માહિતી અધિકાર કાયદામાં પ્રથમ અપીલ કરતી વખતે શું કાળજી રાખશો?

News18 Gujarati
Updated: June 23, 2018, 12:55 PM IST
માહિતી અધિકાર કાયદામાં પ્રથમ અપીલ કરતી વખતે શું કાળજી રાખશો?
ફાઇલ તસવીર

માહિતી અધિકાર કાયદાની અરજી કરીએ એટલે સામાન્ય રીતે ૩૦ દિવસની અંદર અરજદારને માહિતી માટે નો ચાર્જ ભરવા માટેનો કાગળ મળે છે. અરજદાર ચાર્જ ભરે ત્યારે તેમને માહિતી રૂબરૂ અથવા પોસ્ટથી મોકલી આપવામાં આવે છે.

  • Share this:
પંક્તિ જોગ દ્વારા

માહિતી અધિકાર કાયદાની અરજી કરીએ એટલે સામાન્ય રીતે ૩૦ દિવસની અંદર અરજદારને માહિતી માટે નો ચાર્જ ભરવા માટેનો કાગળ મળે છે. અરજદાર ચાર્જ ભરે ત્યારે તેમને માહિતી રૂબરૂ અથવા પોસ્ટથી મોકલી આપવામાં આવે છે. આવું ન થાય તો? માહિતી અધુરી મળે તો? અને પૈસા ભર્યા બાદ પણ માહિતી ન મળે તો? માહિતી અધિકાર કાયદાની વિશેષતા એ છે તેમાં દરેક સ્તરે કાર્યવાહીની પ્રક્રિયા સમયબદ્ધ છે. આવા કોઈ પણ કિસ્સામાં અરજદાર પ્રથમ અપીલ દાખલ કરી શકે છે. પ્રથમ અપીલની સુનાવણી કરવામાં આવે છે અને કાયદાની જોગવાઈને આધીન રહીને તેમાં અરજદારને પુરેપુરી માહિતી મળે તે સુનિશ્ચિત થાય છે. પ્રથમ અપીલની તમામ પ્રક્રિયા માટે વધુમાં વધુ ૪૫ દિવસ લઇ શકાય છે.

પ્રથમ અપીલની પ્રક્રિયા ખુબ મહત્વની હોય છે. તેમાં જે-તે સત્તામંડળની અંદર માહિતી ન મળવા માટેના કારણો અને તેને દૂર કરવાના ઉપાયો વિશે વાતચીત કરવાનો એક મોકો હોય છે. તેમજ સુનાવણી દરમ્યાન જાહેર સત્તામંડળના કામકાજમાં પારદર્શકતા આવે, માહિતી સમયસર મળી રહે તે માટે શું ફેરફાર કરવાની જરૂર છે તેની પણ રજૂઆત કરી શકાય છે.

પ્રથમ અપીલ ક્યારે કરશો?

માહિતી મેળવવા માટે અરજી કર્યા બાદ માહિતી ન મળે, અથવા અધુરી, ખોટી અથવા ગેરમાર્ગે દોરતી મળે, તો નાગરિક આ જવાબ મળ્યા પછીના ૩૦ દિવસની અંદર લેખિતમાં પ્રથમ અપીલ દાખલ કરી શકે છે. જો નાગરીકો કલમ ૭(૧) મુજબ 4૮ કલાકમાં માહિતી મેળવવા માટે અરજી કરી હોય તો અપીલ ની મુદત પણ ૪૮ કલાક પછીના ૪૮ કલાક ગણી શકાય.

સામાન્ય રીતે લોકો સમજે કે પ્રથમ અપીલ એટલે ફરી એક વાર રજૂઆત કરવાની. ના...એવું નથી. પ્રથમ અપીલમાં નાગરિકે કોઈ માહિતીની વિનંતી નથી કરવાની. પણ માહિતી નથી મળી તેની રજૂઆત કરવાની છે.ગુજરાતના માહિતી અધિકાર નિયમો માટેનું એક ફોર્મ આપવામાં આવ્યું છે, પણ તે ફરજીયાત નથી. અરજી કયારે કરી હતી? શું પ્રતિભાવ મળ્યો? અપીલ કરવાનું કારણ? વગેરે બાબતો જણાવી સાદા કાગળ પર અપીલ દાખલ કરી શકાય. મધ્ય પ્રદેશ રાજ્યમાં અપીલની ૫૦ રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય, કેન્દ્ર, કોર્ટ અથવા વિધાનસભા આ તમામ સક્ષમ સત્તામંડળના નિયમોમાં અપીલની ફી રાખવામાં આવી નથી. એટલે કે ગુજરાતમાં કોઈ પણ સત્તામંડળમાં અપીલ કરવામાટે કોઈ ફી નથી.

જામનગરમાં એક અરજદારે જિલ્લામાં અંત્યોદય કાર્ડધારક કેટલા છે તેમ પૂછ્યું. જવાબમાં તેમને ૩૮ હજાર ૭૦૦ રૂપિયા ભરવાના કહ્યા. હકીકતમાં દરેક ગામમાં ૫ થી ૭ અંત્યોદય કાર્ડધારક હોય. એટલે તાલુકામાં જો ૧૫૦ ગામો હોય તો તાલુકામાંથી માંડ ૭૫૦ જેટલા થાય. એટલે ૧૦ પાનામાં આ માહિતી મળી શકે. વળી અંત્યોદયનું લીસ્ટ અલગથી રાખવામાં આવે છે. અરજદારે પ્રથમ અપીલ કરી અને તેને માહિતી અપીલ અધિકારીએ હુકમ કર્યો કે ૧૦ દિવસમાં માહિતી આપી દેવી. ૧૨ પાનામાં આખી તાલુકાની અંત્યોદયની યાદી આવી ગઈ. જાહેર માહિતી અધિકારી ગેરવ્યાજબી ફી ની માંગણી કરે તો આવો પત્ર મળ્યા બાદ ૩૦ દિવસની અંદર અરજદાર અપીલ કરી શકે.

અપીલ માં દાદ શું માંગશો?

માહિતી અધિકાર કાયદાની અપીલ પ્રક્રિયા એક અર્ધન્યાયિક બાબત છે. તેમાં અરજદારે અપીલમાં દાદ સ્વરૂપે તેમની શું અપેક્ષા છે તે સ્પષ્ટ જણાવવું જરૂરી છે. અરજદારને જો માહિતી ખોટી અધુરી, ગેરમાર્ગે દોરતી મળી હોય, તો દાદમાં તાત્કાલિક ધોરણે, વિનામૂલ્યે સાચી માહિતી મળે તે દાદ માંગવાની થાય છે. પણ જો ફી વધુ માંગી હોય તો દાદમાં ફીની સાચી ગણતરી કરી, ફરીવાર જણાવવા અંગે હુકમ કરવા દાદ માંગવાની થાય છે. વિરમગામમાં એક સામાન્ય ખેડૂતે પ્રથમ અપીલ સત્તાધિકારી પાસે જાહેર માહિતી અધિકારીઓ માટે તાલીમની જોગવાઈ કરવાની દાદ માંગેલી અને તે માન્ય રાખવામાં આવી હતી.

સુનાવણીની પ્રક્રિયા

સુનાવણીની જાણ કરતી નોટીસ અરજદાર તેમજ જાહેર માહિતી અધિકારીને મોકલવામાં આવે છે. ઘણા અરજદારો આ નોટીસથી ડરી જાય છે. કારણ કે તેમાં સઘળી વિગતો અને પુરાવા સાથે હાજર રહો એમ કહેવામાં આવે છે. જે ગેરકાયદેસર છે. અરજદારોએ સુનાવણી દરમ્યાન કશું પુરવાર કરવાનું હોતું નથી. તેમને તો માત્ર તેમને માહિતી નથી મળી, અધુરી મળી છે કે ખોટી મળી છે તેની જ રજૂઆત કરવાની હોય છે. અપીલ સુનાવણી રૂબરૂ હાજર રહેવાનો ફાયદો એ થાય કે જાહેર માહિતી અધિકારી જો અપીલ સત્તાધિકારીને ગેરમાર્ગે દોરતાં હોય, તો તે અંગે રજૂઆત કરી શકાય.

અરજદાર સુનાવણીમાં હાજર ન રહી શકે, તો તેમની રજૂઆત અને માંગેલ દાદ લેખિત સ્વરૂપમાં મોકલશે, તો તેને અરજદારે કરેલ રૂબરૂ રજૂઆત તરીકે ગણવામાં આવશે. પણ અરજદારે અલગથી કોઈ રજૂઆત કરેલ ન હોય તો તેના અપીલમાં ઉઠાવેલ મુદ્દો અને ટેની સામે જાહેર માહિતી અધિકારીએ રજુ કરેલ દલીલ અને તેના પુરાવા જોઇને કાયદાની જોગવાઈના અનુસંધાનમાં અપીલ અધિકારી હુકમ કરશે.

ઘણા અરજદારોને ખબર નથી હોતી કે અપીલની સુનાવણીની પ્રક્રિયાની કાર્યવાહીની નકલ તેઓ મેળવી શકે છે. તેનાથી તેમને કરેલ દલીલ, અને જાહેર માહિતી અધિકારીએ કરેલ દલીલ અંગે તમામ વિગતો રેકર્ડ ના સ્વરૂપમાં તેમને મળશે.

અપીલ અધિકારી સજા ના કરી શકે

અરજદારને સાચી અને પુરેપુરી માહિતી ન મળે એટલે તેને પ્રથમ અપીલની પ્રક્રિયામાં જવું પડે છે. સુનાવણી દરમ્યાન અરજદારની અપેક્ષા હોય કે કોઈ વ્યક્તિની જવાબદારી નક્કી થાય અને તેને સજા પણ થાય. માહિતી અધિકાર કાયદામાં કાયદાના ભંગ બાબતે પેનલ્ટીની જોગવાઈ છે, પણ તે માત્ર માહિતી આયોગ કક્ષાએ જ થઇ શકે.

પ્રથમ અપીલ સત્તાધિકારી તેમના હુકમમાં અધુરી, ખોટી માહિતી આપ્યા બદ્દલની જવાબદારી નક્કી કરી શકે. તેમજ જે-તે કચેરીના એક ઉપલા અધિકારી તરીકે તેમની કચેરીની વ્યવસ્થા સુધારવા અંગેના જરૂરી આદેશ કરી શકે. જો કોઈ જાહેર માહિતી અધિકારી વારંવાર માહિતી ન આપતા હોય તો અરજદાર કચેરીના વડાને આવા કર્મચારી સમક્ષ ફરજમાં આવતું કામ ન કરવા બદ્દલ કાર્યવાહી કરવાની માંગ કરી શકે છે. આમ પ્રથમ અપીલ પ્રક્રિયા તંત્ર માં કાયમી સુધાર લાવવા ઘણીજ ઉપયોગી સાબિત થઇ શકે.

(પંક્તિ જોગ આરટીઆઇ એક્ટિવિસ્ટ છે)
First published: June 23, 2018, 12:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading