અમદાવાદ : વ્યાજખોરોનો આતંક, વેપારી પાસે પૈસા ખંખેરી ગાડી પડાવી લીધી


Updated: December 24, 2019, 9:07 AM IST
અમદાવાદ : વ્યાજખોરોનો આતંક, વેપારી પાસે પૈસા ખંખેરી ગાડી પડાવી લીધી
પ્રતિકાત્મક તસવીર

આક્ષેપ પ્રમાણે વેપારીએ બંને વ્યાજખોરને મૂડી અને વ્યાજથી પણ વધુ રકમ ચૂકવી હોવા છતાંય બંને પઠાણી ઉઘરાણી કરતા હતા.

  • Share this:
અમદાવાદઃ સામાન્ય રીતે પૂર્વ વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક જોવા મળતો હોય છે. પણ હવે વસ્ત્રાપુર વિસ્તારમાં પણ વ્યાજખોરોના ત્રાસના બનાવો સામે આવ્યા છે. અહીં એક વેપારીએ બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. આક્ષેપ પ્રમાણે વેપારીએ બંને વ્યાજખોરને મૂડી અને વ્યાજથી પણ વધુ રકમ ચૂકવી હોવા છતાંય બંને પઠાણી ઉઘરાણી કરતા હતા અને ધમકીઓ આપી ત્રાસ આપતા હતા. જેથી ફરિયાદ નોંધાતા જ પોલીસે બંને વ્યાજખોરોની ધરપકડ કરી લીધી છે.

વસ્ત્રાપુરમાં રહેતા અનિમેશ શ્રીવાસ્તવ ઓઢવમાં સ્ક્રેપના લે વેચનો ધંધો કરે છે. વર્ષ 2017માં ધંધામાં નુકસાન આવતા તેમણે તેમના મિત્રને કોઇ પાસેથી વ્યાજે પૈસા અપાવવાનું કહ્યું હતું. જેથી અનિમેશભાઇના મિત્રએ રણછોડ દેસાઇ અને વિક્રમ દેસાઇની મુલાકાત કરાવી હતી. ત્યારબાદ અનિમેશભાઇએ અઢી લાખ રૂપિયા વ્યાજે લઇ સુરક્ષા પેટે ચેક અને મિત્રની ગાડી મૂકી હતી. બાદમાં મૂડીની વ્યવસ્થા ન થતાં તેમણે 25 હજાર વ્યાજ ચૂકવ્યું હતું. એક માસ સુધી 25 હજાર વ્યાજ અનિમેશભાઇએ ચૂકવ્યું હતું.

વ્યાજ ન પોસાતા અનિમેશભાઇએ ગાડી પાછી માંગી તે વેચી પેમેન્ટ ચૂકવી દેશે તેવું જણાવ્યું હતું. બાદમાં ફરી વર્ષ 2018માં અનિમેશભાઇએ 4 લાખ રૂપિયા આઠ ટકાના વ્યાજે લીધા હતા. જેનું 32 હજાર વ્યાજ પણ ચૂકવ્યું હતું. અનિમેશભાઇ આ વ્યાજના વિષચક્રમાં ફસાતા જ ગયા હતા અને વ્યાજખોરો તેમની પાસે રૂપિયા અને ગાડી ખંખેરતા ગયા હતા. બંને વ્યાજખોર રણછોડ દેસાઇ અને વિક્રમ દેસાઇએ માર મારી ધમકીઓ આપતા અનિમેશભાઇએ વસ્ત્રાપુર પોલીસને જાણ કરી હતી. જે બાદમાં પોલીસે વ્યાજ નાણા ધીરનાર અધિનિયમ 5,33,42 અને આઇપીસી 323, 294(ખ), 506(2) અને 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: December 24, 2019
વધુ વાંચો
अगली ख़बर