અમે તો કોંગ્રેસમાં જ છીએ પરંતુ કોંગ્રેસવાળા ધક્કા મારે છે : ધવલસિંહ ઝાલા

News18 Gujarati
Updated: May 8, 2019, 1:53 PM IST
અમે તો કોંગ્રેસમાં જ છીએ પરંતુ કોંગ્રેસવાળા ધક્કા મારે છે : ધવલસિંહ ઝાલા
ધવલસિંહ ઝાલા

"કોંગ્રેસમાં એવી જ વાત છે કે અલ્પેશનું કદ કેવી રીતે નાનું કરવું. ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની કોઈ વાત જ નથી."

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : અલ્પેશ ઠાકોરના ઘરે યોજાયેલા હવનમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ગૃહમંત્રી રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના બીજેપી નેતાઓ હાજર રહ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ અનેક સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ અલ્પેશને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવા માટે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાથે મુલાકાત કરી હતી. અલ્પેશના ઘરે બીજેપી નેતાઓની હાજરીના વિવાદ વચ્ચે બાયડના ધારાસભ્ય ધવલસિંહે અલ્પેશનો બચાવ કરતા કોંગ્રેસ પર ખોટો વિવાદ ઉભો કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા ધવલસિંહ જણાવ્યું કે, જો પાર્ટી અલ્પેશ સામે કોઈ પગલાં લેશે તો તેનો સાથ આપવો કે પાર્ટીનો સાથ આપવો તેનો નિર્ણય તેઓ સમાજના આગેવાનો અને મતદારોને પૂછીને કરશે. સાથે જ તેમણે અલ્પેશના ઘરે હવનમાં ઠાકોર સેના અને કોંગ્રેસના નેતાઓને શા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું તેના વિશે પણ વાત કરી હતી.

અલ્પેશના ઘરે બીજેપીના નેતાઓની હાજરીથી સર્જાયેલા વિવાદ પર શું કહેશો?

અલ્પેશના ઘરનો હવન હતો, તેમાં તે પરિવારના કે નજીકના લોકોને બોલાવી શકે છે. તેને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. મારી વાત કરું તો પ્રદીપસિંહ સાથે મારે 20 વર્ષ જૂનો સંબંધ છે. એક જ સમાજમાંથી આવતા લોકોને બોલાવવામાં કંઈ ખોટું નથી. કોંગ્રેસ ખોટા રાજકીય આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસના આગેવાનોના ઘરે પણ ભારતીય જનતા પાર્ટીના લોકો આવે છે. આ પ્રકારના આક્ષેપ યોગ્ય નથી.

આ પણ વાંચો : કોંગ્રેસ MLA પદ છીનવવા હવાતિયાં મારે છે, હું જવાબ આપીશ તો કળ નહીં વળે : અલ્પેશ

કોંગ્રેસના નેતાઓ અને ઠાકોર સેનાને કેમ આમંત્રણ ન અપાયું?

ઠાકોર સેનાના ધારાસભ્ય તરીકે હું અને ભરતસિંહ હાજર હતા. હવનમાં મર્યાદિત સંખ્યામાં જ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સામાજિક પ્રસંગને રાજકીય રંગ આપીને જોવો એ ખોટું છે. અમે પણ દુઃખી છીએ કે હવે અમારા ઘરનો કાર્યક્રમ હોય તો કોને આમંત્રણ આપવું અને કોને ન આપવું. એક સામાજિક પ્રસંગને બદનામ કરવાનું કામ કરાયું છે.

અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે?

આ પહેલા અલ્પેશના ભત્રીજાના લગ્નમાં સીએમ રૂપાણી સહિતના બીજેપી નેતાઓ હાજર હતા. કોંગ્રેસે એ વખતે આક્ષેપો કરવાની જરૂર હતી. આ ઘટનાઓને ભાજપમાં જોડાવા સાથે ન જોડવી જોઈએ. સામાજિક પ્રસંગમાં કોઇને પણ આમંત્રણ આપી શકાય. જો પાર્ટી એવું માનતી હોય કે સામાજિક પ્રસંગમાં પણ પાર્ટી કહે એટલા જ લોકોને બોલાવવાના, તો તે ખોટું છે.

આ પણ વાંચો : કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશના BJP સાથેના સંબંધો ખુલ્લા પડ્યાં!

અલ્પેશ ભાજપમાં જોડાશે તે વાતમાં કેટલું તથ્ય?

અમે કોંગ્રેસમાં જ છીએ પરંતુ કોંગ્રેસવાળા ધક્કો મારી રહ્યા છે. કોંગ્રેસમાં એવી જ વાત છે કે અલ્પેશનું કદ કેવી રીતે નાનું કરવું. ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની કોઈ વાત જ નથી. હું આવી અટકળોને વખોડું છું.

અલ્પેશ સામે પગલાં લેવાશે તો ધવલસિંહ કોનો સાથે આપશે?

સમાજની વાત હોય ત્યારે અમે અલ્પેશ સાથે ખભેથી ખભો મિલાવીને ઉભા રહ્યા છીએ. જો પાર્ટી અલ્પેશ સામે કોઈ પગલાં લેશે તો હું મારા સમાજ અને મને ધારાસભ્ય તરીકે ચૂંટનારા મતદારોને પૂછીને મારો નિર્ણય જાહેર કરીશ. સમાજની કોઈ વાત હોય તો અમે અલ્પેશ સાથે છીએ.
First published: May 8, 2019, 1:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading