Home /News /madhya-gujarat /'નકલી નોટો તાંત્રિક વિધિ બાદ અસલી થશે,' અમદાવાદમાં બે હજારની નકલી નોટો સાથે બેની ધરપકડ
'નકલી નોટો તાંત્રિક વિધિ બાદ અસલી થશે,' અમદાવાદમાં બે હજારની નકલી નોટો સાથે બેની ધરપકડ
બે આરોપીની ધરપકડ.
અમદાવાદમાં નકલી નોટ રેકેટ: વડોદરાના બાપુ ઉર્ફે ભુવાએ તાંત્રિક વિધિથી નોટોને અસલી બનાવવાનું કહ્યું હતું. સરખેજ પોલીસે નકલી નોટો સાથે બે લોકોની ધરપકડ કરી.
અમદાવાદ: શહેરમાં નકલી નોટો (Fake currency notes) વટાવવા જતાં બે શખ્સની સરખેજ પોલીસે (Sarkhej Police) ઉજાલા સર્કલ નજીકથી ધરપકડ કરી હતી. બંને આરોપીઓ પાસેથી રૂ. બે હજારની કુલ 367 નકલી નોટો મળી આવી હતી. નકલી નોટો વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા બાપુ ઉર્ફે ભુવા પાસેથી લાવ્યા હતા. આ ભુવાએ આ નકલી નોટો સાથે મોકલી તાંત્રિક વિધિ (Tantrik Vidhi)થી અસલી બનાવવાનું જણાવ્યું હતું. જોકે, આરોપીઓની આ કેફિયત શંકાસ્પદ લાગતા હકીકત જાણવા સરખેજ પોલીસે તપાસ શરૂ કરી છે.
સરખેજ પોલીસને બાતમી મળી હતી કે સરખેજ ફતેહવાડીમાં રહેતા બે શખ્સ નકલી નોટો લઈ ઉજાલા સર્કલ તરફ આવવાના છે. જેથી પોલીસે સર્કલ પાસે વૉચ ગોઠવી હતી. શંકાસ્પદ શખ્સ આવતાં જ બંનેને પોલીસે ઝડપી લીધાં હતા. બંનેને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરતા એકનું નામ લક્ષ્મણ બેગડા અને કૃણાલ ઠક્કર હોવાનું સામે આવ્યું હતું. તેઓ પાસે રહેલા થેલામાંથી કુલ 367 જેટલી રૂ. 2,000ના દરની નોટો મળી આવી હતી. પોલીસે નકલી નોટો અંગે ખાતરી કરવા FSLના અધિકારીને જાણ કરી હતી.
આ મામલે ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે વડોદરાના બાપુ ઉર્ફે ભુવાજીએ આ બને શખ્સોને આ નોટો આપી હતી. તેમણે નકલી નોટોને તાંત્રિક વિધિથી અસલી બનાવવાનું કહીને બંનેને રવાના કર્યા હતા. પરંતુ બે દિવસ પછી ભુવા ઉર્ફે બાપુએ નકલી નોટો અસલી નહીં થાય તેવું જણાવ્યું હતું. આખા નકલી નોટોના ષડયંત્રમાં એક શિક્ષક મનુસિંગ અને મહેબૂબ ખાનના નામ પણ સામે આવ્યા છે. બીજી તરફ FSLના અધિકારીએ નોટો તપાસ કરતા સાચી નોટ કરતા આ નોટોનો કલર અને ક્વોલિટી નબળી હતી. નોટોની વચ્ચે સિક્યુરિટી થ્રેડ અને વોટર માર્ક પણ નથી.
ઝડપાયેલા બંને આરોપીઓ નોટો વટાવી 50-50 ટકા કમાણી કરવાના હોવાનું સામે આવ્યું હતું. જોકે, નકલી નોટો ક્યાં બનાવડાવી છે તે વાત વડોદરાનો આરોપી વિશાલ ઉર્ફે બાપુ પકડાયા બાદમાં જ ખુલાસો થશે. આ કેસમાં પકડાયેલા બંને શખ્સોએ અગાઉ આવી કોઈ ડીલ કરી છે કે કેમ? આ નોટો ક્યાં બનાવવામાં આવી જેવી અનેક માહિતીઓ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.