અમદાવાદ: નરોડાના ધારાસભ્યની દાદાગીરી, મહિલાને માર મારતો VIDEO વાયરલ

News18 Gujarati
Updated: June 3, 2019, 11:43 AM IST
અમદાવાદ: નરોડાના ધારાસભ્યની દાદાગીરી, મહિલાને માર મારતો VIDEO વાયરલ
પાણી મુદ્દે રજૂઆત કરવા ગયેલી મહિલાને ધારાસભ્ય બલરામ થાવાણીએ માર માર્યો

હું પાણી મામલે નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીને રજૂઆત કરવા આજે તેમની ઓફિસે ગઈ, તો તેઓ ઉશ્કેરાઈ ગયા અને મને લાફા મારી નીચે પાડી દીધી અને લાતો મારી મારી મને ઢોર માર માર્યો.

  • Share this:
ભાવિક આચાર્ય, અમદાવાદ : લોકસભાની ચૂંટણી હમણાં જ થઈ છે, જેમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. ત્યારે ભાજપના જ એક ધારાસભ્યની દાદાગીરીનો વીડિયો સામે આવતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી કોઈ મહિલાને જાહેર રસ્તા પર માર મારતા હોય તેવો વીડિયો વાયરલ થતા, શહેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, એક વીડિયો વાયરલ થયો છે, જેમાં નરોડાના ધારાસભ્ય અને એક અન્ય વ્યક્તિ એક મહિલાને જાહેર રોડ પર પગેથી લાતો મારી માર મારી રહ્યા છે. ધારાસભ્ય બલરામ થાવાણીનો આ વીડિયો વાયરલ થતા જ લોકો ધારાસભ્યની દાદાગીરી વિરુદ્ધ ફિટકાર વરસાવી રહ્યા છે.

ધારાસભ્ય સાથે મીડિયાએ સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, પહેલા મહિલાએ મારા પર હુમલો કર્યો હતો. મે આવેશમાં આવીને આ રીતનું કૃત્ય કર્યું છે. હું ભૂલ કબુલ કરૂ છું. હું મહિલાની માફી માંગીશ પરંતુ લેખિતમાં માફી નહી માંગુ. હું કોઈ ગુનેગાર નથી. મારા 22 વર્ષના કરિયરમાં મારા પર કોઈ જ આરોપ નથી લાગ્યો.



આ મુદ્દે ન્યૂઝ18 દ્વારા પીડિત મહિલાનો સંપર્ક કરવામાં આવ્યો તો તેણે પોતાની આપવીતી કહેતા જણાવ્યું કે, છ-સાત દિવસ પહેલા અમારા ઘરની ગેરકાયદેસર પાણીની પાઈપ કાપવા માટે ધારાસભ્યના બલરામ થાવાણીના ભાઈ અને કોર્પોરેટર કિશોર થાવાણી તથા કોર્પેરેશનના કર્મચારીઓ આવ્યા હતા, તેમને અમે રિકવેસ્ટ કરી હતી કે, અત્યારે ઉનાળો છે, પાણીની તંગી છે, થોડા દિવસ રહી જાઓ અમે કાયદેસરની કાર્યવાહી કરી પાણી લાઈન માટે અરજી કરીશું. પરંતુ આ સમયે બોલાચાલી થઈ અને પાણીની લાઈન કાપી નાખી. આ મુદ્દે હું કોર્પોરેટર કિશોર થાવાણીના ભાઈ અને નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીને રજૂઆત કરવા આજે તેમની ઓફિસે ગઈ, તો તેઓ ઉશ્કેરાઈ ગયા અને મને લાફા મારી નીચે પાડી દીધી અને લાતો મારી મારી મને ઢોર માર માર્યો. મારા પતિ મને બચાવવા વચ્ચે પડ્યા તો તેમને પણ આ લોકોએ ડંડાથી માર માર્યો.



પીડિત મહિલાએ જણાવ્યું કે, આ પહેલા પણ કોર્પોરેટર કિશોર થાવાણીએ પાણીની લાઈન કાપવા આવ્યા ત્યારે દાદાગીરી કરી હતી, અને મારા પતિને માર માર્યો હતો. તે સમયે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. આજે જ્યારે ધારાસભ્યને રજૂઆત કરવા ગઈ તો તેમણે પણ પણ જંગલી જેવું વર્તન કરી મને માર માર્યો. આ મુદ્દે મેઘાણીનગર પોલીસ સ્ટશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, નરોડાના ધારાસભ્ય અને અન્ય એક વ્યક્તિ મહિલા પર હુમલો કરી રહ્યા છે. મહિલા નીચે પડી ગઈ છે, અને ધારાસભ્ય તેમને લાત મારે છે.

 
First published: June 2, 2019, 10:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading