હર્મેશ સુખડિયા, અમદાવાદઃ ખોખરા પોલીસસ્ટેશન પાસે એક એવી ઘટના બની છે જે સાંભળતા જ રૂંવાટા ઉભા થઇ જાય છે. એક સગીરા તેના ઘરે ઊંઘતી હતી ત્યારે બે ભાઇઓ બારીમાંથી સ્પાઇડરમેનની જેમ આવ્યા અને લાકડીથી સગીરાને જગાડીને નીચે લઇ ગયા હતા. નીચે લઇ જઇ તેની સાથે બળજબરી કરવા લાગ્યા હતા. આ સમયે સગીરાની માતા જાગી ગઇ હતી અને બંને સગીરોનો ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે ખોખરા પોલીસને જાણ કરતા જ બંને ભાઇઓ સામે જુવેનાઇલ એક્ટ પ્રમાણે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે ખોખરા પોલીસસ્ટેશન પાસે આવેલા એક આવાસમાં રહેતી 36 વર્ષની મહિલા પોતાના પરિવાર સાથે રાત્રે ઘરમાં ઊંઘતી હતી. આ દરમિયાન મોડી રાત્રે ત્રણેક વાગ્યે બ્લોકના પાઇપ પર ચડીને બે શખ્સોએ લાકડીથી તેની સગીર પુત્રીને જગાડી હતી અને તેને નીચે લઈ ગયા હતા. જે બાદમાં બંને ભાઈઓ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરી કરવા લાગ્યા હતા. આ દરમિયાન સગીરાની માતા પણ જાગી ગઈ હતી.
બીજી તરફ પુત્રી ઘરમાં મળી ન આવતા માતાએ શોધખોળ શરૂ કરી હતી, આ સમયે જ તેની નજર બંને ભાઈઓ પર પડી હતી. માતાએ જોયું કે બંને તેની પુત્રી સાથે બળજબરી કરી રહ્યા હતા. મહિલાએ ઠપકો આપતા બંને ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદમાં સગીરાએ રડતાં રડતાં માતાને કહ્યું કે, છેલ્લા છ મહિનાથી બંને ભાઇઓ તેને હેરાન કરતા હતા. સગીરાના ફોટો તેમના ફોનમાં હોવાનું કહીને બંને તેણીની પજવણી કરતા હતા. દીકરીની આવી વાત બાદ માતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે વધારે તપાસ શરૂ કરી છે.