હર્મેશ સુખડીયા, અમદાવાદ: આમ તો પોલીસ વિભાગ રાજકારણથી પર છે પરંતુ વધુ એક વખત એવી વાતની ચર્ચા વાયુ વેગે ચાલી રહી છે, જેના કારણે સામાન્ય લોકો વિચારવા મજબૂર થયા છે કે પોલીસ શું નેતાઓની ગુલામ છે? પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે કે, એક ધારાસભ્ય દ્વારા ગૃહ વિભાગમાં ફરિયાદ કરતા પીઆઈની બદલી થઇ ગઈ છે. આ ઘટનાને લઈ પોલીસ ખાતામાં રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘાણીનગર વિસ્તારમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોઈ અસામાજિક તત્વએ બલરામ થાવાણીની કારને પથ્થર મારતા કારનો કાચ તૂટી ગયો હતો જેને લઈને પોલીસે ફરિયાદ પણ દાખલ કરી અને સતત ૪૮ કલાક તપાસ પણ કરવામાં આવી. આ ઘટના બન્યાને ગણતરીના જ દિવસમાં પીઆઈની તાત્કાલિક અસરથી જ બદલી કરી દેવામાં આવતા, રાજકીય દબાણથી બદલી થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.
મેઘાણીનગર પોલીસ સ્ટેશનની હદમાં એક પોલીસ ચોકી આવેલી છે. જે પોલીસ ચોકીની બાજુમાં જ આ સ્નેહ મિલન કાર્યક્રમ રખાયો હતો. તે કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક જ કોઇ શખ્સે બે ત્રણ પથ્થર માર્યા હતા. ત્યાં હાજર એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી, તો એક પથ્થર બલરામ થાવાણી કે જે મહિલાને લાતો મારવાથી ફેમસ થયા હતા તેમની ગાડી પર પડતા કાચ ફુટ્યો હતો. બાદમાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
મેઘાણીનગર પોલીસે આ અંગે બે રાત સ્ટાફને જગાડી, પથ્થરમારો કરનાર વ્યક્તિને શોધવા કામે લગાડ્યા હતા. પણ કહેવાય છે ને કે જ્યાં રાજકીય વગ ચાલે ત્યાં કોઇ સત્તા નથી ચાલતી, અને આ ઘટનામાં પણ એવું જ કાંઇક થયું. ઘટનાને લઇને એક નેતાને આ ધારાસભ્યને રજૂઆત કરી કે પોલીસ મોડી આવી હતી અને હજુ કોઇ કાર્યવાહી નથી કરી. ચર્ચા છે કે, રાજકીય ઇશારે ગણતરીના સમયમાં જ પીઆઇ જે.વી. રાણાની લીવ રિઝર્વ રૂમમાં બદલી કરી હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા.
પોલીસ બેડામાં ચર્ચા છે કે, કારનો કાચ કોઈ અસામાજિક તત્વએ તોડ્યો તેમાં પોલીસનો શું વાંક પોલીસે તો કાયદાની પ્રક્રિયા મુજબ ફરિયાદ નોંધી જે બાદ સ્ટાફની અછત હોવા છતાં 48 કલાક તપાસ પણ કરી. તો પણ રાજકીય વગ દેખાડી પીઆઈને ફરજીયાત લીવ રીઝર્વમાં ધકેલી દેવામાં આવ્યા. હવે નવા પીઆઇ તરીકે ધર્મરાજસિંહ જગદેવસિંહ ચુડાસમાની નિમણૂક કરવામાં આવી છે.