અમદાવાદ: રાજ્યમાં છેલ્લા એક કેટલાક દિવસથી ઠંડી (Cold in Gujarat)નું જોર ઘટી ગયું છે. લઘુતમ તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel forecast) આગાહી કરી છે કે, ફેબ્રુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે. વાતાવરણમાં પલટા દરમિયાન કમોસમી વરસાદ (Unseasonal rain) પણ પડશે. આજથી એટલે કે 9મી ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જ ગુજરાતના અનેક વિસ્તારોમાં બે વખત કમોસમી વરસાદ પડી ચૂક્યો છે. હવે ફરીથી જો કમોસમી વરસાદ એટલે કે માવઠું થશે તો ખેડૂતોને મોટાપાયે નુકસાન થવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આજથી એટલે કે 9 ફેબ્રુઆરીથી વાતાવરણમાં પલટો આવશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહશે. આ દરમિયાન છૂટા છવાયા વરસાદી છાંટા પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 11થી 14 ફેબ્રુઆરી સુધીમાં જો વાદળો વધુ ઘેરાશે તો માવઠું થઈ શકે છે.
આગાહી પ્રમાણે 12 ફેબ્રુઆરી સુધીમાં વધુ વાદળો આવવાની શક્યતા છે. આ દરમિયાન જો વાદળો વધુ ઘેરાશે તો 14 ફેબ્રુઆરી સુધીમાં માવઠું થવાની શકયતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, વાતાવરણમાં પલટો અને માવઠાના કારણે ઉભા કૃષિ પાકને નુકસાન થઈ શકે છે. આથી કૃષિ પાક માટે સંરક્ષણના પગલાં લેવા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઉત્તર અને ઉતર-પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. હવામાન વિભાવ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બેથી ત્રણ દિવસમાં તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે. આ સાથે જ રાજ્યમાં ઠંડીનું જોર ઘડશે. આ દરમિયાન આજે અમદાવાદ શહેરમાં તાપમાન સામાન્ય રહ્યું છે. આજે અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ફરીથી માવઠાની ભીતિ વચ્ચે જગતનો તાત ચિંતામાં ગરક થઈ ગયો છે. કારણ કે હાલ શિયાળું પાક લેવાની સિઝન ચાલી રહી છે. એમાં જો તૈયાર પાક પર વરસાદ પડે તો તેનાથી મોટું નુકસાન થઈ શકે છે. આમ પણ આ વર્ષ ચોમાસામાં વધારે વરસાદને પગલે અનેક ખેડૂતો પાયમાલ બની ગયા હતા.