રાજ્ય સરકારની મોટી જાહેરાત : શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નહીં

News18 Gujarati
Updated: December 4, 2019, 11:23 PM IST
રાજ્ય સરકારની મોટી જાહેરાત : શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નહીં
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
ગાંધીનગર : લોકોના વિરોધના વંટોળ બાદ વિજય રૂપાણી સરકારે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ કરી હતી. સાથે જ તેમણે હવેથી કયા કયા રસ્તાઓ પર હેલ્મેટ ફરજિયાત રહેશે તે અંગેની જાહેરાત પણ કરી હતી. સરકારનાં જણાવ્યા પ્રમાણે માથામાં ઇજાને કારણે લોકોનાં જીવ જતા હોવાથી સરકારનો મત હેલ્મેટ ફરજિયાત કરવાનો રહ્યો હતો. પરંતુ આ મામલે તમામ શહેરોમાંથી વિરોધના સૂર ઉઠતા આખરે નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે.

લોકોની ઉગ્ર રજુઆત બાદ સરકારે નિર્ણય લીધો

કેબિનેટ બેઠક બાદ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી આર.સી. ફળદુએ હેલ્મેટ મરજિયાતની જાહેરાત કરી હતી. કેબિનેટ મંત્રીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સરકાર અને વાહનવ્યવહાર મંત્રાલયનો એવો મત હતો કે અકસ્માતનાં કેસમાં માથામાં ઇજાને કારણે સૌથી વધારે લોકોનાં મોત થતા હોય છે. આપણે કિંમતી માનવધન ગુમાવવું ન પડે તે માટે હેલ્મેટ ફરજિયાતનો નિર્ણય લેવાયો હતો. આ મામલે સરકારને તમામ શહેરોમાંથી અને સોશિયલ મીડિયા પર ઉગ્ર રજુઆતો મળી હતી. સોશિયલ મીડિયા પર પણ લોકોની ખૂબ નારાજગી જોવા મળી હતી. આથી સરકાર હેલ્મેટ મરજિયાત કરવા અંગે વિચારવા મજબૂર બની હતી.

ક્યા રસ્તાઓ પર હેલ્મેટ ફરજિયાત રહેશે?

સરકારની જાહેરાત પ્રમાણે હવેથી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી. જોકે, રાજ્યના ધોરીમાર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને પંચાયતના માર્ગો પર હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હેલ્મેટ મરજિયાત કરવા અંગે મંત્રીનું કહેવું હતું કે, શહેરી વિસ્તારોમાં એક જગ્યાએથી બીજી જગ્યાનું અંતર ઓછું હોય છે. આથી અહીં હેલ્મેટ ફરજિયાતની જરૂર લાગતી નથી.

લોકોએ કેવી કેવી દલીલો કરી?સરકાર વતી હેલ્મેટ મરજિયાતની જાહેરાત કરતા મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, અમને લોકો તરફથી એવી દલીલો મળી રહી હતી શાકભાજી લેવા જઈએ ત્યારે હેલ્મેટ ક્યાં રાખીએ? સ્મશાનયાત્રામાં જતાં ડાઘુઓએ પણ હેલ્મેટ ક્યાં મૂકવું?

હેલ્મેટમાં અનેક ગણો દંડ વધાર્યો હતો

નવા કાયદા પ્રમાણે જો હેલ્મેટ ન પહેર્યું હોય તો ટુ વ્હીલરનાં ચાલકોને 500 રૂપિયાનો દંડ થતો હતો. દંડમાં અનેક ગણા વધારાને કારણે લોકોએ અવારનવાર રજૂવાતો અને વિરોધ પ્રદર્શન પણ કર્યાં હતાં.

રાજકોટ કોંગ્રેસે ઉજવણી કરી.


રાજકોટમાં ઉજવણી

રાજકોટમાં શહેર કોંગ્રેસે હેલ્મેટને મરજીયાત થવાને કારણે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે. શહેરનાં ત્રિકોણ બાગ સર્કલ પાસે હેલ્મેટને હાર પહેરાવીને અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણાં સમયથી હેલ્મેટ નાબૂદી માટે સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેમાં હજારો લોકોએ સહી કરીને હેલ્મેટનો વિરોધ કર્યો હતો.

 
First published: December 4, 2019, 1:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading