમાં ક્યાંયે આવતો નથી.

સાદાઈ આ પ્રધાનો તેમના પ્રાંતોના વહીવટમાં દાખલ કરે એવી આશા રાષ્ટ્ર એમની પાસેથી રાખશે. એ સાદાઈની એમને શરમ ન આવવી જોઈએ, તેઓ એમાં ગૌરવ માને. આપણે જગતની ગરીબમાં ગરીબ પ્રજા છીએ, અને આપણે ત્યાં કરોડો માણસો અડધો ભૂખમરો વેઠે છે. એવા દેશના પ્રતિનિધિઓએ પોતાને ચૂંટનાર મતદારોના જીવનની જોડે જેનો કશો જ મેળ ન હોય એવી ઢબે ને એવી રહેણીએ રહેવાય જ નહીં. વિજેતા અને રાજ્યકર્તા તરીકે આવનાર અંગ્રેજોએ જે રહેણીનું ધોરણ દાખલ કર્યું તેમાં જિતાયેલા અસહાય લોકોનો બિલકુલ વિચાર કર્યો નહોતો.

પ્રધાનો જો તેમને 1920થી વારસામાં મળેલી સાદાઈ અને કરકસર કાયમ રાખશે તો તેઓ હજારો રૂપિયા બચાવશે, ગરીબોનાં દિલમાં આશા પેદા કરશે, અને સંભવ છે કે સરકારી નોકરોની ઢબછબ પણ બદલાવશે. મારે એ તો બતાવવાની જરૂર ભાગ્યે જ હોય કે સાદાઈનો અર્થ એ નથી કે મેલાઘેલા રહેવું. સાદાઈમાં જે સુંદરતા ને કળા રહેલી છે તે ઊડીને આંખે વળગે એવી હોય છે. સ્વચ્છ, સુઘડ ને ગૌરવશીલ રહેવાને સારુ પૈસા બેસતા નથી. આડંબર તથા દબદબો અને અશિષ્ટતા એ ઘણી વાર એક જ અર્થના શબ્દો થઈ પડે છે.પ્રધાનપદ એ કેવળ સેવાનાં દ્વાર છે, અને જેમને એ કામ સોંપવામાં આવે તેમણે તે પ્રસન્નતાપૂર્વક અને પોતાની બનતી બધી શક્તિ વાપરીને એ સેવા કરવી જોઈએ. એટલે આ હોદ્દાઓને વિશે પડાપડી તો કદી કરાય જ નહીં. અનેક માણસોના સ્વાર્થોને સંતોષવાને સારુ પ્રધાનોની જગાઓ ઊભી કરવી એ તો તદ્દન ગેરવાજબી ગણાય. હું મુખ્ય પ્રધાન હોઉં અને મને આવી માગણી કરનારાઓ આવીને પજવ્યા કરે તો મને ચૂંટનારાઓને કહી દઉં કે તમે બીજો આગેવાન ચૂંટી લો. આ હોદ્દાઓ તો ગમે ત્યારે છોડી દેવા પડે એમ માનીને રાખવાના છે; એને બાથ ભીડીને બેસી જવાનું નથી. એ તો કાંટાના મુગટ હોવા જોઈએ, કીર્તિના કદી નહીં. એ હોદ્દા આપણે લીધા છે તે તો એટલા માટે કે એનાથી આપણા ધ્યેય પ્રત્યે વધારે વેગથી કૂચ કરવાની શક્તિ આપણને મળે છે કે નહીં એ આપણે જોવું છે.

જો સ્વાર્થી લોકો અથવા અવળે રસ્તે દોરાયેલા અતિ ઉત્સાહી માણસો મુખ્ય પ્રધાનો પર જબરદસ્તી કરીને ચડી બેસે એવું બનવા દઈએ તો એ મહા ખેદજનક વસ્તુ થઈ જાય. જેઓને આખરે પ્રધાનોના હાથમાં સત્તા સોંપવાનો અધિકાર છે એમની પાસેથી ખોળાધરી લેવી જો આવશ્યક હતી, તો આપણા પક્ષના માણસો પાસેથી સમજ, અડગ, વફાદારી ને ઐચ્છિક નિયમપાલનની ખોળાધરી લેવી બમણી આવશ્યક છે.

સૌથી સચોટ કસોટી તો એ છે કે જે પક્ષે મુખ્ય પ્રધાનોની ચૂંટણી કરી છે તે પક્ષના સભ્યોને પ્રધાનોની થયેલી પસંદગી ગમવી જોઈએ. કોઈ પણ મુખ્ય પ્રધાન પોતાની પસંદગીના પુરુષ કે સ્ત્રીનો પક્ષની પાસે પરાણે સ્વીકાર કરાવી ન શકે. એ આગેવાન એટલા માટે છે કે શક્તિ, માણસો વિશેનું જ્ઞાન, અને નેતાપદને માટે આવશ્યક બીજા ગુણો એનામાં છે એવો એના પક્ષનો એના પર પૂરેપૂરો વિશ્વાસ છે.

પ્રધાનો સાદાઈથી રહે ને સખત કામ કરે એટલું બસ નથી. તેઓ જે ખાતાં પર કાબૂ ધરાવે છે તે પણ એવી વૃત્તિમાં સામેલ થાય એ એમણે જોવાનું રહ્યું છે. એટલે ન્યાય સસ્તો થવો જોઈએ ને જલદી મળવો જોઈએ. આજે તો એ ધનવાનોના શોખની ને જુગારીની મોજની વસ્તુ છે. પોલીસો પ્રજાને ડરાવનારા નહીં પણ પ્રજાના મિત્ર હોવા જોઈએ. કેળવણીમાં ધરમૂળથી એવો પલટો થવો જોઈએ કે જેથી દેશને ચૂસનાર સામ્રાજ્યવાદીની નહીં પણ ગરીબમાં ગરીબ ગ્રામવાસીની જરૂરિયાત પૂરી પાડે.

...પ્રધાનોને સિવિલ સર્વિસની સંગઠિત કાર્યશક્તિનો ઉપયોગ તેમની નીતિનો અમલ કરવા માટે મળવો જ જોઈએ. ગમે તેવા મનસ્વી ગવર્નરો અને વાઇસરોયે ઠરાવેલી રાજ્યનીતિને અમલમાં ઉતારવાનું સરકારી નોકરવર્ગ શીખેલો છે. પ્રધાનો ઠીક ઠીક વિચાર કરીને ઘડેલી પણ નિશ્ચિત રાજ્યનીતિ નક્કી કરે, અને સરકારી નોકરવર્ગ તેના વતી અપાયેલાં વચનો પણ સાચાં પાડે ને જે લૂણ ખાય છે તેને વફાદાર નીવડે.

વ્યક્તિ તરીકે પ્રધાન મુખ્યત્વે પોતાને ચૂંટનાર મતદારોને જવાબદાર છે. જો તેની ખાતરી થાય કે પોતે એ મતદારોનો વિશ્વાસ ગુમાવી બેઠો છે અથવા તો પોતે જે વિચારોને સારુ ચૂંટાયેલો તે વિચારો પોતે બદલ્યા છે, તો તે રાજીનામું આપે. પ્રધાનો મંડળ તરીકે ધારાસભાના સભ્યોની બહુમતીને જવાબદાર છે, અને એ સભ્યો એમના પર અવિશ્વાસનો ઠરાવ પસાર કરીને કે એવી બીજી રીતે પ્રધાનોને હોદ્દા પરથી ખસેડી શકે છે.

પ્રધાનોએ લોકોને મળવું જ જોઈએ. તેમના સદભાવ ઉપર જ તેમની હસ્તીનો આધાર છે. હળવી તેમ જ ગંભીર બધી ફરિયાદો તેમણે સાંભળવી જ જોઈએ. પરંતુ બધાનું અથવા તેમને મળેલા પત્રોનું અથવા તો તેમણે આપેલા નિર્ણયોનું પણ તેઓ દફ્તર ન રાખે તો ચાલે. પોતાની સ્મૃતિને તાજી કરવા પૂરતું તથા નક્કી કરેલી પ્રથાને ચાલુ રાખવા પૂરતું જરૂરી દફ્તર જ તેઓ રાખે. ખાતાની રૂએ ચાલતો ઘણોખરો પત્રવ્યવહાર બંધ થવો જોઈએ....તેઓ તો આ દેશમાં વસતા પોતાના કરોડો શેઠના ગુમાસ્તા છે.

પ્રધાનો અને પ્રાંતિક ધારાસભાના સભ્યો પ્રજાના સાચા સેવક હોવા જોઈએ, મુખી કે શેઠ નહીં. જો તેઓ પગારનું સરકારી ધોરણ સ્વીકારે તો તેઓ ખુએ. અમુક પગાર બધાને મળી શકે છે માટે તે બધાએ લેવો જ જોઈએ એમ નથી. પગારનું ધોરણ મર્યાદા બાંધવા પૂરતું જ છે. કોઈ શ્રીમંત માણસ પૂરો પગાર અથવા તો તેનો અંશમાત્ર પણ લે તો તે હાસ્યાસ્પદ ગણાય. જે વગર પગારે સેવા નથી આપી શકતા તેને માટે પગાર છે. દુનિયામાં ગરીબમાં ગરીબ પ્રજાના તેઓ પ્રતિનિધિ છે. ગરીબોના પૈસામાંથી તેમનો પગાર નીકળે છે. આ મુખ્ય વસ્તુ ધ્યાનમાં રાખીને તેઓએ જીવવાનું છે ને રાજતંત્ર ચલાવવાનું છે.

પ્રધાનોના દિલમાં અસ્પૃશ્યતાના, નાતજાતના કે મારું તારું એવો ભેદભાવ ન હોય. કોઈની જરા પણ લાગવગ ક્યાંય ન ચાલવી જોઈએ. સત્તાધારીને મન પોતાનો સગો ભાઈ, કે એક સામાન્ય ગણાતો શહેરી, કારીગર, મજૂર, બધા જ સરખા હોવા જોઈએ.

અંતરનાદને વશ વર્તીને ચાલનાર પ્રધાનને માનપત્રો અને બીજાં માનપાન લેવાનો કે અતિશયોક્તિવાળી કે યોગ્ય સ્તુતિવાળાં ભાષણ કરવાનો વખત હોય જ નહીં. અથવા જે મુલાકાતીઓને પોતે બોલાવ્યા ન હોય કે જેઓ પોતાના કામમાં મદદ કરે એમ લાગતું ન હોય તેવાઓ જોડે વાતો કરવા બેસવાનો વખત હોય નહીં. સિદ્ધાંતની દૃષ્ટિએ જોતાં તો લોકશાહીનો આગેવાન હમેશાં પ્રજાનો બોલાવ્યો તેમને મળવા કે ગમે ત્યાં જવા તત્પર રહેશે. એ એમ કરે એ યોગ્ય જ છે. પણ પ્રજાએ એને માથે મૂકેલા કર્તવ્યમાં ક્ષતિ આપવા દઈને તેમ કરવાની ધૃષ્ટતા તે ન કરે. પ્રધાનોને જે કામ સોંપાયેલું છે તેમાં જો તેઓ પારંગત નહીં થાય કે પ્રજા તેમને પારંગત નહીં થવા દે તો પ્રધાનોની ફજેતી થશે.

કાયમના અમલદારો પ્રધાનોની આગળ જે કાગળો મૂકે તે વાંચવા ને સહી કરવી એટલું જ કામ જો પ્રધાનો પાસે હોત તો એ તો સહેલ વાત હતી. પણ દરેક કાગળનો અભ્યાસ કરવો અને નવી-નવી કાર્યપ્રણાલી વિચારી કાઢવી ને તેને અમલમાં ઉતારવી એ સહેલું કામ નથી. પ્રધાનોએ સાદાઈ ધારણ કરી એ આરંભ તરીકે આવશ્યક હતું. છતાં જો તેઓ આવશ્યક ઉદ્યોગ, શક્તિ, પ્રામાણિકતા, નિષ્પક્ષપણું અને વિગતો ઉપર કાબૂ મેળવવાની અગાધ શક્તિ નહીં બતાવે તો એકલી સાદાઈ એમને કંઈ કામ આવવાની નથી.

પોતાનાં નામો મતદાર તરીકે નોંધાવી આવવાની તસ્દી લેનાર તથા અંગમહેનત કરી રાજ્યને પોતાની સેવા આપનાર દરેક જણ, મરદ અથવા ઓરત, અસલ વતની અથવા હિંદુસ્તાનને પોતાના દેશ કરી અહીં વસેલા, મોટી ઉંમરના વધારેમાં વધારે લોકોના મતો વડે મેળવેલી સંમતિથી થતું હિંદુસ્તાનનું શાસન એટલે સ્વરાજ.

આધુનિક જમાનાના સંપૂર્ણ હકવાળી પાર્લમેન્ટથી હિંદુસ્તાનનું રાજ્યતંત્ર ચાલે એને હું સ્વરાજ કહું છું.

આજે મારી સામુદાયિક પ્રવૃત્તિનું ધ્યેય હિંદુસ્તાનની પ્રજાની ઇચ્છા પ્રમાણેનું પાર્લમેન્ટરી ઢબનું સ્વરાજ પ્રાપ્ત કરવાનું છે એ વિશે કશી શંકા નથી.

એવી પાર્લમેન્ટ આપણને ન મળે તો આપણે અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ થઈ જઈએ. ...

[नवजीवनનો અક્ષરદેહ-મે, 2019-ના અંકમાંથી] 
First published: June 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading