'હું પણ શિક્ષિત બેરોજગાર', સરકારી ભરતીની રાહે અટવાયેલા યુવાનોની 'ઑગસ્ટ ક્રાંતિ' - Video

'હું પણ શિક્ષિત બેરોજગાર', સરકારી ભરતીની રાહે અટવાયેલા યુવાનોની 'ઑગસ્ટ ક્રાંતિ' - Video
શિક્ષિત બેરોજગારોની સમિતિ હવે દરેક જિલ્લામાં ફરી ફરી અને ઉમેદાવારોને એકજુથ કરી રહી છે.

ટેટ-ટાટ, એલઆરડી, સહિતની અનેક ભરતીઓમાં વિલંબ અને વહીવટી ગૂંચમાં ગૂંચવાયેલા રાજ્યના શિક્ષિત બેરોજગારોની વ્યથા

 • Share this:
  અમદાવાદ : સને 2020નો ઑગસ્ટ મહિનો આજથી શરૂ થઈ ગયો છે. કહેવાય છે કે ઇતિહાસમાં ઑગસ્ટ ક્રાંતિના (August revolution) મહિના તરીકે ઓળખાય છે. દેશની આઝાદીથી લઈને અનેક ક્રાંતિઓ ઑગસ્ટમાં થઈ છે. દરમિયાન અનલૉક 3.0માં પ્રવેશેલા ગુજરાતમાં (Protest of Educated unemployed in Gujarat) આવી જ એક ડિજિટલ ક્રાંતિ થઈ રહી છે. રાજ્યમાં અનેક ભરતીઓમાં વહિવટી ગૂંચ અથવા તો વિલંબના કારણે બેરોજગાર બનેલા શિક્ષિતોએ છેલ્લા કેટલાય સમયથી ટ્વીટર પર આંદોલનો કર્યા છે. આ અભિયાન અંતર્ગત આજે શિક્ષિત બેરોજગારોનું (Song of educated unemployed) એક ગીત લૉન્ચ થયું છે.

  યૂટ્યૂબ પર રિલિઝ કરવામાં આવેલા આ ગીતનો ઉદ્દેશ્ય નફો રળવાનો નથી પરંતુ લમણે લખાયેલી બેરોજગારીનો થપ્પો ભૂસવા માટે સરકારના કાન ખોલવાનો છે. સરકાર આંદોલન ન થાય ત્યાં સુધી અવાજ સાંભળતી નથી તેવી એક ધારણા રાજ્યના યુવાનોમાં વ્યાપી છે. આ ગીત સાથે જોડાયેલા અને ટેટની ભરતીની રાહ જોઈ રહેલા એક યુવાન હરદેવ વાળા પણ કઈક આવું જ વિચારે છે.  એક વાતચીતમાં હરદેવ જણાવે છે કે 'સરકારે વર્ષ 2019ના ઑક્ટોબર મહિનામાં જાહેરાત કરી હતી કે રાજ્યમાં 12,000 શિક્ષકોની ભરતી થશે. સરકારે એ દિશામાં પગલું ભર્યુ પરંતુ મારા જેવા અનેક પ્રાથમિક શિક્ષક બનવા માંગતા અને લાયક ઉમેદવારોને ધક્કો લાગ્યો. સરકારે ટેટની ભરતી પ્રક્રિયા ન કરી. એટલે કે પ્રાયમરી શિક્ષકોની ભરતીના ફોર્મ પણ બહાર ન પડ્યા.'

  વાળાના જણાવ્યા મુજબ આ ભરતી પ્રક્રિયાની તજવીજ વર્ષ 2017 પછી થઈ નથી. સરકારની આ નિષ્કાળજીના કારણે અનેક ઉમેદવારો ગેરલાયક ઠરવાની ભીતિ છે. અથવા તો તેમના ટેટના પ્રમાણપત્રોની અવધી સમાપ્ત થવાની અણીએ છે.

  આ પણ વાંચો :  સુરત : શહેરમાં Coronaનું સંક્રમણ અટકાવવા નવતર પ્રયોગ, આ બોર્ડ જ્યાં જોવા મળે ત્યાં સાવધાની રાખો

  આવી જ રીતે રાજ્યમાં લાંબા સમયથી એલ.આર.ડી. એટલે કે લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં જીઆરની ગૂંચના કારણે આંદોલનો થતા રહ્યા છે. પહેલાં ખોટાપ્રમાણ પત્રોની બબાલ આવી તો બાદમાં મેરિટની માથાકૂટ. રાજ્યની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે આ યુવાનો ફક્ત ભરતી બહાર પાડવાની અને તેમને રોજગારી માટે લડી લેવાની તક મળે એટલી જ માંગ કરી રહ્યા છે.

  દરમિયા પોતાની લડતનો અવાજ મજબૂત કરવા માટે આજે પ્રથમ ઑગસ્ટે શિક્ષિત બેરોજગારો દ્વારા 'શિક્ષિત બેરોજગારોનું ગીત' રજૂ કરવામાં આવ્યું છે. જોકે, આવા ગીતોથી તેમનાં પ્રશ્નો હલ થઈ ગયા હોત તો કેટલાય ગીતો બજારમાં રમતાં હોત પરંતુ આ એક પ્રતિક છે, જેના દ્વારા તેઓ પોતાનો અવાજ લોકો સુધી અને સરકાર સુધી પહોંચાડવા માંગે છે.

  આ પણ વાંચો :  GTUમાં વિદ્યાર્થીઓના ડેટા લીક થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ, ગંભીર ચૂક પાછળ જવાબદાર કોણ?

  શિક્ષિત બેરોજગારની સમિતિ

  દરમિયાન રાજ્યમાં શિક્ષિત બેરોજગારોએ એક સંઘર્ષ સમિતિ તૈયાર કરી છે. જોકે, તેમાં પાસના પૂર્વ નેતા દિનેશ બાંભણિયા નેતૃત્વની હરોળમાં છે. તેમની સાથે વિદ્યાર્થી આંદોલનના ઉભરતા નેતા યુવરાજસિંહ જાડેજા છે. તેઓ જિલ્લાઓમાં ભમી રહ્યા છે, અને શિક્ષિત બેરજોજગારોને એકજૂથ કરી રહ્યા છે. ગતરોજ આ સમિતિએ ભાવનગર જિલ્લાની મુલાકાત કરી હતી.  શિક્ષણ અને ગૃહમંત્રીએ મુલાકાત કરી, સીએમ સુધી વાત પહોંચાડવાનું આશ્વાસન

  જોકે, વાળા ઉમેરે છે, કે આ સમિતિ સાથે રાજયસરકારે એક વાર સંવાદ કર્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે આ સમિતિની મુલાકાત થઈ છે. તેમણે સમિતિના આગેવાનોને સાંભળી તેમની રજૂઆત મુખ્યમંત્રી સુધી લઈ જવાની હૈયાધારણા આપી છે. જોકે, ત્યારબાદ આ સમસ્યાઓનો હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી.
  Published by:Jay Mishra
  First published:August 01, 2020, 13:10 pm

  ટૉપ ન્યૂઝ