અમદાવાદ: શહેરમાં મહિલા પૂર્વ પોલીસ સ્ટેશન (Mahila police station)માં બે વેપારીઓ સામે થયેલા બળાત્કાર કેસ (Rape case)માં નવો જ ખુલાસો થવા પામ્યો છે. બંને વેપારીઓ સામે બીજી નવેમ્બર, 2020ના રોજ એક યુવતીએ બળાત્કારની ફરિયાદ આપી હતી. હવે આ ફરિયાદ ખોટી હોવાનું સામે આવ્યું છે. યુવતીને એક લાખ રૂપિયા આપી વેપારીઓને ફસાવવા માટે ખાસ આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)થી બોલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં બદલાની ભાવનાથી બે વેપારીઓ રાજકુમાર બુદરાની અને સુશીલ બજાજ સામે એક ષડયંત્ર રચી બળાત્કારના કેસમાં ફસાવવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. જોકે, આ મામલે વેપારીઓની રજુઆત બાદ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાંચે વેપારીઓને ખોટી રીતે ફસાવી દીધાનો ભાંડોફોડ કરી નાખ્યો છે. આ કેસમાં વેપારીઓને એવી રીતે ફસાવી દેવાયા હતા કે દિમાગ ચકરાવે ચઢી જાય.
મળતી માહિતી પ્રમાણે બંને વેપારીઓ સામે ફરિયાદ પણ કરી દેવામાં આવી હતી. જે બાદમાં બંને વેપારીઓએ જેલમાં પણ જવું પડ્યું હતું. આ દરમિયાન તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને તપાસ દરમિયાન સામે આવ્યું કે મુખ્ય કાવતરાખોર ઈરફાન અન્સારીએ બદલો લેવા સમગ્ર તરકટ રચ્યું હતું. આ ષડયંત્રમાં બીજા લોકો પણ સામેલ હતા. તપાસમાં સામે આવ્યું છે કે ઈરફાન અને અજય કોડવાની સામે 2019માં આ વેપારીઓએ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. જેથી બંનેએ 40 દિવસ જેલમાં જવું પડ્યં હતું. આનો બદલો લેવા માટે ઇરફાને વેપારીઓને ફસાવવા સમગ્ર કાવતરું રચ્યું હતું.
પ્લાન પ્રમાણે ઈરફાને પોતાના મિત્ર મોહમ્મદ ઇબ્રાહિમને નીરજ ગુપ્તા નામના વેપારીની દુકાન ભાડે લીધી હોવાનો ઢોંગ કરવાનું કહ્યું હતું. નીરજ ગુપ્તાની ઓફિસ ખાતે જ બળાત્કાર થયો હોવાનું ફરિયાદમાં કહેવામાં આવ્યું છે. પ્લાન પ્રમાણે મોહમ્મદ ઇબ્રાહિમે પોતાના મિત્ર ફઝલુરેમાનને છોકરીની વ્યવસ્થા કરવા કહ્યું હતું. જે બાદ ફઝલુરેમાને આંધ્ર પ્રદેશના વિજયવાડાથી એક યુવતીને એક લાખ આપવાનું નક્કી કરી બોલવી હતી. સાથે યુવતીનો પતિ પણ આવ્યો હતો.
આ યુવતી યુવતી 20-10-20ના રોજ અમદાવાદ આવી ગઈ હતી. ત્યાર બાદ શહેર કોટડા વિસ્તારમાં યુવતી અને તેના પતિને રઈશ આલમના મકાનમાં રાખવામાં આવ્યા હતા. ઈરફાનના કહેવાથી ફઝલુરેમાને યુવતીના પતિને રેલવે સ્ટેશનમાં નોકરી પર રખાવી આપ્યો હતો. યુવતીને પણ નીરજ ગુપ્તાને ત્યાં નોકરી રાખી દીધી હતી. આ ઘટનાક્રમમાં સીમનની વ્યવસ્થા ઈરફાનના મામાના દીકરા નૂર આલમે કરી હતી. પ્લાન મુજબ બળાત્કારની સ્ટોરી ઊભી કરવા સીમન (વીર્ય)ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સીમન માટે નૂર આલમના બે મિત્રોના લેવામાં આવ્યા હતા અને આ માટે બંનેને 500-500 રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા હતા.
પ્લાન પ્રમાણે નીરજ ગુપ્તાની ઓફિસમાં સીમન ફેંકી દેવામાં આવ્યું હતું અને છોકરીને બંને વેપારીઓ સામે ફરિયાદ કરવાનું કહેવામાં આવ્યું હતું. ફરિયાદ દાખલ થયા બાદ બંને વેપારીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આ રીતે ઇરફાને બંને વેપારીઓને પ્લાન ઘડીને બળાત્કારના ખોટા કેસમાં ફીટ કરી દેવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. જોકે, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં પોલ ખુલી ગઈ હતી. તપાસ દરમિયાન ઓફિસમાંથી મળેલું સીમન અને વેપારીઓના સીમન અલગ હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં રિપોર્ટ ફાઈલ કરી દીધો છે. આ મામલે કોર્ટના હુકમ બાદ કાર્યવાહી થશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર