તમને ખબર છે તમે RTI દ્વારા સરકાર પાસે 48 કલાકમાં માહિતી માંગી શકો છો?

News18 Gujarati
Updated: April 21, 2018, 11:51 AM IST
તમને ખબર છે તમે RTI દ્વારા સરકાર પાસે 48 કલાકમાં માહિતી માંગી શકો છો?

  • Share this:
પંક્તિ જોગ

સામાન્ય રીતે નાગરિકોમાં એવી સમજ છે કે, માહિતી અધિકાર કાયદા અંતર્ગત અરજી કરવાથી આપણને વધુમાં વધુ ૩૦ દિવસની અંદર જવાબ મળશે તેવી જોગવાઈ છે. પણ શું તમને ખબર છે કે કેટલાક સંજોગોમાં નાગરીકો સરકારી કચેરી પાસેથી માત્ર ૪૮ કલાકની અંદર જવાબ મેળવી શકે? માહિતી અધિકારના કાયદામાં એ જોગવાઇ છે અને સરકારી વિભાગોએ માંગેલી એ માહિતી 48 કલાકમાં આપવી પડે છે.

માહિતી અધિકાર કાયદા(2005)ની કલમ ૭(૧) માં એક ખાસ જોગવાઈ કરેલી છે કે, જો માહિતી નાગરિકના જીવન અને સ્વતંત્રતા સાથે સંકળાયેલી હોય, તો તે માહિતી ૪૮ કલાકની અંદર મળવાપાત્ર છે. માહિતી અધિકારનો કાયદો ઘડનારાઓને એ પુરો ખ્યાલ હતો કે, નાગરિકોને કેવી મુશ્કેલીઓ પડે છે અને આકસ્મિક કિસ્સાઓમાં તેમને સરકાર પાસેથી તાત્કાલિક માહિતીની જરૂર પડે છે.

બહુ ઓછા લોકો માહિતી અધિકારના આ કાયદાની જોગવાઈ વિશે જાણે છે. એટલે આજે આપણે જોઈશું કે કેવી રીતે લોકોએ કાયદાની આ કલમનો ઉપયોગ કરી ઝડપી માહિતી મેળવી છે, અને સાથે સાથે સરકારીતંત્રને જવાબદાર પણ બનાવ્યું છે. કેટલાક કિસ્સા દ્વારા આ વાતને જાણીએ.

અમદાવાદ ફાયર બ્રિગેડની નિમણુંકમાં ગેરરીતી થયાની કેટલાક યુવાનોને જાણ થઇ. ફાયરબ્રિગેડમાં વર્ષો સુધી “ટેમ્પરરી” (હંગામી) રીતે તરીકે કામ કર્યા બાદ હવે “પોસ્ટ” (કાયમી) જગ્યાની જાહેરાત આવી એટલે હંગામી ધોરણે કામ કરતા યુવાનોને આશા જાગી અને કાયમી નિમણૂક માટે અરજીઓ કરી. આ યુવાનોએ પણ ઈન્ટરવ્યું પણ આપ્યા. પણ પછીથી તેમને ખ્યાલ આવ્યો કે પસંદગી થયેલા લોકોમાં તેમનું નામ જ નથી. આ બાતમી તેમને અંદર કામ કરતાં એક કર્મચારીએ કહી હતી. આ આઘાતથી નિરાશ થઈને કેટલાક યુવાનોએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. આ સમાચાર સાંભળીને યુવાનના એક સગાએ નિરાશ થયેલા યુવાનોને માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરીને ૪૮ કલાકમાં જવાબ માંગવાની સલાહ આપી અને તમામ યુવાનોએ બીજા જ દિવસે અરજી કરી ૪૮ કલાકની અંદર તેમને ઇન્ટરવ્યુમાં મળેલા માર્ક અને માર્ક આપવા માટે જે ધારા-ધોરણો અપનાવવામાં આવ્યા હતા તેની માહિતી માંગી. જાહેર સત્તામંડળને મુદ્દાની ગંભીરતા સમજાઈ ગઈ અને તેઓએ તાત્કાલિક એક તપાસ સમિતિ બેસાડી. તપાસ સમિતિના અહેવાલના આધારે તેમને આખી નિમણુંકની પ્રક્રિયા ફરીવાર કરવાનો નિર્ણય લેવો પડ્યો. માહિતી અધિકાર કાયદા (2005)ની કલમ 7(1)નો ઉપયોગ કેવા સંજોગોમાં કામ આવી શકે છે તેનો તમને હવે થોડો ખ્યાલ આવ્યો હશે.

બીજો એક કિસ્સો જોઇએકચ્છનાં નાના રણમાં અવાર નવાર નર્મદાનું પાણી છોડવામાં આવે છે. મુખ્યત્વે આ પાણી કેનાલમાં છોડેલ પાણીનો જયારે પુરેપુરો વપરાશ ન હોય ત્યારે તે પાણી જો કેનાલ માં વેહવા દઈએ તો કેનાલ માં અનેક જગ્યાએ ગાબડા પડવાની શક્યતા હોય છે એટલે સાયફન ખોલી રણમાં જવા દેવાય છે. જયારે અનેકવાર કોઈ રાજકીય નેતાની વિઝીટ પહેંલા નહેર /કેનાલ ભરેલી દેખાડવાના શોખ માટે તેમાં અચાનક પાણી છોડવા માટે કહેવામાં આવે છે. કોઈ પણ પાણી સંગ્રહના માળખાને ઓપરેટ કરવામાટે એક્સપર્ટ લોકોએ મેન્યુઅલ બનાવવામાં આવે છે તેને કેનાલ ઓપરેશન મેન્યુઅલ તરીકે ઓળખાય છે. બે વર્ષ અગાઉ બનાસ નદીમાં જરૂરિયાત કરતાં ખુબજ વધુ નર્મદાનું પાણી છોડાતાં તે તમામ પાણી સાંતલપુર રણમાં પહોંચ્યું અને ત્યાં મીઠું પકવતા અગરિયાઓ મુસીબત મુકાયા. એક સગર્ભા મહિલાનું મોત નીપજ્યું. અગરિયા હિતરક્ષક મંચના કાર્યકર્તાઓએ ૪૮ કલાકની જોગવાઈ મુજબ માહિતી અધિકારના કાયદા મુજબ માહિતી માંગી. જેમાં પાણી છોડવા માટેની સૂચના કોણે આપેલી? પાણીની જરૂરિયાત અંગે ગણતરી શેના આધારે કરવામાં આવી હતી ? તેની અલાર્મિંગ સીસ્ટમ શું છે? કેનાલ અને સાયફન ઓપરેશન માટે શું ધારા-ધોરણો અપનાવવા આવે છે ?વગેરે માહિતી માંગી. નર્મદા વિભાગે માહિતી ન આપી એટલે અરજદારે કલમ ૧૮ નીચે માહિતી આયોગમાં ફરિયાદ કરી. નર્મદા વિભાગે માહિતી આયોગમાં હાથોહાથ માહિતી આપવી પડી, તેમાં એક વાત સાબિત થઇ કે કેનાલના ઓપરેશનમાં કોઈ નિયમોનું પાલન થતું નથી. ત્યારબાદ નર્મદા વિભાગે પાણી છોડતાં પહેલા નાગરિકોને જાણકારી આપવા માટેની અલાર્મિંગ સીસ્ટમ બનાવી”.

હવે ત્રીજો કિસ્સો જાણીએ

રાજ્યમાં દિવ્યાંગ નાગરીકો, વિધવા મહિલાઓ અને વૃદ્ધોને સરકાર દ્વારા આપવામાં આવતુ માસિક પેન્શન સમયસર મળતું નથી તેવી અવાર-નવાર ફરિયાદો મળે છે. નાગરિકોએ વખતો-વખત માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરીને માહિતી માંગતા હતા કે પેન્શન કેમ સમયસર જમા થતુ નથી? જયારે તેમને આ વાતનો સંતોષકારક જવાબ ન મળ્યો ત્યારે તેઓ માહિતી આયોગમાં ફરિયાદ લઈને પહોંચ્યા. માહિતી આયોગના હુકમથી માહિતી તો મળી જ સાથે સાથે વુદ્ધ પેન્શન અને વિકલાંગ પેન્શન યોજનાના લાભ અને સંલગ્ન માહિતી કલમ ૭(૧) ની જોગવાઈ અનુસાર નાગરીકના જીવન સાથે નજીકથી સંકળાયેલી ગણી શકાય તેવું અર્થઘટન કર્યું. આજે અનેક નાગરીકો તેમને અટકી ગયેલા પેન્શનને ચાલુ કરાવવા માટે માહિતી અધિકારના કાયદાની આ કલમનો ઉપયોગ કરે છે.

(લેખક પંકિત જોગ અમદાવાદ સ્થિત RTI એક્ટિવીસ્ટ છે)
First published: April 21, 2018
વધુ વાંચો
अगली ख़बर