'વાયુ'ની અસર : પવન અને વરસાદને કારણે 327 ગામમાં વીજળી ડૂલ

News18 Gujarati
Updated: June 13, 2019, 10:23 AM IST
'વાયુ'ની અસર : પવન અને વરસાદને કારણે 327 ગામમાં વીજળી ડૂલ
ફાઇલ તસવીર

મંગળવારે વીજ પુરવઠો બંધ થવાને કારણે 2251 ગામોની વીજળી બંધ થઈ હતી, જેમાંથી 1924 ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો હતો.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર/ ચિરાગ ત્રિવેદી, ભાવનગર : વાયુ વાવાઝોડાના આગમન પહેલા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. પવન અને વરસાદને કારણે સૌરાષ્ટ્રના ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. મંગળવારે વીજ પુરવઠો બંધ થવાને કારણે 2251 ગામોની વીજળી બંધ થઈ હતી, જેમાંથી 1924 ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો હતો. એટલે કે  ગુરુવારે સવારે છ વાગ્યાની સ્થિતિ પ્રમાણે 327 ગામમાં હાલ વીજ પુરવઠો બંધ છે.

વાવાઝોડા-પવનને કારણે 904 વીજ ફીડર ખોટવાયા હતા, જેમાંથી 697 ફીડર પુનઃ શરૂ કરાયા છે. આ ઉપરાંત 566 વીજ થાંભલાઓને અસર થઈ હતી જેમાંથી 230 ને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાકી રહેલા ગામોનો વીજ પુરવઠો શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વીજ પુરવઠો ખોરવાયો હોય તેવા ગામોમાં મુખ્યત્વે છોટાઉદેપુર જિલ્લાના 258, દેવભૂમિ-દ્વારકાના 129, ગીર-સોમનાથના 189, જામનગરના 105, જૂનાગઢના 118, મહેસાણાના 240, પાટણના 317, સાબરકાંઠાના 135, અને સુરત જિલ્લાના 263 ગામોનો સમાવેશ થાય છે.

ભાવનગરના ઘાંઘળી ગામે પવનથી સાત જેટલા વીજ પોલ ધરાશયી થયા છે. વીજ પોલ પડતા પાંચ ગામનો વીજ પુરવઠો ખોરવાયો છે. રાત્રે અંધારપટ થતાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વીજ પોલ સાથે બે ટ્રાન્સફોર્મર પણ ધરાશાયી થયા છે.

પીજીવીસીએલની 634 ટીમ તૈયાર

વાયુ વાવાઝોડાને પગલે PGVCL એલર્ટ પર છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 634 ટીમ તહેનાત કરવામાં આવી છે. એક ટીમમાં એક એન્જીનિયર, 4 લાઈનમેન અને 4 મજૂર મળી કુલ 9 લોકોનો સમાવેશ થાય છે. પીજીવીસીએલ ઉપરાંત ડીજીવીસીએલ, યુજીવીસીએલ અને એમજીવીસીએલની 49 ટીમો પણ બોલાવવામાં આવી છે. તમામ 49 ટીમોને ઉના, વેરાવળ અને સોમનાથ તરફ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વધારે અસર વર્તાવાની શક્યતાઓ હોય ત્યાં 8500 પોલ મોકલવામાં આવ્યા છે. પીજીવીસીએલમાં કુલ 45 ડિવિઝન અને 70 સબડીવીઝન આવેલા છે. 45 પૈકી 14 ડિવિઝન અસરકારક થવાની શકયતા છે. વાવાઝોડા દરમિયાન કંટ્રોલ રૂમ અને કસ્ટમર કેર 24 કલાક ચાલુ રહેશે.
First published: June 13, 2019, 7:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading